પોલિટિકલ સ્ટ્રેટેજીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જોટો જડવો તો મુશ્કેલ જ છે, પણ તેની સાથે સાથે ટેક્નોલોજીની બાબતમાં પણ તેમનો જોટો જડવો મુશ્કેલ છે. ગુજરાતની ચૂંટણીમાં પોતાનો ડંગો વગાડનાર બીજેપીની જિતમાં લેટેસ્ટ
ટેક્નોલોજી અને સોશિયલ મીડિયાનો મહત્ત્વનો ફાળો રહ્યો છે તેમાં કોઈ જ બેમત નથી. એક તરફ બીજેપીએ ગ્રાઉન્ડ લેવલ પર મહેનત કરી તો એને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાનું કામ પણ કર્યું.
મોદીએ બે દાયકા કરતાં વધુ સમય પહેલાંથી ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો શરુ કરી દીધું હતું અને તેમણે પોતાના કાર્યકર્તાઓને પણ આ માટે પ્રોત્સાહન આપ્યું હતું. 1995થી મોદીએ ટેક્નોલોજીનો બખુબી ઉપયોગ શરુ કરી દીધો હતો. એ સમયે તેમણે ડીઓએસ પર આધારિત એક સોફ્ટવેયર તૈયાર કરાવડાવ્યું હતું જેમાં ગુજરાતના વિવિધ વિસ્તારના કાર્યકર્તાઓની તમામ માહિત સ્ટોર થઈ જતી હતી. કાર્યકર્તાના ડેટા અને ક્ષમતાના આધારે કારભાર સોંપવામાં આવતો હતો.
2002માં તેમણે એક ઓડિયો ટેપના માધ્યમથી જનતા પાસે વોટ માગ્યા હતા. 2010થી જ તેઓ પોતાના કાર્યકર્તાઓને કહેતા કે આવનારો સમય ઈન્ટરનેટ યુગ હશે એટલે તમામ સોશિયલ મીડિયા પર પોતાના એકાઉન્ટ હોવા જરુરી છે. એટલું જ નહીં તેમણે પોતાના કાર્યકર્તાઓના એકાઉન્ટ ખોલવામાં સહાયતા મળે એ માટે એક હેલ્પ ડેસ્કની વ્યવસ્થા પણ કરી હતી. 2012માં તો મોદી એટલા બધા ટેક્નોસેવી થઈ ગયા કે તેમણે થ્રીડી રેલીઓ કરવાની શરુ કરી દીધી હતી.
એ જ વર્ષે યોજાયેલી એક બેઠકમાં સભાને સંબોધતા મોદીએ કહ્યું હતું કે તમારામાંથી ઘણા લોકો ઈચ્છે છે કે તમારા નામ, કામ અને ફોટા અખબારમાં છપાય, પણ 10માંથી 2 જ જણ અખબારમાં પોતાની જગ્યા બનાવી શકે છે. બાકીના આઠ લોકો માટે સોશિયલ મીડિયા જિંદાબાદ. સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સાથે જોડાઓ અને તેમને પોતાના કામથી માહિતગાર કરો. શક્ય હોય એટલો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો.