જેમ હાથની પાંચ આંગળીઓ એક સરખી હોતી નથી, એ જ રીતે કોઈ પણ બે વ્યક્તિ એક સરખી હોતી નથી. દરેક વ્યક્તિનું વ્યક્તિત્વ અલગ અલગ હોય છે, પછી એ કોઈને ગમે કે ના ગમે, આ જ હકીકત છે. તમને શું લાગે છે? તમે કેવો અનુભવ કરો છો, એ બધી બાબતો તમારા માનસિક સ્વાસ્થ્ય તરફ ઈશારો કરે છે. જોકે, કોઈ વ્યક્તિને માત્ર જોઈને તેના વ્યક્તિત્વનો અંદાજો લગાવવાનું અઘરું છે, પણ જો તમે કોઈ વ્યક્તિના પ્રિય રંગથી માહિતગાર છો તો તેની મદદથી પણ તમે તેના સ્વભાવ અને વ્યક્તિત્વને સમજી શકો છો. આવું અમે નથી કહી રહ્યા પણ હાલમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં આ વાત સામે આવી છે. આવો જાણીએ આ વિશે વિગતવાર…
બ્લેકઃ જે લોકોનો પ્રિય રંગ કાળો હોય છે, તેઓ અન્ય લોકો પાસેથી સન્માન મેળવવા ઈચ્છે છે, તેમને શક્તિ અને પ્રભાવ ગમે છે. આવા લોકો નિર્ભય, મજબૂત અને સ્વતંત્ર હોય છે. તેમનું વ્યક્તિત્વ નેતૃત્વનું છે. તેમને સફળતાં હાંસિલ કરવાનું ખૂબ જ ગમે છે અને હંમેશા તેઓ હંમેશા જ તેમની તાકાત વધારવાનો પ્રયાસ કરે છે, પણ તેઓ દરેકની નજીક નથી રહેતાં.
ગ્રીનઃ
ગ્રીન કલર પસંદ કરનારા લોકો પ્રકૃતિની ખૂબ જ નજીક હોય છે. આવા લોકો ખૂબ જ ડાઉન ટુ અર્થ હોય છે અને દરેક પરિસ્થિતિમાં પોતાના સ્વભાવને બરાબર જાળવી રાખે છે. લીલો રંગ આંખોને ઠંડકનો અહેસાસ આપે છે, તેવી જ રીતે જેમને લીલો રંગ ગમે છે તેમનો સ્વભાવ પણ એવો જ ઠંડો હોય છે. આ લોકો તેમના નજીકના લોકોમાં ઘણું મહત્વ ધરાવે છે. જે લોકો લીલો રંગ પસંદ કરે છે તે લોકો ખૂબ જ શાંતિપ્રિય હોય છે. ઝઘડાથી દૂર રહેવાનું પસંદ કરે છે.
સ્કાય બ્લ્યુઃ
જે લોકોને વાદળી કે સ્કાય બ્લ્યુ કલર ગમે છે તેઓ ખૂબ જ શાંત સ્વભાવના હોય છે. આ કલરને પસંદ કરનારાઓનું વ્યક્તિતત્વ વિશ્વસનીય અને વફાદાર હોય છે. આવા લોકોને મિત્રો અને પરિવાર સાથે રહેવાનું ખૂબ જ ગમે છે. એટલું જ નહીં આવા લોકો આત્મનિર્ભર રહેવાનું વધારે પસંદ કરે છે અને કોઈની મદદ લેવાનું તેમને જરાય ગમતું નથી.
રેડઃ
જે લોકોને લાલ રંગ પસંદ હોય છે એ લોકોની પર્સનાલિટી એકદમ બોલ્ડ, હિંમતવાન અને આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે. તેઓ તેમની અસર કે છાપ અન્ય લોકો પર છોડવા માંગે છે. કોઈપણ કામ પૂરા ઉત્સાહથી કરનારા આ લોકો કોઈ પણ પ્રકારના સંકોચ વગર પોતાની વાત અને લાગણી બીજાની સામે મૂકે છે.
વ્હાઈટઃ
સફેદ કલરને હંમેશાથી જ શાંતિનું પ્રતીક ગણવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં જે લોકોને આ સફેદ રંગ પસંદ હોય છે, તેઓ પણ ખૂબ જ શાંત સ્વભાવના હોય છે. આવા લોકો સંગઠિત હોય છે અને તેમની નિર્ણય લેવાની ક્ષમતા મજબૂત હોય છે. તેમને સમાજમાં ઘણું સન્માન મળે છે.
યેલોઃ
જે લોકોને પીળો રંગ ગમે છે તેઓ ખૂબ જ સકારાત્મક અને આશાવાદી વિચારસરણી ધરાવતા હોય છે. આ લોકો હંમેશા જ ખુશખુશાલ રહે છે અને લોકોને પણ એ ખુશી આપે છે. પોતાના અનુભવ અને જ્ઞાનને હંમેશા અન્યો સાથે શેર કરવાનું પસંદ કરે છે