કે-પૉપ સિંગર હાઈસુ તેના હોટલના રૂમમાં મૃત હાલતમાં મળી આવી હતી. તેનું 29 વર્ષની વયે અવસાન થયું હતું. દક્ષિણ કોરિયાની પોલીસને રૂમમાંથી એક સુસાઈડ નોટ પણ મળી હોવાનું કહેવાય છે. 15 મે, 2023 ના રોજ દક્ષિણ કોરિયાના મીડિયા આઉટલેટે અહેવાલ આપ્યા બાદ નિધન પ્રકાશમાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે તેઓને આયોજકો તરફથી ફોન આવ્યા હતા કે ગાયક નિર્ધારિત કાર્યક્રમમાં હાજરી આપશે નહીં કારણ કે તેનું નિધન થયું છે.
ટ્રોટ સિંગર હાઈસુની આત્મહત્યા ટ્રોટ (કોરિયન સંગીતની વ્યાપકપણે લોકપ્રિય શૈલી) ગાયક હાઇસુ 20મી મેના રોજ વાંજુ ગન, જિયોલાબુક-ડોમાં ગ્વાંજુમિઓન પીપલ્સ ડે ઇવેન્ટમાં પરફોર્મન્સ આપવાની હતી. તેણે આ રીતે શા માટે તેનું જીવન ટૂંકાવ્યું તે અંગે કોઈ ખાસ કારણ આપવામાં આવ્યું નથી. પોલીસે આ કેસમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિની શક્યતાને નકારી કાઢી છે.
હાઇસુનો જન્મ 1993માં થયો હતો અને તેણે 2019 માં સિંગલ આલ્બમ My Life, Me સાથે ડેબ્યુ કર્યું હતું. ગાયો સ્ટેજ, હેંગઆઉટ વિથ યૂ અને ધ ટ્રોટ શોમાં તેના ઉત્કૃષ્ટ દેખાવ પછી તેને ઘણી પ્રસિદ્ધિ મળી હતી. તેણે તેની ગાયકીથી દરેકને મંત્રમુગ્ધ કર્યા હતા.
હાઇસુ તેના મૃત્યુના આગલા દિવસ સુધી સોશિયલ મીડિયા પર સક્રિય હતી. તે સોશિયલ મીડિયા થકી ચાહકો સાથે દરરોજ સંપર્કમાં રહેતી હતી.
નોંધનીય છે કે આ વર્ષની શરૂઆતમાં એસ્ટ્રોના સભ્ય મૂનબીન પણ તેમના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. વિશ્વભરના ચાહકોએ યુવા કે-પોપ સ્ટારના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો.