આજના દિવસે મહાત્મા ગાંધીના પત્ની અને સ્વતંત્રતા ચળવળમાં યોગદાન આપનાર કસ્તુરબા ગાંધીનું અવસાન થયું હતું. કસ્તુરબા ગાંધીનું પૂણેના આગા ખાન પેલેસમાં અવસાન થયું હતું. મહાત્મા ગાંધીનું નામ ભારતમાં જ નહીં વિદેશમાં પણ પ્રખ્યાત છે. તેમને રાષ્ટ્રપિતા કહેવામાં આવે છે. આપણે બધાએ તેમના ઉપદેશો, સત્ય અને અહિંસા વિશે સાંભળ્યું જ હશે, પરંતુ મોહનદાસ કરમચંદ ગાંધીના મહાત્મા ગાંધી, રાષ્ટ્રપિતા અને બાપુ બનવા પાછળ એક મહિલાના બલિદાનની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. જો આ મહિલા ન હોત તો ગાંધીજી આજે મહાત્મા ન હોત. આ મહિલા બીજું કોઈ નહીં પણ મહાત્મા ગાંધીની પત્ની કસ્તુરબા ગાંધી છે. શ્રીમંત પરિવારની દીકરી ગાંધીજીને પોતાના જીવનસાથી માનતી હતી અને દરેક કાર્યમાં તેમને સાથ આપતી હતી. કસ્તુરબા ગાંધીનું જીવન મુશ્કેલ સંઘર્ષમાં વીત્યું હતું. તેમણે ક્યારેય ગાંધીજીને પતિ અને પિતાની ફરજો નિભાવવાનું કહ્યું નથી.

ગાંધીજી દેશની સેવામાં લાગી ગયા. સાદી સુતરાઉ ધોતી પહેરીને આશ્રમોમાં રહ્યા. સાદું જીવન જીવ્યા, પણ કસ્તુરબાએ આ તમામ સંઘર્ષો કોઈપણ ફરિયાદ વિના જીવ્યા. લોકો કસ્તુરબા ગાંધીને ‘બા’ કહેતા હતા. મહાત્મા ગાંધી સાથે લગ્ન કર્યા ત્યારે તેઓ અભણ હતા. જોકે, ગાંધીજીએ તેમને લખતા વાંચતા શીખવ્યું હતું. 1906માં જ્યારે ગાંધીજીએ બ્રહ્મચર્ય પાળવાનું નક્કી કર્યું ત્યારે કસ્તુરબા ગાંધીએ તેમને ટેકો આપ્યો. તેમણે મહાત્મા ગાંધી સાથે સ્વતંત્રતા ચળવળમાં પણ ભાગ લીધો હતો. 1913માં દક્ષિણ આફ્રિકામાં, ભારતીય મજૂરોના શોષણ સામે આંદોલન કરવા બદલ તેમને ત્રણ મહિનાની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી. આજે કસ્તુરબા ગાંધીની પુણ્યતિથિ છે. 22 ફેબ્રુઆરી 1944ના રોજ કસ્તુરબા ગાંધીનું અવસાન થયું હતું.
આજના પુણ્યતિથિના દિને કસ્તુરબા ગાંધીને શત શત નમન…