Homeવીકએન્ડકચ્છ આંગણે... કચ્છીયત અને માલધારીયતનો સુભગ સમન્વય

કચ્છ આંગણે… કચ્છીયત અને માલધારીયતનો સુભગ સમન્વય

કેફિયત-એ-કચ્છ – રાજેશ માહેશ્ર્વરી

ભારત વિશ્ર્વમાં માલધારીઓની વસ્તી ધરાવતો પ્રમુખ દેશ છે. ભારતમાં ૫ કરોડથી વધુ પરિવારો માલધારી વ્યવસાય અને જીવન શૈલી સાથે સંકળાયેલ છે. ૨૦૨૬ના વરસની વૈશ્ર્વિક ઉજવણીમાં ભારતની ભૂમિકા શું છે તે અંગે હજુ કોઇ આધિકારીક શરૂઆત થઇ નથી, પરંતુ આ ચર્ચાની પ્રથમ શરૂઆત કચ્છનાં આંગણે થઇ રહી છે. દેશના ૫ કરોડથી વધુ માલધારીઓના ભવિષ્ય ઘડતર અંગે ચિંતન કર્યું હતું. ભારતના સાડા ત્રણ કરોડ જેટલા પરિવારો વિચરતી જીવનશૈલી જીવે છે.
સમગ્ર વિશ્ર્વના સામાન્ય પ્રવાહની સાથે સાથે ભારતમાં પણ માલધારીય જીવન શૈલી અને પશુપાલન વ્યવસાય એક અનિશ્ર્ચિત દૌરમાંથી પસાર થઇ રહ્યો છે, એક તરફ અનેક પ્રકારના પડકારો અને સમસ્યાઓને કારણે મોટાભાગના યુવાનો આ વ્યવસાયથી વિમુખ થઇ રહ્યા છે. જેની બીજી તરફ આખું વિશ્ર્વ ૨૦૨૬ના વરસને માલધારીઓના વરસ તરીકે ઉજવે. અહીં ભારતમાં દેશના આઝાદીના ઇતિહાસમાં સૌપ્રથમ વખત દેશની યોજનાઓમાં વિચરતા માલધારીઓ માટે વિવિધ જોગવાઇ કરીને સરકાર દ્વારા આ માલધારી પશુપાલન ઉત્પાદન પ્રણાલીને ટકાવી રાખવા માટે યોજનાકીય પગલાંઓ દ્વારા સ્તુુત્ય પ્રયાસો થઇ રહ્યાં છે. સરકાર જાણવા માગે છે. દેશના કયા કયા રાજ્યોમાં કંઇ કંઇ કોમો છે, જે વિચરતી જીવનશૈલી સાથે પશુપાલન કરે છે? વિચરતું જીવન જીવતા માલધારી પરિવારોની સંખ્યા કેટલી? આ માલધારી પરિવારો માટે સરકારે કયા કયા પ્રયાસો કરવા જોઇએ! તેમના માટે કેવી યોજનાઓ હોવી જોઇએ? આ યોજનાઓનો સાચો લાભ છેક જંગલમાં વસતા માલધારીઓ સુધી કેવી રીતે પહોંચાડી શકાય?
આ માલધારી સમુદાયોની મુખ્ય ઉત્પાદનો (પ્રોડક્ટ) ક્યા કયા છે? માલધારીઓના ચરિયાણના માર્ગો અને રૂટ કયા કયા છે? આ પ્રકારની અનેક મહત્ત્વની બાબતો સરકાર જાણવા માગે છે. અને તેના આધારે યોજનાઓ અને કાર્યક્રમો ઘડવા માગે છે, પરંતુ દેશમાં વિચરતું જીવન જીવતા માલધારી સમુદાયો મોટા ભાગે અસંગઠિત છે. તેઓ જંગલમાં અને માલધારી વગડામાં જ રહેતા હોઇ પોતાની જ ભલાઇ માટે એકત્રિત કે સંગઠિત થઇને કામ કરવા તેઓ પ્રેરાયા નથી. દેશમાં અનેક ખેડૂત સંગઠનો, કામદાર યુનિયનો, કર્મચારી યુુુનિયનો આદિવાસી મંડળો છે, જેના દ્વારા તેઓ પોતપોતાના મહત્ત્વના મુદ્દાઓ બાબતે સરકાર સાથે સંવાદ કરે છે. અને પોતાના વિકાસ માટેના સરકાર સાથે હાથ મિલાવીને આયોજન ઘડે છે, પરંતુ દેશમાં ૧૬ જેટલા રાજ્યોમાં ૬૦થી વધુ જેટલા સમુદાયોના ૫ કરોડ માલધારીઓનું રાષ્ટ્રીયસ્તરે કોઇ જ ફોરમ કે સંગઠનાત્મક માળખું નથી. આ જરૂરિયાત અને સંદર્ભને ધ્યાનમાં રાખીને આ માલધારી સમુદાયોના યુવાનોનું દેશનું સૌ પ્રથમ રાષ્ટ્રીય સંમેલન કચ્છના આંગણે એલ. એલ. ડી. સી. અજરખપુર ખાતે માલધારી પ્રદર્શનના ભાગરૂપે યોજાયું હતુંં, ત્યારે દેશના માલધારી યુવાનોનું આ પ્રકારનું સૌપ્રથમ રાષ્ટ્રીય અધિવેશન કચ્છના આંગણે યોજાઇ ગયાનું શ્રેય કચ્છને કચ્છના માલધારી સમાજને જાય છે અને તેમના માટે આ ગૌરવની વાત છે.
કચ્છમાં રબારી, ભરવાડ, ફકીરાણીજત, સોઢા સમા વગેરે બન્નીના માલધારીઓ વગેરે મહત્ત્વના માલધારી સમુદાયો છે. જે વિચરણ અને ચરિયાણ જીવનશૈલી સાથે સંકળાયેલ છે. બન્ની, ભેંસ, કચ્છી અને ખારાઇ ઊંટ, કચ્છી બકરી, મારવાડી અને પાટણવાડી ઘેંટા, કાકરેજ ગાય, કચ્છી-સિંધી ઘોડા, કચ્છી ગધેડા જેવી નવ જેટલી પશુ નસલ (ઓલાદ)નું કચ્છના અર્થતંત્રમાં મોટુ યોગદાન છે. જેથી દેશના માલધારીઓના ભવિષ્ય ઘડતરના ચિંતન માટે કચ્છે આગેવાની લીધેલ કચ્છના રબારી માલધારીઓએ પોતાની અનોખી માલધારીયત અને જીવનશૈલી વડે સમગ્ર દેશમાં એકમાત્ર કચ્છ જીલ્લો એવો છે. જેના રબારી માલધારીઓ કચ્છ ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા સુધી લગભગ ૧૫૦૦ થી ૨૦૦૦ કિલોમીટરનું અંતર કાપીને સ્થળાંતર કરે છે. આ કચ્છ પ્રદેશની ભૂમિમાં વિન્ટર ફેસ્ટિવલ અને લિવિંગ લાઈટલી માલધારી પ્રદર્શનના ભાગરૂપે રાષ્ટ્રીય યુવા માલધારી સંમેલન યોજાયુ તે અવસર કચ્છને મળ્યો તે ખૂબ મોટો સુભગ સમન્વય છે.
પાંચ દિવસીય ‘લિવિંગ લાઈટલી’ પ્રદર્શનના ભાગરૂપે તા. ૨૦ જાન્યુઆરી અને ૨૧ જાન્યુઆરીના રોજ વિચરતા માલધારી યુવાઓનું રાષ્ટ્રીય સંમેલન યોજેલ. આ સંમેલનના બીજા દિવસે ભારત સરકારના પશુપાલન ડેરી મંત્રી શ્રી પરસોત્તમ રુપાલા પણ હાજર રહ્યા હતા અને સરકાર કટીબદ્ધ છે તેવું આશ્ર્વાસન પણ આપ્યું હતું. એલ.એલ.ડી.સી. અને સેન્ટર ફોર પાસ્ટારાલીઝમના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહેલ આ ફેસ્ટીવલમાં સહજીવન સંસ્થા ભુજ દ્વારા માલધારી યુવા સંમેલનનું આયોજન યોજેલ છે. આ સંમેલનમાં દેશના કાશ્મીર થી કેરાલા સુધીના ૧૬ રાજ્યોમાંથી ૩૦ જેટલા વિવિધ વિચરતા માલધારી સમુદાયના ૧૫૦ યુવા માલધારીઓ, નિષ્ણાતો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ સામેલ રહ્યા હતા.
ઉલ્લેખનીય બાબત એ છે કે મોંગોલિયા સરકાર દ્વારા ૨૦૨૬ના વરસને માલધારીઓ માટેના આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કરવા સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં દરખાસ્ત સાથે અપીલ કરી હતી. જેના અપીલના સમર્થનમાં ૨૦૨૧ની શરૂઆતમાં બન્નીના માલધારીઓ દ્વારા ભારત સરકારનું સમર્થન મેળવવા માલધારી ગૌરવ યાત્રાનું આયોજન કરી પોતાની રજૂઆત પહોંચાડી હતી, યોગાનુંયોગ ભારત સરકારે પણ મોંગોલિયાની દરખાસ્તને ટેકો આપ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા મંજૂરીની મહોર લાગતા બન્નીના માલધારીઓની પદયાત્રા સફળ રહી હતી. માલધારીઓની ભૂમિકા, સરકારની ભૂમિકા અને તેની તૈયારી બાબત એક ગોળમેજી ચર્ચા યોજીને અંગે રણનીતિ ઘડવામાં આવશે. દેશના વિચરતી માલધારી સમાજના યુવાનો એકજૂટ થઈ સરકાર સાથે હાથ મિલાવી, પોતાની ઉન્નતિ માટે સરકારની સાથે સંવાદ કરવા અને સહયોગ આપવા અને સહયોગ લેવા માળખું બનાવવામાં આવ્યું. ઉપરાંત ૨૦૨૬ની ઉજવણીમાં સમગ્ર વિશ્ર્વ સાથે સાથે ભારતના માલધારીઓ સમુદાયો અને સરકારની ભૂમિકા અંગે ચોક્કસ વ્યુહરચના ઘડી કાઢી હતી.
લીવીંગ લાઈટલી એક્ઝીબિશનના ભાગ રૂપે યોજાયેલ યુવા સંમેલનમાં માલધારી સમુદાયની આકાંક્ષાઓ, ક્ષમતાઓ અને પડકારો વિષય પર જૂથ ચર્ચાઓ થઈ હતી. સતત ચાલતા રહેવું, કુદરત
સાથેનો સંબંધ, ઉચ્ચ પશુ નસ્લો, પારંપારિક જ્ઞાન, ખેડૂતો અને કારીગરો સાથેના સંબંધ અને દુકાળ તેમજ અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓ સામે ટકી રહેવાની ક્ષમતા જેવા મહત્વપૂર્ણ ક્ષમતાઓ બહાર આવી હતી. યુવાનોની મુખ્ય આંકાક્ષાઓ હતી કે અમે અમારી આ પરંપરાને હજુ પણ વધુ સારી રીતે વિકસિત કરીશું. કુદરત અને પર્યાવરણને અનુકુળ થઈશું. દેશમાં વિચરતા માલધારી સમુદાયની એક અલગ ઓળખ ઊભી કરીશું. ૨૦૨૬માં ભારતનું વિશ્ર્વ સ્તરે પ્રતિનિધિત્વ કરીશું જેવી મહત્ત્વપૂર્ણ આંકાક્ષાઓ સામે આવી હતી. બીજી તરફ પાંચ મહત્ત્વપૂર્ણ પડકારો પણ બહાર આવ્યા હતા જેમાં ચરિયાણ અને સ્થળાંતર દરમિયાન આવતી મુશ્કેલીઓ, રસીકરણ અને પશુસારવારની અપૂરતી સગવડો, આજીવિકામાં દૂધ અને ઉનની બજારની વ્યવસ્થાનો અભાવ, વિસરાતી સાંસ્કૃતિક વિરાસત અને વિચરણ દરમિયાન શિક્ષણની અપૂરતી સેવાઓ વગેરે મુખ્ય હતી.
યુવા માલધારીઓ રાજ્ય પ્રમાણે જૂથમાં વિભાજીત થઈને દરેક રાજ્યોમાંથી યુવાભાઈ અને એક બહેન અને બે-બે રાજ્યોની રાષ્ટ્રીય યુવા કાર્યકારણીમાં પસંદગી કરીને કુલ ૧૭ રાજ્યોના ૩૪ સભ્યોની રાષ્ટ્રીય ધુમન્તું માલધારી યુવા સંગઠનની રચના થઈ હતી. આ સમિતિ માલધારીયતની ક્ષમતાનો ઉપયોગ કરી પડકારો સામે સાથે મળીને કામ કરશે. આ રાષ્ટ્રીય સંગઠન કેન્દ્ર સરકાર સાથે સહયોગ સાધીને દરેક રાજ્યમાં માલધારીઓની યાદી, સંખ્યા અને તેમની વિગતવાર માહિતી અને રાજ્યવાર કાર્યયોજના તૈયાર કરશે. આ રાષ્ટ્રીય યુવા માલધારી સંગઠન દિવસના અંતે પર્યાવરણ, પરંપરા, પશુ ઓલાદો, સંસ્કૃતિ, ભાઈ-ચારો, ખેડૂતો સાથેના સંબંધ, કુદરત સાથેના સંબંધને વધુ વિકસિત કરી સંગઠિત થઈને કાર્ય કરવાની પ્રતિજ્ઞા એવો કે શપથ લીધી હતી.
આમ કચ્છના માલધારીઓએ પોતાની માલધારીયત અને કચ્છીયતના દર્શન કરાવ્યા હતા અને દર સાંજે લોક સંગીતના કાર્યક્રમોએ વાતાવરણને હળવું કરી મંત્રમુગ્ધ થઈ જતા.
પૂરક માહિતી શ્રી રમેશ ભટ્ટી
પૂર્ણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -