સામાન્ય નાગરિકોમાં ભારતીય વાયુસેનાની સૈન્ય ક્ષમતા વિશે જાગૃતિ લાવવા માટે અને કચ્છ ક્ષેત્રના વિદ્યાર્થીઓ/યુવાનોને તેમની કારકિર્દી તરીકે આઈએએફ પસંદ કરવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી, 20 અને 21 જાન્યુઆરી 2023ના રોજ ભૂજમાં આવેલા એરફોર્સ સ્ટેશન ખાતે “નો યોર એરફોર્સ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના ભાગ રૂપે, આઈએએફના એરક્રાફ્ટ અને અન્ય શસ્ત્રો પ્રણાલીનું સ્થાયી પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અને જગુઆર એરક્રાફ્ટ દ્વારા આકર્ષક એરોબેટિક પ્રદર્શન પણ હાથ ધરવામાં આવ્યું હતું.
ભૂજ એરફોર્સ સ્ટેશનના એર ઓફિસર કમાન્ડિંગ એર કોમોડોર કે. જે. સિંઘે આ કાર્યક્રમમાં આવેલા મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં કચ્છ પ્રદેશના સામાન્ય નાગરિકો અને એરફોર્સ સ્ટેશન ભૂજની આસપાસની વિવિધ શાળાઓ તેમજ કોલેજોના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. એર ઓફિસરે યુવાનોને સશસ્ત્ર દળો અને ખાસ કરીને ભારતીય વાયુસેનામાં જોડાવાની પ્રેરણા આપનારા આ કાર્યક્રમની સમગ્ર ટીમની પ્રશંસા કરી હતી.