ફિલ્મ અભેરાઇ પર ચઢાવી દીધી
બોલીવૂડના જાણીતા નિર્માતા કરણ જોહર પોતાની ફિલ્મોની સાથે સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વિવાદો માટે પણ જાણીતા છે. કરણ જોહર મૂવીઝે થોડા સમય પહેલા મોટા બજેટની એક્શન ફિલ્મ ‘સ્ક્રુ ઢીલા’ બનાવવાની જાહેરાત કરી હતી. ફિલ્મ માટે કાસ્ટથી લઈને કોન્સેપ્ટ સુધી બધું જ તૈયાર હતું, પરંતુ હવે એવા અહેવાલ છે કે નિર્માતાએ ફિલ્મને અભેરાઇ પર ચઢાવી દીધી છે. જોકે, આ અંગે તેણે હજી સુધી સત્તાવાર નિવેદન નથી આપ્યું.
કરણ જોહરની એક્શનથી ભરપૂર ફિલ્મ સ્ક્રૂ ઢીલાને બંધ કરવા પાછળ ટાઈગર શ્રોફનો હાથ હોવાનું માનવામાં આવે છે. એક અહેવાલ મુજબ આ ફિલ્મ માટે ટાઇગરે તગડી ફીની માગણી કરી હતી, જે કરણ જોહર આપવા તૈયાર ન હતો.
કરણ જોહર ટાઈગર શ્રોફ સાથે કામ કરવા માગતો હતો. ટાઇગરને લઇને એ ‘સ્ક્રુ ઢીલા’ ફિલ્મ બનાવવા માગતો હતો. ટાઈગર પણ કરણ જોહર સાથે ફિલ્મ કરવા માટે ઉત્સાહિત હતો, આ જ કારણે બંનેએ પહેલા ફિલ્મની ફી વિશે વાત કરી ન હતી અને ફિલ્મની જાહેરાત કરી હતી. જ્યારે થોડા સમય પહેલા પૈસાની વાત કરવામાં આવી હતી, ત્યારે ટાઇગર શ્રોફે ફિલ્મ માટે 30 કરોડ રૂપિયાની માંગણી કરી હતી.
કરણ જોહરે ટાઈગરની ટીમને સમજાવ્યું કે કોરોના મહામારી અને મંદી પછી કોઈ નિર્માતા આટલું બજેટ પરવડે નહીં, પરંતુ ટાઇગરની ટીમ ફીના મામલે કોઇ બાંધછોડ કરવા તૈયાર નહોતી. આ સ્થિતિમાં કરણ પાસે ફિલ્મને અભેરાઇ પર ચઢાવી દેવા સિવાય કોઇ વિકલ્પ જ નહોતો.