ભારતીય ઉદ્યોગપતિઓની વાત થતી હોય અને એમાં અંબાણી ફેમિલીનું નામ ના આવે તો જ નવાઈ. પણ શું તમે જાણો છો કે આ અંબાણી જ્યાં રહે છે એ એન્ટાલિયા આવેલું છે એ વિસ્તારને બિલિયોનેર્સ રો તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ વિસ્તારમાં અનેક મોટી મોટી હસ્તીઓ અને બોલીવૂડના સેલેબ્સ રહે છે.
મુંબઈનો અલ્ટામાઉન્ટ રોડને ‘બિલિયોનેર્સ’ રો’ તરીકે પણ ઓળખવામાં આવે છે. એન્ટાલિયા લગભગ 4 લાખ ચોરસ ફૂટ ફેલાયેલું છે અને તેનું નિર્માણ 11 હજાર કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. અહીં 600 લોકોનો સ્ટાફ 24 કલાક હાજર રહે છે. જેમાં માળી, ઈલેક્ટ્રીશિયન, સિક્યોરિટી ગાર્ડ, પ્લમ્બર, ડ્રાઈવર અને રસોઈયાથી લઈને નોકરોનો સમાવેશ થાય છે. હવે એક વિચાર એવો પણ આવે કે આટલા મોંઘા ઘરમાં રહેતાં અંબાણી પરિવારના પડોશી કોણ છે? તો તમારા આ સવાલનો જવાબ તમને અહીં મળશે…
મુકેશ અંબાણીના પડોશીઓની વાત કરીએ તો તેમાં મોતીલાલ ઓસવાલ ટ્રસ્ટના સંચાલક ઓસવાલ પરિવારનો સમાવેશ થાય છે. 2020માં ઓસવાલે ’33 સાઉથ’ બિલ્ડિંગના 13 અને 17મા માળે ડુપ્લેક્સ મકાનો ખરીદ્યા હતા. ઓસવાલ પરિવારે આ મકાન માટે ચોરસ ફૂટ દીઠ 1.48 લાખ રૂપિયા ચૂકવ્યા હતા.
એટલું જ નહીં પણ યસ બેંકના સંસ્થાપક રાણા કપૂરનું ઘર પણ અલ્ટામાઉન્ટ રોડ પર જ આવેલું છે. 2013માં કપૂરે 128 કરોડ રૂપિયામાં અહીં રહેણાંક કોમ્પ્લેક્સ ખરીદ્યું હતું. આ સંકુલમાં કુલ 6 એપાર્ટમેન્ટ છે અને તેની કુલ કિંમત 150 કરોડથી વધુ હોવાનું કહેવાય છે.
ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનનો પરિવાર પણ આ જ વિસ્તારમાં વર્ષથી રહેતો હતો. થોડા વર્ષો પહેલા ચંદ્રશેખરને અહીંના એક ટાવરમાં 11મા અને 12મા માળે ડુપ્લેક્સ ખરીદ્યા હતા, જેની કિંમત 98 કરોડ રૂપિયા હતી.
જિંદાલ ગ્રુપની કંપની JSW એનર્જીના સીઈઓ પ્રશાંત જૈને પણ ગયા વર્ષે અલ્ટામાઉન્ટ રોડ પર 45 કરોડ રૂપિયામાં ડુપ્લેક્સ ખરીદ્યો હતો. આ સિવાય ડ્રીમ-11ના સહ સ્થાપક હર્ષ જૈનના પત્ની રચના જૈને અલ્ટામાઉન્ટ રોડ પર 72 કરોડ રૂપિયામાં ડુપ્લેક્સ ખરીદ્યો છે.