ગુજરાતના એક શખ્સે કાશ્મીરમાં પોતાને વડાપ્રધાન કાર્યાલય(PMO)નો વરિષ્ઠ અધિકારી ગણાવીને IAS અધિકારીઓ અને સેનાના અધિકારીઓને છેતર્યા હતા. જેને કારણે જમ્મુ અને કાશ્મીર પ્રશાસન અને સેનાના અધિકારીઓ શરમજનક સ્થિતિમાં મુકાયા છે. કિરણ પટેલ નામના શખ્સે નકલી PMO અધિકારી બનીને ઝેડ-પ્લસ સિક્યોરિટી, બુલેટપ્રૂફ મહિન્દ્રા સ્કોર્પિયો, ફાઇવ-સ્ટાર હોટલમાં રહેઠાણ આ બધી સુવિધાઓ ભોગવી હતી. તેણે વર્ષની શરૂઆતમાં શ્રીનગરની તેમની બે મુલાકાત દરમિયાન IAS અધિકારીઓ સાથે બેઠકો પણ કરી હતી. વર્ષ 2014 પહેલા નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે આ ઠગનું CMOમાં પણ આવનજાવન રહેતું એવું સુત્રો જણાવી રહ્યા છે.
પોતાને વડાપ્રધાન કાર્યાલયમાં એડિશનલ ડાયરેક્ટર તરીકે ઓળખાવતા કિરણ પટેલની આશરે 10 દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ પોલીસે તેમની ધરપકડની માહિતી ગુપ્ત રાખી હતી. ગુરુવારે મેજિસ્ટ્રેટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા બાદ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. હજુ એ સ્પષ્ટ નથી કે તેની ધરપકડના દિવસે એફઆઈઆર નોંધવામાં આવી હતી કે નોંધવામાં થોડો વિલંબ થયો હતો.
આ ઠગ ચાર મહિનાથી કાશ્મીરની મુલાકાત લઇ રહ્યો હતો. તેના ટ્વિટર અકાઉન્ટ Dr. Kiran J Patel (@bansijpatel) પર તેણે કાશ્મીર મુલાકાતના અનેક વિડીયો અને ફોટો શેર કર્યા છે. તેણે પોસ્ટ કરેલા વિડીયોના બેકગ્રાઉન્ડમાં દેશ ભક્તિના ગીતો સંભાળવા મળે છે. આ ઉપરાંત ગુજરાતી સાહિત્યકારો સાથે પણ તેમના ફોટો જોવા મળે છે. ભાજપના ટોચના નેતાઓ તેણે ટ્વિટર પર ફોલો કરે છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારથી કિરણ પટેલની હાજરી CMOની બેક ઓફિસમાં જોવા મળતી હતી. હિતેશ પંડ્યા નામના એક અધિકારીના માણસ તરીકે તેમને ઓળખવામાં આવતો હતો. હિતેશ પંડ્યાએ કિરણ પટેલને ઓળખતા જ નથી એવું જણાવ્યું છે.
ફેબ્રુઆરીમાં કાશ્મીરની પહેલી મુલાકાતે આવ્યો ત્યારે તેણે હેલ્થ રિસોર્ટની મુલાકાત લીધી હતી. અર્ધલશ્કરી દળ અને પોલીસ સુરક્ષા સાથે વિવિધ સ્થળોની તેની મુલાકાતના ઘણા વીડિયો છે. તે અર્ધલશ્કરી દળના જવાનો સાથે બડગામના દૂધપથરી ખાતે બરફમાંથી પસાર થતો જોવા મળે છે.
This man is Kiran Patel. He fooled J&K Govt claiming to be a senior officer of Prime Minister’s Office. J&K CID gave input to Srinagar Police. SP East Sgr raided Lalit Hotel to arrest him. He was given security cover on request of a Kashmir DC. Shocking.pic.twitter.com/IC0Xs3ezb3
— Aditya Raj Kaul (@AdityaRajKaul) March 16, 2023
“>
એક ફોટોમાં તે શ્રીનગરના લાલ ચોકના ક્લોક ટાવર પાસે આર્મીના જવાનો સાથે પણ જોવા મળે છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે કિરણ પટેલે ગુજરાતમાંથી વધુ પ્રવાસીઓ લાવવા અને દૂધપથરીને મુખ્ય પ્રવાસન સ્થળ બનાવવા અંગે ચર્ચા કરવા સ્થાનિક અધિકારીઓ સાથે બેઠકો પણ કરી હતી.
કિરણ પટેલ બે અઠવાડિયામાં શ્રીનગરની બીજી મુલાકાતે આવ્યા બાદ શંકાના ઘેરામાં આવ્યો હતો. ઈન્ટેલિજન્સ એજન્સીઓએ પોલીસને પીએમઓ અધિકારી ઓળખાણથી ફરતા એક ઢોંગી વિશે ચેતવણી આપી હતી. તેની પૃષ્ઠભૂમિની ચકાસણી કર્યા પછી, પોલીસને શ્રીનગરની એક હોટલમાંથી વ્યક્તિની ધરપકડ કરવાનું કહેવામાં આવ્યું હતું.
સૂત્રોનું કહેવું છે કે બે પોલીસ અધિકારીઓ સામે ફરજ પર ચૂક અને સમયસર ઢોંગીને પકડવામાં નિષ્ફળતા બદલ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગુજરાત પોલીસની ટીમ પણ તપાસમાં જોડાઈ છે.
નોંધનીય છે કે, કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો ધરાવતું હોવાને કારણે તેનો બધો વહીવટ ઉપ-રાજ્યપાલ મારફતે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે.