Homeઆપણું ગુજરાતઆ હિન્દુ-મુસ્લિમ માતાની સત્ય ઘટના તમને નિશબ્દ કરી દેશે

આ હિન્દુ-મુસ્લિમ માતાની સત્ય ઘટના તમને નિશબ્દ કરી દેશે

આજકાલ ગમે તેવી ક્રુર ઘટના બને તો પણ આપણને જાજો કોઈ ફરક પડતો નથી. ગર્લફેન્ડના 35 ટૂકડા થઈ જાય કે પતિ પત્નીના ટૂકડા કરે, બાપ દીકરાના ટૂકડા કરે કે દિકરો બાપને મોતને ઘાટ ઉતારે. ચોમેર ચાલતી આવી ઝેરીલી ઘટનાઓથી આપણે લગભગ ટેવાઈ ગયા છે કે પછી સંવેદના ધીમે ધીમે ઓછી થતી જાય છે. વળી, બીજી બાજુ સોશિયલ મીડિયા પર દરેક ધર્મના લોકો પોતાના કટ્ટરવાદી વિચારોનો એવો મારો ચલાવે છે કે વાતાવરણ આખું નફરત ભરેલું થઈ જાય. બે દિવસ અખબારોની સૂરખીઓમાં આવતી ઘટનાઓની ચર્ચા થાય અને પછી ભૂલાઈ જાય. પણ ગુજરાતના વડોદરાની હિન્દુ અને મુસ્લિમ માતાની આ ઘટના તમામ ધર્મ, જાતિથી પર છે અને માતૃત્વની વહેતા ઝરણાની છે. આ ઘટના વાંચીને તમે ભાવુક થાઓ કે નિશબ્દ થાઓ તો સમજજો કે હજુ તમારા શરીરમાં એક હૃદય છે જે ધબકે છે.
વાત છે છ વર્ષના એક બાળકની. બાળકને જન્મ સુફીયા નામની મુસ્લિમ માતાએ આપ્યો હતો, પણ તેને છ વર્ષ સુધી પાળ્યો નયના નામની હિન્દુ માતાએ. જોકે આ દેવકી યશોદા જેવી લાગતી ઘટનાની હકીકત કંઈક ઔર છે. વર્ષ 2017માં નયનાના પતિ કમલેશે આ બાળકને જાહેર સ્વાસ્થ્ય કેન્દ્રમાંથી જન્મના અમુક કલાકો બાદ કિડનેપ કરી લીધો હતો. પોતાને સંતાન ન હોવાથી તેણે આમ કર્યું હતું. પત્ની નયનાના કહેવા અનુસાર તેને બાળકની ઉઠાંતરી કરવામાં આવી હોવાની જાણ ન હતી. માતા બનવા તરસતી નયનાએ બાળકને પોતાના સંતાનની જેમ ઉછેર્યો અને છ વર્ષનો કર્યો. બીજી બાજુ સુફીયા અને પતિ મોહંમદ અલીએ બાળકને શોધવાની ઘણી કોશિશ કરી. પણ નાકામ થઈ. બે દીકરી બાદનો આ તેમનો પહેલો દીકરો હતો. તે બાદ ફરી તેમને ત્યાં એક દીકરાનો જન્મ થયો. છ વર્ષ બાદ તાજેતરમાં પોલીસે વડોદરાના કરજણ ખાતે બાળકને ટ્રેસ કર્યું અને નયના તેમ જ કમલેશની ધરપકડ થઈ. ગળામાં નાડાછડી પહેરેલો પોતાનો દીકરો પાછો મળતા સુફીયા રાજીના રેડ થઈ, પણ નાનકડું બાળક નવા ચહેરા જોઈ હેબતાઈ ગયું. કોર્ટે તેને બાળસુરક્ષા કેન્દ્રમાં રાખવાનો આદેશ આપ્યો હતો. નયના આ કેસમાં છૂટી ગઈ. હવે તે નયના પાસે છે. કોર્ટે બન્ને માતાને તાકીદ કરી છે કે બાળક માનસિક અને ભાવનાત્મક રીતે નવા પરિવાર સાથે રહી શકે તેવા પ્રયત્નો કરવામાં આવે. નયના રોજ તેને સુફીયાના ઘરે લઈ જાય છે. સુફીયા રોજ આ બાળકને મળે છે અને તે સુફીયા સાથે પરિચિત થાય તે માટે નયના પ્રયાસ કરે છે. છ વર્ષ જેને પોતાના સંતાનની જેમ ઉછેર્યો તેને આ રીતે દૂર કરવો આ માતા માટે સહેલું નથી, પણ તે પતિની ભૂલ સુધારવા માગે છે. તે કહે છે કે હું માત્ર એટલું ઈચ્છુ છું કે આ બાળક જ્યારે મોટું થાય ત્યારે અમને માફ કરી દે. સુફીયા બાળકને પોતાનું કરવા મથે છે, પણ છ વષર્નું બાળક હજુ તેને મમ્મી માનવા તૈયાર નથી. જોકે સમય આવ્યે તે પોતાના ખરા પરિવાર સાથે જ રહેશે. બે અલગ અલગ ધર્મની માતાઓની આ વાત આંખના ખૂણા ભીના તો કરે છે, પણ સાથે માતૃત્વનો એક અનોખો ચહેરો પણ રજૂ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -