મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે . અહીં એક પતિએ પત્નીની હત્યા કરી નાખી હતી. પત્નીની હત્યા કર્યા બાદ આરોપી પતિ કોઈ પણ ખચકાટ વગર તેની ઓફિસે ગયો હતો અને ત્યાં આખો દિવસ કામ કર્યું હતું અને પછી સાંજે ત્યાંથી પરત આવ્યા પછી તેણે પોલીસ સ્ટેશન જઈને પોતાનો ગુનો કબૂલી લીધો હતો અને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની પૂછપરછ શરૂ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીને પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી. આ શંકાને કારણે જ તેણે પત્નીની હત્યા કરી હતી મળતી માહિતી મુજબ, 26 વર્ષીય પ્રભુ વિશ્વકર્માના લગ્ન સાત વર્ષ પહેલા 25 વર્ષની અનિતા સાથે થયા હતા. બંને નાલાસોપારામાં રહેતા હતા. પ્રભુને તેની પત્નીના ચારિત્ર્ય પર ઘણા સમયથી શંકા હતી. તેને લાગ્યું કે તેની પત્ની અનિતાના અન્ય પુરુષ સાથે ગેરકાયદેસર સંબંધ છે. આ બાબતે બંને વચ્ચે ઘણી વખત ઝઘડો પણ થયો હતો. સોમવારે પણ આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.
ધીરે ધીરે મામલો ઝઘડા સુધી પહોંચ્યો હતો. જે બાદ ગુસ્સામાં પ્રભુએ અનીતાનો ચહેરો ઓશીકા વડે દાબી દીધો હતો અને પછી તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. આ પછી આરોપી નોકરી માટે ઓફિસે પણ ગયો હતો. તેણે આખો દિવસ ઓફિસમાં કામ કર્યું હતું. પછી સાંજે ઘરે પરત ફરતી વખતે તે સીધો પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો અને આત્મસમર્પણ કર્યું હતું. પોલીસે મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે પ્રભુની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું હતું