ટીવી ઉદ્યોગના જાણીતા એભિનેતા સિદ્ધાંત વીર સૂર્યવંશીએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. લોકો તેમને પ્રેમથી એસવીના હુલામણા નામે બોલાવતા હતા. મળતી માહિતી મુજબ વર્કઆઉટ દરમિયાન સિદ્ધાંતનું મોત થયું હતું. સિદ્ધાંતને પહેલા જિમમાં ચક્કર આવ્યા હતા અને તે બેભાન થઈ ગયો હતો. ત્યાર બાદ ટ્રેનર્સ તથા અન્ય સભ્યોએ તેને ભાનમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તે ભાનમાં ના આવતાં એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને તેને નજીકની હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા. અભિનેતા માત્ર 46 વર્ષના હતા અને ઇન્ડસ્ટ્રીમાં સારું કામ કરી રહ્યા હતા. સિદ્ધાંત વીર સૂર્યવંશીનું આકસ્મિક અવસાન ટીવી જગત માટે આઘાતજનક સમાચાર છે. તેઓ લાંબા સમયથી આ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હતા અને ઘણા કલાકારો સાથે તેમના સારા સંબંધો હતા.
સિદ્ધાન્તે તેણે પોતાની કારકિર્દીની શરૂઆત મોડલિંગથી કરી હતી. મોડલિંગમાં ઘણું કામ કર્યા પછી તેમણે ટીવી ઇન્ડ્સ્ટ્રીમાં પગ મૂક્યો હતો. તેમની ડેબ્યુ ટીવી સિરિયલ ‘કુસુમ’ હતી. આ પછી સિદ્ધાંત ઘણી લોકપ્રિય ટીવી સીરિયલ્સમાં જોવા મળ્યા હતા, જેમાં ‘કસૌટી જિંદગી કી’, ‘ક્રિષ્ના અર્જુન’, ‘ક્યા દિલ મેં હૈ’ જેવી સીરિયલ્સનો સમાવેશ થાય છે.
સિદ્ધાંતે વર્ષ 2000માં ઈરા સાથે લગ્ન કર્યા હતા. જોકે 2015માં બંને અલગ થઈ ગયાં હતાં. સિદ્ધાંત તથા ઈરાને એક દીકરી છે. હેન્ડસમ અભિનેતાએ 2017માં સુપર મોડલ એલેસિયા રાઉત સાથે બીજા લગ્ન કર્યા હતા. એલિસાને પહેલા લગ્નથી દીકરો માર્ક છે. અભિનેતા સિદ્ધાંતના નજીકના મિત્ર અને અભિનેતા સલિલ અંકોલાએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ સમાચાર શેર કરી દિવંગત અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી હતી.
સિદ્ધાંત વીર સૂર્યવંશીએ કુસુમ ઉપરાંત વારિસ અને સૂર્યપુત્ર કરણ જેવી ઘણી જાણીતી સિરિયલોમાં કામકર્યું હતું.