એસ. એસ. રાજામૌલીની બ્લોકબસ્ટર ફિલ્મ ‘બાહુબલી’માં ભલ્લાલદેવની ભૂમિકા ભજવનાર એક્ટર રાણા દગ્ગુબાત્તી હાલમાં પોતાની વેબ સિરીઝને કારણે ચર્ચામાં છે. તેની પહેલી વેબ સિરીઝ ‘રાણા નાયડુ’ તાજેતરમાં નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. આ સિરીઝના પ્રમોશન માટે આપેલા એક ઈન્ટરવ્યુમાં રાણાએ પોતાના સ્વાસ્થ્ય વિશે ખુલાસો કર્યો હતો. તેમણે કોર્નિયલ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ વિશે પણ વાત કરી હતી. તેણે આંશિક અંધત્વનો સામનો કેવી રીતે કર્યો તે વિશે પણ જણાવ્યું હતું.
“હું મારી જમણી આંખે જોઈ શકતો નથી. તેથી હું અલગ રીતે કામ કરું છું. ઘણા લોકો શારીરિક સમસ્યાને કારણે થાકી જાય છે અને જો તે સારું થઈ જાય તો પણ મનમાં ભારેપણું તો રહે જ છે. મેં કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું, એક કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ. તેથી મને લાગે છે કે હું લગભગ ટર્મિનેટર છું. મને લાગતું હતું કે હવે હું માત્ર જીવિત છું અને મારે બસ ચાલવાનું છે.”
રાણા હાલમાં નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઇ રહેલી વેબ સિરિઝ રાના નાયડુમાં જોવા મળે છે. રાણા નાયડુ માટે, બે સાઉથ સુપરસ્ટાર પહેલીવાર એક મોટા પ્રોજેક્ટમાં સાથે કામ કરી રહ્યા છે. આ સિરીઝની વાર્તા મુંબઈની પૃષ્ઠભૂમિમાં સેટ છે અને રાણા અને વેંકટેશ પિતા-પુત્રની ભૂમિકા ભજવી રહ્યા છે, જેઓ રિઅલ લાઇફમાં કાકા-ભત્રીજા છે. આ વેબસિરિઝ અમેરિકન વેબ સિરીઝ ‘રે ડોનોવન’ની રિમેક છે.
રાણાએ 2020માં મિહિકા બજાજ સાથે સાદાઇથી લગ્ન કર્યા હતા. આ લગ્નમાં માત્ર પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. લગ્ન પહેલા આ બંને એકબીજાને ઘણા સમયથી ઓળખતા હતા. આખરે મિત્રતા ધીરે ધીરે પ્રેમમાં બદલાઈ ગઈ અને રાણા-મિહિકાએ લગ્ન કરવાનું નક્કી કર્યું. રાણાએ હાઉસફુલ 4, દમ મારો દમ, બેબી જેવી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેના પિતા સુરેશ બાબુ તેલુગુ ફિલ્મ નિર્માતા અને વિતરક છે. મિહિકા બજાજ હૈદરાબાદમાં ‘ડ્યૂ ડ્રોપ’ ડિઝાઇન સ્ટુડિયોની માલિક છે.