ડિજિટલ ટેકનોલોજીની આ ક્યૂઆર કોડની દેનને હવે લોકો બહુ ઝડપથી સ્વીકારી રહ્યા છે ત્યારે એની ખૂબીઓ સમજી લઈએ ને સાથોસાથ સાઈબર અપરાધીઓ એના દ્વારા જે પ્રકારે લૂંટ ચલાવે છે એનાથી પણ સાબદા રહીએ
ક્લોઝ અપ -ભરત ઘેલાણી
હમણાં કેદારનાથ ધામના કપાટ ખૂલ્યા ત્યારે કોઈએ આવું ક્યૂઆર કોડવાળુ બોર્ડ ગોઠવી દીધું…!
બ્રેકિંગ ન્યૂઝ એ છે કે તાજેતરમાં એક સાયબર ઠગે ખુદ ભગવાનને લૂંટવાનો પેંતરો કર્યો!
ઘટના કંઈક આમ છે.થોડા દિવસો પહેલાં જ ચારધામ યાત્રાનો પ્રારંભ થયો ત્યારે લાખો ભક્તો ઊમટ્યાં કેદારનાથના કપાટ ખોલવાના દિવસે મંદિરના દ્વાર પર કોઈએ ક્યૂઆર કોડ લગાવીને દાન કરવા માટેનું બોર્ડ પણ ગોઠવી દઈને એવી સૂચના લખી કે ‘જે શ્રદ્ધાળુ દાન આપવા ઈચ્છતા હોય એ આ ક્યૂઆર કોડ સ્કેન કરીને ઈશ્ર્વરને સીધું ઓનલાઈન દાન આપી શકે!’
બીજી બાજુ, બદરીનાથ- કેદારનાથ મંદિરના સંચાલકો કહે છે કે આવું કોઈ બોર્ડ અમે મૂક્યું જ નથી! મંદિર સંકુલમાં આવાં ઓનલાઈન દાન માટેનાં પાંચથી વધુ બોર્ડ છે એ બધાને ખસેડીને પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે…
માત્ર ભારતમાંજ નહીં ,જગતભરમાં આવાં ક્યૂઆર કોડના સાયબર અપરાધ વધી રહ્યાં છે. જેટલા કાયદા એથી વધુ ‘છટકબારી’ આવી એક ઉક્તિ આપણે ત્યાં જાણીતી છે. કાયદા જેવું જ વિજ્ઞાનનું છે. કશી નવી શોધ થાય- ઉપયોગી નીવડે એવું કશું નવું શોધાય ને અમલમાં મુકાય એની સાથે જ એના ગેરકાનૂની ઉપયોગ શરુ. આનું શ્રેષ્ઠ દૃષ્ટાંત છે ડિજિટલ ટેકનોલોજી. જે ઝડપે એની નવી નવી ટેકનિક ઉપયોગમાં આવી રહી છે એની સરખામણીએ એનો દૂરુપયોગ પણ એથી બમણી ગતિએ થઈ રહ્યો છે. ખાસ કરીને ઓનલાઈન આર્થિક આપ-લે વધી જતાં સાયબર ફ્રોડમાં ન ધારેલો ઉછાળો આવ્યો છે.
વાત જરા વિગતે જાણીએ તો ડિજિટલ ટેકનોલોજીનો એક બહુ જાણીતો ઉપયોગ છે ચછ -QR -CODE. કમ્પ્યુટર દ્વારા
સંઘરેલી માહિતી- ડાટાને ‘વાંચવા’ માટે સમાંતરે જે ઊંચી-નીચી રેખાનું આયોજન કરવામાં આવે એને આપણે ‘બારકોડ’ તરીકે ઓળખીએ છીએ. આવા બારકોડમાં પુષ્કળ માહિતી સંઘરી શકવાની ક્ષમતા છે. એ બધી માહિતી આપણે સેલ ફોન કે કમ્પ્યુટર દ્વારા સરળતાથી વાંચી શકીએ છીએ એટલે આ સામૂહિક માહિતીવાળા બારકોડ Quick
Response અર્થાત ચછ ઈઘઉઊ તરીકે ઓળખાય છે. ડિજિટલ દુનિયામાં આવા ક્યૂ આર કોડનો આજે વ્યાપક ઉપયોગ થાય છે. એક અંદાજ મુજબ, આજે અમેરિકામાં ૨૮ લાખથી વધુ અને આપણે ત્યાં આશરે ૧૧ લાખથી વધુ લોકો ક્યૂઆર કોડનો ઉપયોગ કરે છે… બીજા શબ્દોમાં કહીએ તો વર્ષ -૨૦૨૧ની સરખમણીમાં આ કોડના ઉપયોગમાં ૪૩૩% નો અધધધ વધારો ૨૦૨૨માં નોંધાયો છે…!
આપણે ત્યાં નોટબંધી પછી ઓનલાઈન આર્થિક લેતી-દેતી વધી એ સાથે ક્યૂઆર કોડનો ઉપયોગ વધવા લાગ્યો. નાની એવી કરિયાણાની દુકાનથી લઈને વિશાળ મોલની દરેક શોપના કેશ કાઉન્ટર પર ક્યૂઆર કોડના પ્રતીક નજરે ચઢવા લાગ્યા. તમારો સ્માર્ટ ફોન એના તરફ ક્લિક કરો-સ્કેન કરો એટલે તમારા બૅન્ક અકાઉન્ટમાંથી જરૂરી પેમેન્ટ શોપકીપરને પહોંચી જાય… આ કયૂઆર કોડની પ્રકિયા જેટલી ઝડપી છે એટલી જ સરળ છે. બાળકો સુધ્ધાં વાપરી શકે. આપણે ભલે આ ક્યૂઆર કોડની દુનિયામાં નવા છીએ, પણ એનો ઉપયોગ આટલી ઝડપે આવો વ્યાપક થશે એની કલ્પના ખુદ એના જાપાની શોધક માશાહીરો હારાને પણ નહોતી. વ્યવસાયે ઈજનેર એવા માશાહીરોએ ૧૯૯૪માં આ કોડની પરિકલ્પના કરીને વિકસાવ્યો હતો. આજે ૬૬ વર્ષીય આ ઈજનેર કહે છે: આ કોડ મેં માત્ર ઉત્પાદનની માહિતી આપવા પૂરતો બનાવ્યો હતો, પણ એનો આવો જબરો ઉપયોગ આજે લગભગ બધા જ ફિલ્ડમાં થશે અને એમાંય નાણાંકીય લેતી-દેતીમાં થશે એ તો ખુદ મારા માટે મોટું આશ્ર્ચર્ય છે.’
આવા એક ‘ક્વિક રિસ્પોન્સ કોડ’માં આશરે સાત હજાર અક્ષરની માહિતી સમાવી શકાય. એ જ રીતે, એમાં ચિત્ર-આકૃતિ પણ ઉમેરી શકાય. આ કોડ દ્વારા ચોક્ક્સ વેબ સાઈટની લીંક પર પહોંચી શકાય, જ્યાં તમને વિસ્તૃત માહિતી મળી શકે. આજે તમે નામ આપો એ ક્ષેત્રમાં ક્યૂઆર કોડ પ્રવેશી ચૂક્યું છે. કરિયાણાની દુકાનથી લઈને મોલ, એરપોર્ટ, રેલવે સ્ટેશન, હોટલ -રેસ્ટોરાંનાં મેન્યુ કાર્ડ, બૅન્ક, હૉસ્પિટલ, થિયેટર-ઈકોમર્સનાં અનેક ઉત્પાદનોની જાણકારી- જાહેરાત સુધ્ધાંમાં ય આ કોડ સર્વવ્યાપી ઈશ્ર્વરની જેમ મોજૂદ છે. અરે, મેડિકલ ફિલ્ડમાં તો એણે કમાલ કરી છે. ડૉકટર-દર્દી માટે એ જબરો ઉપકારક બની રહ્યો છે. દરદીએ પોતાનાં ઍકસ-રે અને મેડિકલ રિપોર્ટસની ફાઈલ્સ પોતાની સાથે ફેરવવાની જરૂર નથી. એની કયૂઆર કોડ ઈમેજ કાફી છે તમારો પ્રોફાઈલ પણ તમે આવા કોડમાં પલટાવીને જોબ માટે મેલ કરી શકો. આ રીતે જ લગ્નોત્સુક મુરતિયા-ક્ધયા પણ એમની વિગત મેટ્રિમોનિયલ સાઈટ પર મૂકી શકે..!
જો કે આ કયૂઆર કોડની સરળતા એનો વધુમાં વધુ ઉપયોગ કરવા માટે કોઈને પણ લલચાવી શકે છે. પરિણામે એ સાયબર ક્રાઈમનો શિકાર પણ બની શકે… આપણને ડિજિટલ ટેકનોલોજીના જાણકારો અને સાઈબર ક્રાઈમના નિષ્ણાતો વારંવાર ચેતવતા રહે છે કે અજાણ્યા ઈ-મેલ પર આવેલી લિન્ક જિજ્ઞાસા ખાતર પણ ખોલવી નહીં. એ લિન્ક તમારી ઘણી બધી ડિજિટલ માહિતી કોઈ સાઈબર બદમાશને હાથોહાથ પહોંચાડી દેશે,જેના આધારે પેલો તમારા બૅન્કખાતામાં ખાતર પાડીને લૂંટી શકે. આવું જ ક્યૂઆર કોડનું છે. એક ક્લિક કરો,જે તમને ફ્રોડ લિન્ક તરફ ફંટાવી શકે- દોરી શકે ,જ્યાં પેલો ‘મિસ્ટર ઠગ ’ તમારાં કપડાં ઉતારી લેવા તત્પર ઊભો જ હોય…
આમ તો ડિજટલ ક્ષેત્રે સહુથી વધુ ઝડપી વિકાસ કરનારું હૈદરાબાદ દેશનું પ્રથમ ‘સાયબર સિટી’ ગણાય છે,પરંતુ સાયબર ક્રાઈમ -ફ્રોડ માટે પણ એ એટલું જ વગોવાઈ ગયું છે. ક્યૂઆર કોડના વધતા જતા ઉપયોગને લીધે ત્યાં હવે એને લગતા અપરાધ ઝડપભેર વધી રહ્યા છે. આવા સાયબર બદમાશોની મોડસ ઑપરેન્ડી એક જ સરખી હોય છે. તમે ઓનલાઈન કોઈ ચીજ-વસ્તુ વેંચવાની જાહેર કરો એટલે ગ્રાહક તરીકે અપરાધી પ્રગટે. ભાવતાલ કરે પછી પછી ઓનલાઈન રકમ ચૂકવવાની તૈયારી બતાવે અને એક ક્યૂઆર કોડની ઈમેજ તમને મોકલીને કહે : આને ક્લિક કરો એટલે તમારા ખાતામાં રકમ જ્મા થઈ જશે તમે એ ક્લિક કરો ને તમારું કામ તમામ થઈ જાય..એ એક ક્લિક સાથે તમારા બૅન્ક ખાતામાંથી તગડી રકમ તણાય જાય!
-તો પછી ક્યૂઆર કોડના ફ્રોડથી કઈ રીતે બચવું…?
વેલ, સાયબર ક્રાઈમ સેલના નિષ્ણાતોની આ ત્રણ વાત ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે, જેમકે ક્યૂઆર કોડથી તમે માત્ર પેમેન્ટ કરી શકો. એના દ્વારા ક્યારેય રકમ મેળવી ન શકો એટલે તમને કોઈ કહે કે ‘આ કોડ સ્કેન કરો તો તમને તમારી રકમ મળી જશે’ એ વાત સાવ હંબગ છે-એમ કરવા જશો તો અચૂક છેતરાશો તમે આ કોડ સ્કેન કરો ત્યારે તમારી બધી જ ડ઼િજિટલ માહિતી સામેવાળાને ત્યાં પહોંચી જશે, જેનો એ ભવિષ્યમાં દૂરુપયોગપણ કરી શકે માટે શંકા પડે એવા અજાણ્યા કોડથી દૂર રહો ક્યૂઆર કોડ તમને એક વેબસાઈટ તરફ દોરી જાય ત્યારે ખાસ જો જો-ચેક કરજો કે એ તમારી જોઈતી જ વેબસાઈટ છેને… કોઈ ભળતી -ફ્રોડ સાઈટ તો નથીને?
આમ કોઈ પણ નવી ટેકનોલોજીની ખૂબીઓની સાથે એની કેટલીક ખામીઓ પણ સંકળાયેલી હોય છે, જેનો ગેરફાયદો અપરાધીઓ હંમેશાં લેતા રહે છે, પણ એના ડરથી આપણે નવી ટેકનોલોજીનો લાભ લેવાનું જતું ન કરી શકીએ. માત્ર એના જોખમને ધ્યાનમાં રાખીને પણ એની વિકાસશીલ વિશેષતાને વધાવી લેવી જોઈએ. (સંપૂર્ણ)