મુંબઈઃ માયાનગરી મુંબઈમાં પોલીસ કર્મચારીને જ મારપીટ કરી હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા એક વાહનચાલકની પુછપરછ કરતી વખતે આ ઘટના બની હતી. ટ્રાફિક પોલીસને મારપીટ કરવા મુદ્દે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હોઈ કુર્લા પોલીસ દ્વારા 53 વર્ષીય એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ ટ્રાફિક પોલીસને મારી રહી છે. દરમિયાન જ્યારે આ ઘટના બની રહી હતી ત્યારે લોકોએ તેમને છોડાવવાને બદલે તમાશો જોવાનું જ પસંદ કર્યું હતું. આ વાઈરલ વીડિયો પર સોશિયલ મીડિયામાં નેટિઝન્સ સંતાપજનક પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
કુર્લા પોલીસ દ્વારા આપવામાં આવી માહિતી અનુસાર આ ઘટના કુર્લા વેસ્ટ ડેપો સિગ્નલ પાસે આ ઘટના બની હતી. ખાલિદ ઈસાક વસઈકર (53) સ્કુટર ચલાવી રહ્યા હતા અને તેમણે સિગ્નલ તોડ્યું હતું. ટ્રાફિક પોલીસે ખાલિદને રોકીને તેની પુછપરછ કરી હતી, દરમિયાન ખાલિદે ધક્કા મુક્કી શરુ કરીને ગાળો આપવાનું ચાલું કરી દીધું હતું. એટલું જ નહીં બુમાબુમ કરીને ખાલિદે ભીડ એકઠી કરી અને આ ભીડમાંથી બે બીજી અજ્ઞાત વ્યક્તિએ પણ પોલીસ સાથે ધક્કામુક્કી કરી હતી અને એક જણે તો પોલીસને જ તમાચો ઝીંકી દેવાની ધમકી પણ આપી હતી.
આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને આ પ્રકરણે આઈપીસીની ધારા 353, 332,504,506 અને 34 હેઠળ ગુનો નોંધાવામાં આવ્યો હોવાની માહિતી કુર્લા પોલીસે આપી હતી.
દરમિયાન અમુક મહિનાઓ પહેલાં મહારાષ્ટ્રના પુણેમાં પણ એક બંદોબસ્તમાં તહેનાત એક મહિલા પોલીસનો વિનયભંગ કરીને તેની સાથે મારપીટ કરવામાં આવી હોવાની ઘટના બની હતી.