ના ના તેમણે આ અત્યંત પથરાળ રસ્તે ચાલવાનું શરૂ કર્યું ત્યારે કે આજે પણ તેમની મંઝિલ ક્યારેય પદ્મ શ્રી અથવા તો કોઈ સન્માન કે પ્રસંશા નથી રહ્યા, પરંતુ તેમના નામ પ્રમાણે તેમણે એવું હીર બતાવ્યું છે કે છેક દિલ્હીના દરબાર સુધી તેમનો પ્રકાશ ફેલાયો અને તેમને પદ્મ શ્રી જાહેર કરવામાં આવ્યો. હીરબાઈનું જે કાર્યક્ષેત્ર ચે તે સૌરાષ્ટ્રનો સાસણ ગીર પંથક આમ પણ અહીંના એશિયાટિક સિંહોની ગર્જના માટે જાણીતો છે ત્યારે આવો આ આદિવાસી મહિલાએ સેવારૂપી ગર્જના કરીને જંગલમાં મંગલ કઈ રીતે ફેલાવ્યું છે તે જાણીએ.
જુનાગઢ જિલ્લાથી તાલાલા આશરે 50 કિલોમીટર દુર છે અને જાંબુર ત્યાંથી આશરે 10 કિમી દુર છે.
જાંબુર ગામ જે આખું સિદ્દી સમાજનું ગામ છે. આ સિદીદઓના અહીં આવવા પાછળની ઘણી કથાઓ પ્રચલિત છે. જૂનાગઢના નવાબ દ્વારા આફ્રિકાથી મજૂરી કામ માટે સિદ્દી આદિવાસીઓને બોલાવવામાં આવ્યા હતા. અહીં આવ્યા બાદ જાંબુર ગામને જ પોતાની કર્મ અને માતૃભૂમિ બનાવીને અહીં દૂધમાં સાકર જેમ ભળે તેમ ભળીને તાલાલાના જાંબુર ગામમાં વસવાટ કરી રહ્યા છે. સિદ્દી સમાજ આમ તો ગીર સાસણના જંગલ માં રહેતો હતો અને આદિવાસી જીવન ગુજારતો હતો. આશરે સવાસો વર્ષ પહેલા સિદ્દી સમાજને જંગલ માંથી બહાર કાઢી અહી રહેવા જગ્યા આપવામાં આવી, પરંતુ જંગલમાં રહેવાના આદિ સમાજની જીવશેલીમાં ખાસ કઈ પરિવર્તન આવ્યું નહીં. આ પરિવર્તન લાવવાની હૈયે હામ લઈ એક અભણ મદિલા નીકળી પડી. એ મહિલા એટલે હીરબાઈ.
હીરબાઈ લોબી સિદ્દી જાતિના અભણ અને ગરીબ ઘરમાં જન્મેલા. બાળપણ ઘણી તકલીફો વચ્ચે વિત્યું. ચાર વર્ષની ઉંમરે માતાનું મૃત્યુ થયું અને ચૌદ વરસની વયે પિતાજીની છત્રછાયા ગુમાવી.દાદી પાસે રહીને ઊછર્યા. તેમની સિદ્દી જાતિમાં પુરુષો પણ ભણે નહીં ,ગરીબી, બેરોજગારી અને આલ્કોહોલનું સેવન સામાન્ય બાબત ગણાય. એવામાં હીરબાઈના લગ્ન થયા પણ પરિસ્થિતિમાં કશો જ ફરક ન પડ્યો. હીરબાઈને પિતા તરફથી વારસામાં અડધો એકર જમીન મળી હતી પરંતુ, ગામમાં બીજાની જેમ તેમને માથે પણ એક લાખ રુપિયાનું દેવુ હતું. પરંતુ, હીરબાઈમાં નામ પ્રમાણે હીર હતું. અભણ હોવા છતાં તેમનામાં દૂરંદેશી બુધ્ધિ હતી એટલે સખત મહેનત કરી ખેતી કરી દેવું વાળ્યું. અને પોતાની જાતને સધ્ધર બનાવી. એટલેથી જ આ હીરબાઈ અટકી નહીં તેમણે સમાજની અનેક બહેનો અને છોકરાઓને સધ્ધર બનાવવાનું બીડું ઝડપ્યું. દાદીની પરોપકારી બનવાની સલાહ ગાંઠે બાંધી અને તેમણે સમાજસેવામાં ઝૂકાવ્યું.
કોઈ પણ વિસ્તાર કે સમાજને ઊપર લાવા માટે ત્યાં શિક્ષણ અને રોજગારી ઉભી કરવી જરૂરી છે. જાંબુરગામમાં પહેલાં શાળા નહોતી. હીરબાઈની દૂરંદેશી બુધ્ધિથી આજે ગામમાં આંગણવાડી,શાળા અને કોલેજ પણ છે. બીજું કોઇ કામ કરે તેની રાહ જોવામાં હીરબાઈ માનતા નથી. તેમના આદિવાસી મહિલા સંગઠન સાથે આજે 900 જેટલી બહેનો સંકળાયેલી છે. ગીર પંથકની કેસર કેરી જગવિખ્યાત છે. કેરી તો એક્સપોર્ટ થાય જ પણ તેનો રસ પણ ડબ્બા પેક કરવાનું કામ કાજ શરુ કરાવ્યું. ઓર્ગેનિક ખાતર બનાવવાનું કામ તો મોટાપાયે બહેનો કરે છે. તેમના ખાતરની ક્વોલિટી એવી કે તેની માગ વધતી જ જાય છે. બિયારણ મોંઘુ મળે તો સસ્તા ભાવે સારું બિયારણ લોકોને મળે તેનું કામ પણ શરુ કરાવ્યું. પશુપાલન,ડેરી ઊદ્યોગ આમ ગામમાં રહીને થઈ શકે એવા અનેક રોજગાર તેમણે બહેનો માટે શરુ કરાવ્યા. ફક્ત જાંબુર ગામ જ નહીં આસપાસના 19 ગામની બહેનો માટે હીરબાઈ કામ કરી રહ્યા છે. કોઈ કંપનીના સીઈઓ ન કરી શકે તેવા માઈક્રો મેનેજમેન્ટ સાથે પોતાના સ્થળ અને પરિસ્થિતિઓને અનુરૂપ રોજગારી તેમણે ઊભી કરી અને લોકોને પગભર કર્યા. વળી, સૌથી સરસ વાત એ કે એકવાર કોઈ મહિલા પગભર થઈ જાય અને તે સ્વતંત્રપણે કંઈક કરવા માગે તો હીરબાઈ ક્યારેય કોઈ માલિકીભાવ રાખતા નથી અને તેમને મુક્તપણે પોતાનું કામ આગળ વધારવા દે છે.
અમિતાભ બચ્ચન અને મુકેશ અંબાણી સહિતના ઘણા સેલિબ્રિટીએ તેમના કામની સરાહના કરી છે, અને હવે કેન્દ્ર સરકારે તેમને પદ્મ શ્રી એનાયત કર્યો છે. હીરબાઈનું હીર આમ જ ચમકતું રહે તેવી શુભેચ્છા.