દિલ્હીમાં 24 થી 27 જાન્યુઆરી સુધી વરસાદનો વરતારો
હવામાન વિભાગે દિલ્હીમાં આગામી સપ્તાહમાં વરસાદની આગાહી કરી છે, જે મુજબ 24 થી 27 જાન્યુઆરી સુધી રાજધાનીને વરસાદ ભીંજવશે. આ દરમિયાન સવારે અને સાંજે વધુ વરસાદની શક્યતા છે. હવે જાન્યુઆરીના બાકીના દિવસોમાં લોકોને વરસાદ, તોફાન, તડકો, વાદળો જેવા હવામાનના અનેક રંગો જોવા મળશે. શનિવારે સવારથી વાદળો છવાયેલા હોવા છતાં બે વર્ષ બાદ દિલ્હીમાં જાન્યુઆરીમાં મહત્તમ તાપમાન 23.3 ડિગ્રીએ પહોંચ્યું હતું.
દિલ્હીમાં 24 થી 27 જાન્યુઆરીના સમય દરમિયાન વરસાદ સિવાય લઘુત્તમ તાપમાનમાં એક ડિગ્રી સેલ્સિયસનો વધારો થઇ 9 ડિગ્રી સેલ્સિયસ જોવા મળી શકે છે. 24 જાન્યુઆરીની વાત કરીએ તો આ દિવસે ઝરમર ઝરમર અથવા હળવો વરસાદ સાથે વાદળછાયું વાતાવરણ રહેશે. લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. તે જ સમયે, 25 થી 27 તારીખ સુધી વત્તા ઓછા અંશે સમાન સ્થિતિ રહેશે.
શનિવારે સવારથી જ દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ હતું. સૂર્યના તાપમાં પણ ઘટાડો નોંધાયો હતો. આમ છતાં દિવસ દરમિયાન ઠંડીનો અહેસાસ થયો ન હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહત્તમ તાપમાન 23.3 ડિગ્રી નોંધાયું હતું. આ સામાન્ય કરતાં બે ડિગ્રી વધુ છે. છેલ્લા બે વર્ષથી જાન્યુઆરીમાં તાપમાન આના કરતા ઓછું નોંધાય છે. 2022માં મહત્તમ તાપમાન 23.2 ડિગ્રી અને 2021માં વધીને 22.6 ડિગ્રી થયું હતું. આ સાથે જ ફરી એકવાર લઘુત્તમ તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો હતો. લધુત્તમ તાપમાન ઘટીને માત્ર 6.2 ડિગ્રી નોંધાયું હતું. આ સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું છે.