કેરળના તિરુવનંતપુરમમાં 15 જાન્યુઆરીએ ભારત અને શ્રીલંકા વચ્ચે વન-ડે સીરીઝની ત્રીજી મેચ છે અને તે પહેલા રાજ્યના રમતગમત મંત્રી વી અબ્દુરહીમાને વિવાદિત નિવેદન આપતા ભારે ઉહાપોહ થયો છે.
ભારતમાં ક્રિકેટ ખૂબ જ લોકપ્રિય રમત છે. દરેક ચાહક સ્ટેડિયમમાં જઈને તેના મનપસંદ ખેલાડીઓની રમત જોવા માંગે છે. જોકે, મોંઘી ટિકિટને કારણે બધા માટે સ્ટેડિયમમાં જઈને મેચ જોવી શક્ય નથી હોતી. આવા સમયે ટિકિટના દર ઓછા કરી લોકોને રાહત આપવા કે અન્ય કોઇ પગલા લેવાને બદલે કેરળના ખેલકૂદ મંત્રીએ વિવાદીત અને અસભ્ય નિવેદન કરતા હોબાળો મચ્યો છે.
નોંધનીય છે કે ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે સીરીઝની ત્રીજી મેચ કેરળના તિરુવનંતપુરમમાં રમાવાની છે. તે મેચની ટિકિટના દર ખૂબ ઊંચા હોવાનું કહેવાય છે અને તેનું કારણ ઊંચો મનોરંજન કર છે. બસ આ મુદ્દે જ્યારે રમતગમત મંત્રી વી અબ્દુરહીમાનને પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે પૂછ્યું કે ટેક્સ ઘટાડવાની શું જરૂર છે.
કેરળના ખેલ મંત્રીએ પોતાના બેજવાબદાર નિવેદનથી ચાહકોની મજાક ઉડાવી છે. કેરળના રમતગમત ખાતાના મંત્રી વી અબ્દુરહીમાને કહ્યું છે કે જે લોકો ભૂખે મરતા હોય તેઓએ મેચ જોવાની જરૂર નથી. જ્યારે પત્રકારોએ મંત્રીને પૂછ્યું કે શું સરકાર દર્શકો પાસેથી મનોરંજન કર વસૂલવાના કથિત નિર્ણયને પાછો ખેંચી લેવાનું વિચારશે તો તેમણે આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.
કેરળના રમતગમત મંત્રી વી અબ્દુરહીમાને કહ્યું, ‘ટેક્સ ઘટાડવાની શું જરૂર છે? આ દલીલ વાહિયાત છે કે દેશમાં દરેક વસ્તુના ભાવ વધી રહ્યા છે, તેથી ટિકિટ સસ્તી કરવી જોઈએ. ભૂખે મરતા લોકોએ મેચ જોવા જવાની જરૂર નથી. રાજ્યમાં વિપક્ષ કોંગ્રેસ અને ભાજપે ગરીબો સામેની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ તેમની આકરી ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે મંત્રીએ આવું નિવેદન ન કરવું જોઈએ.
મંત્રી વી અબ્દુરહીમાનની ટીકા કરતા, રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા વીડી સતીસને સોમવારે કહ્યું કે રાજ્યની લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સામ્યવાદી સરકારના મંત્રીના આવા અભદ્ર અને વાહિયાત નિવેદન સાંભળીને લોકો ચોંકી ગયા. તેમણે કહ્યું, ‘મુખ્યમંત્રીએ આવા મંત્રીને એક કલાક પણ ખુરશી પર બેસવા ન દેવો જોઈએ. ગરીબોનો પક્ષ હોવાનો દાવો કરતી માર્ક્સવાદી સામ્યવાદી પાર્ટીનું આ અંગે શું કહેવું છે?
નોંધનીય છે કે વી અબ્દુરહીમાન કેરળના સૌથી ધનિક મંત્રીઓમાંના એક છે. રમતગમત મંત્રી કેરળના સૌથી ધનિક મંત્રીઓમાંના એક છે. એક રિપોર્ટ અનુસાર તેમની પાસે 17.17 કરોડની સંપત્તિ છે. મંત્રી પોતે કરોડપતિ છે, કદાચ એટલા માટે જ તેમને મોંઘી ટિકિટની પરવા નથી, તેથી જ તેમણે વિચાર્યા વગર આવું નિવેદન આપ્યું છે.