Homeઉત્સવકઉતુક

કઉતુક

મધુ રાયની વાર્તા -મધુ રાય

એક દી સવારના પો’રમાં હરિયો દાતણ કરતો હતો અને એક કઉતુક થયું. દાતણ તો વાતું કરવા મૈંડું. દાતણ ક્યે કે હરિભાઈ, હું તો હાઈલું.
હરિયાએ પૂછ્યું ક્યાં, તો દાતણ ક્યે કે બસ, હું તો પાછું જાઉં છું.
એટલી વારમાં તો બાવળના કટકા બધા ભેગા થઈ ગયા અને બની ગઈ બાવળની સોટી. જોતજોતામાં બાવળના કાંટા બધા ભેગા થઈ ગયા અને પીળાં પીળાં ફૂલ અને લીલાંછમ પાંદડાં આવી ગયાં, દાતણમાંથી બની ગઈ બાવળની ડાળી. ડાળી મંડી ચાલવા. હરિયો એની હારેહારે ચાલ્યો. રસ્તામાં અલકમલકની વાતું થઈ. હરિયાએ
પૂછ્યું. પણ વાત તો કરો, આમ જાઓ છો ક્યાં, બાવળભાઈ. એટલામાં તો બધી સોટિયું ભેગી થઈ ગઈ અને વગડામાં બાવળ પાસે જઈને ઊભી રહી. બાવળે હાથ લાંબા કૈરા અને કપાયેલી ડાળું બધી પાછી ચોંટી ગઈ.
હરિયાએ તો કહ્યું, ભારી ભાય, આયે નવું. બાવળે કહ્યું, હરિભાઈ, શું ફકર કરો છો? તો હરિયાએ કહ્યું, ભાય, આ છે શું બધું? બાવળે કહ્યું, ભાઈ, અમે સૌ પાછાં જાયેંછ. બાવળનું ઝાડ તો વાતું કરતું જાય અને નાનું નાનું થાતું જાય. હરિયાએ કહ્યુ, કેમ આમ થાય છે? તો બાવળે કહ્યું, કોક દી એમે થાય. જોવો, હવે હું નાનો છોડ થઈ ગયું, અને જોજો ને થોડીક વારમાં તો નાનો રોપ અને એય ને પછી સાવ નાનું બી બની જઈશ. સમજ ના પડે તો જઈને પૂછો ભગવાનને.
હરિયાને તો ખબર નો’તી કે ભગવાન ક્યાં મળે. એણે તો જઈને પૂછ્યું એક ગાયને. ગાયની રૂવાંટી ઉપર તેત્રીસ કરોડ દેવતા રહે છે, તો ગાયને કંઈક તો ખબર હોય ને. પણ ગાયને મળે એટલી વારમાં તો દોહેલાં દૂધ બધાં ડોલ ભરી ભરીને એની પાસે આવ્યાં, અને શેડ બની બની આંચળમાં સમાવા લાગ્યાં. જોતજોતામાં તો ગાય બની ગઈ વાછરડી, અને ડોલનું લોખંડ માંડ્યું ઓગળવા, અને જઈ મળ્યું લોઢાની ખાણમાં. હરિયાએ કહ્યું કે માળું આયે ભારી.
હરિયો તો હાલતો હાલતો પૂગ્યો મંદિરમાં, પણ પૂગે ઈ પે’લાં તો મંદિરના પાણા ભેગા થઈ ભાગી ગ્યા ડુંગરમાં, અને લાકડાં સટાસટ જોડાઈને સમાઈ ગયાં સાગના વનમાં.
તે હરિયો તો ભારી મૂંઝાણો. એને થયું કે આ તો શું થાવા બેઠું છે. ત્યાં વળી એને એકદમ વિચાર આવ્યો. એને થયું કે દુનિયા તો આખી પરમાત્માએ જ બનાવી છે, અને આમ ને આમ થીએ રાખશે તો મારું બેટું બધું વાજતુંગાજતું એને માંડવે જ આવશે? ને તે હું તો આ બેઠો. બધું પાછા પગે જાવા બેઠું છે, તે હુંય પોતાની મેળે પરમાત્મા પાસે પૂગી જઈશ. તે હરિયો તો બેઠો પલોંઠી વાળીને, ને મૈંડ્યો મરકાવા, રામ રામ બોલતાં વરી મરકાઈને બોલ્યો, મરા મરા. બધું ઊંધું જ હાલે છે તો પછી ભગવાનનું નામે ઊંધું શું કરવા ન લેવું. કાં?
એઈ ને પછી તો પછી હરિયાના મોઢામાંથી રોટલિયું બા’ર નીકળી અને છૂટી પડીને લોટ બની ગઈ, અને લોટનાં ઘઉં, અને ઘઉંનાં ડૂંડાં, એ ડૂંડાં સમાઈ ગયાં ધરતીમાં અને એઈ ને વાદળુંમાંથી પાણી પાછું પડ્યું દરિયામાં ને નદિયુંનાં પાણી પાછાં વળ્યાં પહાડના માથા ઉપર, અને મકાનો બધાં માંડ્યાં પડવા. ને પાણા પાછા જઈને પડ્યા ખાણમાં, લોઢું-લોઢું બધું પીગળી ગયું અને ચૂનો-ચૂનો પાછો ઘોળાઈ ગયો, અને રેતી રેતી બધી પથરાઈ ગઈ. હરિયાને મજા પડી ગઈ. શાકમારકીટમાંથી શાક ઊડી ઊડી વળગ્યું વાડીએ વાડીએ, ને ઘઉં, બાજરાનું ધાન ઊડ્યું ડૂંડાં થઈ ખેતરેખેતરે, અને ફળ-બળ બધાં સટાસટ ચોંટી ગયાં ડાળે ડાળે. ઊંચાં ઊંચાં તાડ નીચાં નીચાં થાતાં જાય ને ધરતીમાંથી જૂના જમાનાનાં જૂનાં જૂનાં તાડ બધાં બહાર આવે, જે વળી નીચાં નીચાં થાતાં જાય. ચિતાઉમાંથી મરેલાં મડદાં બેઠાં થાય, ને પાછાં ઘરમાં આવે, ને મોટા માણસમાંથી નાના બાળક બનીને પાછાં જઈને પોઢે માના પેટમાં, અને પછી ઊપડે પોતાના આગલા અવતારની સફરે.
તે હરિયોય જોતજોતામાં નાનકડો બચુકડો બની ગયો ઘોડિયામાં અને પટ દઈને પોઢી ગયો માના પેટમાં. અને આંખું ઉઘાડી તો પોપટ બનીને પાંજરામાં બેઠો છે અને પાંજરું પાછું ખોવાઈ ગયું અને પોપટ તો રામસીતારામસીતા બોલતો બોલતો બેસી ગયો જામફળના ઝાડ ઉપર, અને ઝાડ તો જામફળનું હેઠું બેસવા માંડ્યું, અને પોપટ તો બચ્ચું બનીને પાછું પુરાઈ ગયું ઈંડામાં ને ઈંડુ જઈ બેઠું પાછું પોપટીના પેટમાં અને હરિયાનો આત્મા તે પાછો ફરવા લાગ્યો ચોર્યાસી લાખ યોનિઓમાં પાછલા પગે.
ને હરિયાને તો શું ટેસડા પડે, શું ટેસડા પડે કે ન પૂછો વાત. એને તો આકાશમાં ઊડવા મળે, ને નદીમાં તરવા મળે ને દરિયામાં બૂડવા મળે, ને મા’ભારતની લડાઈયું જોવા મળે, ને એઈને ઉંદરના દરમાં ઈ તો આંટો મારી આવે ને હાથીની સૂંઢમાં મહાલી આવે ને બોલતો જાય રામ-રામ હરે રામરામ, ને બસ પછી તો ધરતી તો આખી કોરી થઈ ગઈ ને એના ઉપર શું મેહ વરસે, લીલોતરીનો પાર નહીં. જીવો તો બધા ભરાઈ ગયા દરિયાના પાણીમાં ને હરિભાઈ તો દેડકાના અવતારમાં એઈને કરે ઠેકાઠેક ને પછી તો પાછું દરિયામાં ઊંડે ઊંડે જાય ગરકતા, જાય ગરકતા આપણા હરિભાઈ. તે જોતજોતામાં તો હરિયો મગરમચ્છ, વ્હેઈલ, આઠપૂંછડો ને ઘડીકમાં પાછો પુરાઈ ગયો નાની મજાની એક રૂપકડી છીપલીમાં અને પછી તો છીપલીમાંથી ઝીકણો સરખો અમીબા, તે ઘડીકમા ગોળ બને ને ઘડીક લંબગોળ એમ સેલારા માર્યે જાય દરિયાના તળિયામાં ને કરે ટેસડા.
ને પછી તો એવી મજા પડી કે હરિયો તો અમીબા ન રહ્યો, અને દરિયો સુકાઈ ગયો, હરિયો તો બની ગયો સૂરજનું તેજ અને પૃથ્વીની માટી અને તારલાનું કિરણ અને પવનની પાંખ, અને અવકાશનો આકાર અને વાદળનો ભેજ. વળી પાંચે મહાભૂતનો મેળો સટાક દઈને ચોંટી ગયો એક મોટા ગબ્બારામાં ને હરિયો તો શું હરખાય, શું હરખાય. અને ગબ્બારો જઈને પડ્યો પાતાળમાં એઈને ઓલા કમલની પાંદડિયુંની વચ્ચોવચ્ચ બરોબર, ને હરિયાએ બાડી આંખે જોઈ લીધું કે હવે તો પરમાત્માની પાસે લગભગ પૂગી ગયા. એઈ ને કમળ તો ડોલે છે ધીમું ધીમું ને હરિયાએ તો શુવાસ કરી લીધો અધ્ધર, ને કમળ તો હેઠું ઊતરતું જાય, હેઠું ને હેઠું ઊતરતું જાય, અને જઈને સમાઈ ગયું વિષ્ણુ ભગવાનની ડૂંટીમાં ને ભગવાનની રાણિયું બધી ચમર ઢાળતી છૂ થઈ ગઈ ને વિષ્ણુ ભગવાને તો બેઠા થઈને શેષનાગને કહ્યું હવે જા.
હરિયો તો ભગવાનની આંગળીએ હાલ્યો પરમાત્મા પાસે અને ગરિયાની દોરી ખેંચીને હરિયો ગરિયો હાથમાં લેતો’તો એમ પરમાત્માએ તો ખેંચી દોરી, ને આખું બ્રહ્માંડ, ને તારલા ને ગબ્બાાના ગબ્બારા બધા આવી પડ્યા પરમાત્માની અદૃશ્ય હથેળીમાં. અને બ્રહ્મા-વિષ્ણુ-મહેશ ત્રણે સમાઈ ગયા પરમેશ્ર્વરની અદૃશ્ય જટામાં. પરમેશ્ર્વરે હરિયાને કહ્યું આવ. હરિયાએ હરવેથી હાથ જોડી પૂછ્યું, પરમાત્મા, પરમેશ્ર્વર, આ કાં બધું ઊંધું ચાલ્યું. પરમાત્મા તો એવું હસે, એવું મધુરું હસે કે હરિયાને થયું કે આંય ને આંય જનમ કાઢી નાખું. પરમાત્મા તો ક્યે કે ગગા, ઊંધું ને ચત્તું તો તું માને છે, આ તો મારી લીલા છે અને લીલા તો આમેય ચાલે, ને આમેય ચાલે.
હરિયાએ કહ્યું, પણ દુનિયા પે’લાં ચાલતી’તી એમાં તમને કંઈ ખોટું લાગ્યું?
તો પરમાત્મા ક્યે કે ગાંડા, મારે મન તો આયે એવું ને ઓલુંયે એવું.
તે પછી તો હરિયો પાછો મૂંઝાણો. એણે પૂછ્યું, તે હવે શું કરશો.
પરમાત્મા ક્યે કે બસ, હવે કોઈ નવી બાજી.
એઈ ને બસ, તયુંનો હરિયો તો બેઠો બેઠો વાટ જ જુએ છે. વાટ જ જૂએ છે કે ક્યેં પરમાત્મા નવી બાજી પાડે, ને ક્યેં આ દી બદલાય. જૂની બાજી તો હરિયાને કંઈ કે’તાં કંઈયે નો’તી ગમતી-તમે ક્યો તો ઈ ગરાના સમ ખાઈને કેસે, કે નથ ગમતી, નથ ગમતી તમારા સમ્મ.
અમદાવાદ, ૧૯૭૩
*****
જો હરિ કરે સો હોય
વર્ષોનાં વર્ષો પહેલાં હું કલકત્તાને જુહાર કરીને અમદાવાદ આવેલો, આદિલે એક મસ્જિદમાં સૂવાની અને એક “ઘાંયજાની દુકાને ગુસલ-વુસલની સગવડ કરી આપેલી પણ નસીબજોગે હિંમત કપાસી નામના સાંગીતિક સજજને એમને ત્યાં ઊતરવાનો આગ્રહ કર્યો ને આદિલવાળો વિકલ્પ યાદ આવતાં હું એમને ત્યાં અમુક દિવસ રહ્યો. મારા કલકત્તાના ઘરમાં કોમન બાથરૂમ હતો જેમાં વીસ મિનિટ પાણી આવતું. જ્યારે કપાસીને ત્યાંના આઠદસ નળમાં ચોવીસ કલાક ઠંડું ને ગરમ પાણી ઉપલબ્ધ હતું, કલકત્તામાં અમારી બારી એક ગલીમાં પડતી જેમાં છોકરાઓ સિગારેટ પીવા આવતા. કપાસીની પરસાળમાંથી લાલ માટીવાળો રસ્તો, તેની ઉપર વિચરતા બકરાં, ઊંટ, ગાયો વગેરે તથા પોતાના અલબેલા ગણવેશમાં ભરવાડોને જોઈને હું ન્યાલ થઈ ગયેલો. પરંતુ સૌથી વધુ તૃપ્તિ થતી હતી મારા આત્માની અમદાવાદની ગુજરાતી ભાષાની રંગબેરંગી બોલીઓ સાંભળવાની, અને એમાંથી સન ૧૯૬૮ની આસપાસ આપોઆપ જાણે ‘હરિ’ નામે પાત્રનો જન્મ થયો. ધીમેધીમે તે પાત્રને લઈને વીસ પચીસ વાર્તાઓ લખાઈ, જેમાં હરિયાનો કાન, ઇંટોના સાત રંગ, કઉતુક વગેરે વાર્તાઓ અભ્યાસક્રમમાં આવતી હોવાથી લોકપ્રિય થઈ. હરિની કાઠિયાવાડી બોલી અને તેમાંનો અમદાવાદી ભેગ, હરિની ‘વઉ’, હરિની સરળતા, હરિનો દુવારકાના ધીસ ભગવાન સાથેનો ઘર જેવો સબન્ધ, હરિની મૂંઝવણો ને તેના આપોઆપ જડી આવતા ઉપાયો વગેરે તરફ નાટક, ટીવી, અને સિનેમાવાળાઓનું ધ્યાન ગયું. દરમિયાન કિશોરવયનો હરિયો મોટો થતો ગયો, નોકરીએ ચડ્યો અને છેક ૨૦૨૧માં તેણે પેસમેકર મુકાવ્યું, એટલો પીઢ થયો. નવનીતસમર્પણના દીપોત્સવી અંકમાં પ્રકટ થયેલી મારી વાર્તા પેસમેકર વર્ષની શ્રેષ્ઠ વાર્તા તરીકે પુરસ્કૃત થઈ.
આ લેખમાળામાં હરિની વાર્તાઓ અને તે નિમિત્તે બબ્બે બોલ લખવા ઇરાદો છે. ભગવાન કરે ને આ લેખમાળા પ્રગટ થતાં હરિદાદાની નવી કથાઓ પણ રચાય!
-મધુ રાય

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -