દિલ્હી એલજીએ 15 દિવસમાં રિપોર્ટ માંગ્યો
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના બંગલા પર 45 કરોડ રૂપિયા ખર્ચવાના આરોપો બાદ થયેલા હોબાળા વચ્ચે દિલ્હીના એલજી વીકે સક્સેનાએ આ મામલે દિલ્હીના મુખ્ય સચિવ પાસેથી રિપોર્ટ માંગ્યો છે. તેમણે 45 કરોડના ખર્ચ સંબંધિત દસ્તાવેજો સુરક્ષિત રાખવા જણાવ્યું છે. એલજીએ 15 દિવસમાં રિપોર્ટ માંગ્યો છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનના ‘સુંદરીકરણ’માં સ્પષ્ટ ભ્રષ્ટાચારનો આરોપ મૂકતા, ભાજપે જણાવ્યું હતું કે ઉપરાજ્યપાલ દ્વારા તપાસ ટાળવા માટે વિવિધ હેડ પરનો ખર્ચ રૂ. 10 કરોડથી નીચે રાખવામાં આવ્યો હતો. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે દિલ્હી સરકારના સામાન્ય નાણાકીય નિયમો અનુસાર, 10 કરોડ રૂપિયા કે તેથી વધુના પ્રોજેક્ટ સાથે સંબંધિત ફાઈલો લેફ્ટનન્ટ ગવર્નરને મોકલવાની હોય છે, જ્યારે વિભાગીય વડાઓ અથવા મંત્રીઓને 10 કરોડ રૂપિયાથી ઓછા ખર્ચને મંજૂરી આપવાની સત્તા હોય છે.
તેમણે આરોપ લગાવ્યો કે કેજરીવાલના બંગલાના રિનોવેશનના વિવિધ તબક્કામાં વિવિધ હેડ પરનો ખર્ચ રૂ. 9 કરોડથી વધુ હતો, પરંતુ તે જ જાણી જોઈને રૂ. 10 કરોડથી નીચે રાખવામાં આવ્યો હતો. “મુખ્યમંત્રીની કેમ્પ ઓફિસનો ખર્ચ રૂ. 9.99 કરોડ હતો,” તેમણે કહ્યું હતું કે, “કેજરીવાલને 9.99 કરોડ રૂપિયાની ચોક્કસ રકમની ગણતરી કરવાની ક્ષમતા ક્યાંથી મળી,” એમ ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ પૂછ્યું હતું અને જણાવ્યું હતું કે, આ સ્પષ્ટ ભ્રષ્ટાચારનો કેસ છે.
સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું હતું કે જે રીતે સમગ્ર ખર્ચનું વિભાજન કરવામાં આવ્યું હતું તે “ઊંડી શંકા” પેદા કરે છે. તેમણે દાવો કર્યો હતો કે કેજરીવાલના નિવાસસ્થાનની સજાવટ માટે એક કરોડ રૂપિયામાં સલાહકાર કંપનીની નિમણૂક કરવામાં આવી હતી. “તેમણે જણાવવું જોઈએ કે કાઉન્સેલર કોણ હતા. શું આ કાઉન્સેલર તમારો ‘પોતાનો માણસ’ નથી?” એવો સવાલ બીજેપી પ્રવક્તાએ કર્યો હતો.
સુધાંશુ ત્રિવેદીએ આક્ષેપ કર્યો હતો કે આપ પાર્ટીએ બધી હદ વટાવી દીધી છે. કેજરીવાલના તમામ બનાવટી અને જુઠ્ઠાણા સામે આવી ગયા છે. પડદા હોય કે ટાઈલ્સ હોય, કાર્પેટ હોય કે પંખા હોય, તેમને દરેક વસ્તુ મોંઘી જ જોઇએ છે. તેમને લાખો રૂપિયાના પંખામાંથી હવા જોઈએ છે અને કરોડો રૂપિયાનો મહેલ જોઈએ છે.