આપણે અવારનવાર વોટ્સએપનો ઉપયોગ કરતાં હોઈએ છીએ અને આ કમ્યુનિકેશન એપની મદદથી વીડિયો, ફોટા મોકલીએ પણ છીએ અને રીસિવ પણ કરીએ છીએ. ઘણી વખત આપણે દૂર બેઠેલા નજીકની વ્યક્તિ સાથે ફેસ ટાઈમ માટે વીડિયો કોલિંગનો ઉપયોગ પણ કરતાં હોઈએ છીએ. હાલમાં જ એક એવો કિસ્સો બહાર આવ્યો છે કે જેમાં વોટ્સએપની મદદથી બાળકનો જન્મ કરાવવામાં આપ્યો હતો અને આ સમાચાર એ બાબત પર પ્રકાશ પાડે છે કે મેસેજિંગ એપનો ઉપયોગ અલગ અલગ રીતે મહત્ત્વના કામો માટે પણ થઈ શકે છે. વાત જમ્મુ કાશ્મીરની છે. એક રિપોર્ટ પ્રમાણે લેબર કોમ્પલિકેશનવાળી એક ગર્ભવતી મહિલાને મેડિકલ હેલ્પની જરૂર હતી અને વોટ્સએપ એમાં મદદરૂપ સાબિત થયું હતું. જમ્મુ કાશ્મીરના કેરન નામના વિસ્તારમાં હિમ વર્ષા વચ્ચે આ મહિલા ફસાયેલી હતી. ડોક્ટરોએ આ મહિલાની પ્રસૂતિ કરાવવા માટે વોટ્સએપ કોલની મદદ લીધી હતી. શુક્રવારે રાતે કેરનના પીએચસીમાં મહિલાને દાખલ કરવામાં આવી હતી અને પહેલાં પણ આ મહિલાને લેબર કોમ્પલિકેશન થયા હતા અને તેને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. ડોક્ટરોએ મહિલાને હોસ્પિટલ લઈ જવાનું નક્કી કર્યું પણ હિમવર્ષાને કારણે આવું કરવું પોસિબલ નહોતું અને કોઈ બીજો વિકલ્પ ન મળતા વોટ્સએપ પર વીડિયો કોલ કરીને મહિલાને ડિલિવરી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. એક સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટરે પીએચસી કેરના ડો અને પેરામેડિકલ સ્ટાફને વોટ્સએપ પર વીડિયો કોલના માધ્યમથી ડિલીવરી કઈ રીતે કરાવવી એની માહિતી આપી હતી અને આખરે ગર્ભવતી મહિલાની સુરક્ષિત રીતે ડિલીવરી કરાવવામાં આવી હતી. મહિલાએ છ કલાક બાદ સુંદર દીકરીને જન્મ આપ્યો હતો. માતા અને બાળકી બંનેની તબિયત સારી છે અને હોસ્પિટલમાં અંડર ઓબ્ઝર્વેશન છે, હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું.