ચંડીગઢ/ લાહોર: ખાલિસ્તાનના વોન્ટેડ ત્રાસવાદી પરમજીત સિંહ પંજ્યારની અજાણ્યા હુમલાખોરોએ શનિવારે પાકિસ્તાનના લાહોરમાં ગોળી મારી હત્યા કરી હતી.
પંજાબના તરનતરાન જિલ્લામાંથી આવનારા ૬૩ વર્ષના પંજ્યાર એ પ્રતિબંધિત ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ- પંજ્યારના જૂથનો વડો હતો. જુલાઈ- ૨૦૨૦માં તેને ગેરકાયદે પ્રવૃત્તિ (અટકાયત) ધારા હેઠળ ત્રાસવાદી જાહેર કરવામાં આવ્યો હતો. પંજ્યાર કૅફી દ્રવ્યો અને શસ્ત્રોની હેરાફેરીમાં તેમજ બીજી ત્રાસવાદી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હતો.
લાહોરમાં આવેલી હાઉસિંગ સોસાયટીમાં તે વૉક લઈ રહ્યો હતો ત્યારે સ્કૂટરસવાર બે લોકોએ તેનાં પર ગોળીબાર કરીને તેને ઠાર કર્યો હતો. ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ (કેસીએફ)માં તે ૧૯૮૬માં જોડાયો હતો અને તેનો તે વડો થયો હતો અને તે પાકિસ્તાન ચાલ્યો ગયો હતો.
છેલ્લાં કેટલાંક વર્ષથી તે સક્રિય નહોતો. તે લાહોરથી કામ કરતો હતો અને પાકિસ્તાનમાંના યુવાનોને શસ્ત્રોની તાલીમ આપતો હતો. તે ભારતમાં ઘૂસણખોરી કરાવીને શસ્ત્રો અને દારૂગોળો પહોંચાડતો હતો અને વી.આઈ.પી. પર હુમલા કરાવતો હતો.
રેડિયો પાકિસ્તાન પરથી તે ભાગલાવાદી અને ઉત્તેજનાત્મક ભાષણ આપતો હતો અને ભારત સરકાર વિરુદ્ધ લઘુમતીઓને ઉશ્કેરતો હતો. તે નકલી ચલણ પણ ભારતમાં ઘૂસાડતો હતો. (પીટીઆઈ)