ઈરાનમાં ચાલી રહેલી હિજાબ વિરોધી ક્રાંતિની જ્વાળાઓ હવે ભારતના કેરળ સુધી પહોંચી ગઈ છે. કેરળના કોઝિકોડ નગરમાં મુસ્લિમ સંગઠનની છ મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઇસ્લામિક ફ્રી થિંકર્સ એસોસિએશન દ્વારા આયોજિત મુક્ત-વિચાર સત્ર દરમિયાન મુસ્લિમ મહિલાઓએ ઈરાનની હિજાબ વિરોધી ચળવળ સાથે એકતા દર્શાવવા કોઝિકોડ ટાઉન હોલ નજીક વિરોધ પ્રદર્શનો કર્યા હતા અને હિજાબને આગ લગાવી હતી. ભારતમાં હિજાબ સળગાવવાની આ પ્રથમ ઘટના છે.
આ વિરોધમાં છ મહિલાઓએ ભાગ લીધો હતો. તેમણે ઈરાનની મહેસા અમીનીના મૃત્યુ પછી શરૂ થયેલા હિજાબ વિરોધી આંદોલનને સમર્થન આપવા હિજાબ સળગાવ્યા હતા. મહિલાઓ અમીનીની તસવીર સાથે પ્લેકાર્ડ લહેરાવતી હતી અને સૂત્રોચ્ચાર કરતી હતી. નોંધનીય છે કે કોઝિકોડમાં વિરોધ પ્રદર્શન ખૂબ મહત્વ ધરાવે છે કારણ કે આ ક્ષેત્રમાં મુસ્લિમ સમુદાયનું વર્ચસ્વ છે.
અહેવાલો અનુસાર મહસા અમીની તેના પરિવાર સાથે તેહરાનના પ્રવાસે હતી, તે દરમિયાન પોલીસ યુનિટ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી. સ્થાનિક મીડિયા અનુસાર, કસ્ટડીમાં લેવામાં આવ્યા બાદ તરત જ તેને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તેનું મૃત્યુ થયું હતું.
મહેસા અમીનીના પરિવારે જણાવ્યું હતું કે પોલીસે અયોગ્ય રીતે હિજાબ પહેરવા બદલ 22 વર્ષીય અમીનીની હત્યા કરી હતી. તેની હત્યા બાદ ઈરાનમાં જોરદાર વિરોધ ફાટી નીકળ્યો હતો. ઈરાનમાં હિંસક અથડામણ થઈ હતી. ત્યાંના લોકો ઈરાની સરકાર અને એથિક્સ પોલીસના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા.