(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: ગત શનિવારની ઢળતી બપોરે મધ્યપ્રદેશના બાલાઘાટ નજીક થયેલા એક ચાર્ટર્ડ પ્લેન ક્રેશમાં ગાંધીધામના જાણીતા ઉદ્યોગપતિ પરિવારની ટ્રેઈની પાઇલટ પુત્રીનું મૃત્યુ નીપજતાં કચ્છ સહીત બૃહદ કચ્છમાં ભારે શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.
ચાર્ટર્ડ પ્લેને ગત શનિવારની બપોરે મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લાના બીરસી એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી અને દુર્ઘટનાનો શિકાર બનેલા વિમાનનું છેલ્લું લોકેશન ૩.૪૫ કલાકે કિરણાપુર પાસે જોવા મળ્યું હતું.
ટ્રેઈની પાઇલટ તરીકે ગાંધીધામની વૃષંકા માહેશ્ર્વરી અને ઈન્સ્ટ્રક્ટર મોહિત કુમાર નાનકડાં એરક્રાફ્ટમાં સવાર હતા. ત્યારે સંભવિત ખરાબ હવામાન અથવા તકનિકી ખરાબીના કારણે મધ્ય પ્રદેશના બાલાઘાટના જંગલ વિસ્તાર કિરણાપુરમાં ઢળતી બપોરે તેમનું ચાર્ટર્ડ વિમાન આગનો ગોળો બની તૂટી પડતાં ઘટનાસ્થળે જ બંનેનાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં.
હતભાગી ટ્રેઈની પાઇલટ વૃષંકા ગાંધીધામની જાણીતી માહેશ્ર્વરી હેન્ડલિંગ પેઢીના પાર્ટનર ચંદન માહેશ્ર્વરીની પુત્રી હતી. દુર્ઘટના અંગે મૃતકના કાકા વંદન માહેશ્ર્વરીએ મુંબઈ સમાચાર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, વૃષંકાએ નિયમ મુજબ ૧૦૦ કલાકનું ફ્લાઈંગ પૂર્ણ કરી દીધું અને તેને પાયલટ તરીકે પેસેન્જર પ્લેન ઉડાવવા માટે મંજૂરી પણ મળી ગઈ હતી. પરિવારજનો મધ્ય પ્રદેશ જવા રવાના થઈ ગયાં હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આ ભયાનક દુર્ઘટનાનું કારણ હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી.જો કે, દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારમાં વાતાવરણ ખરાબ હતું અને કરાં સાથે માવઠું થયું હોઈ તે એક કારણ હોઈ શકે તેમ જાણીતા યુટ્યુબર અને પૂર્વ કપ્તાન ગૌરવ તનેજાએ જણાવ્યું હતું. ઉ