પ્રાસંગિક – પૂજા શાહ
આમ તો દરેક દિવસ મહત્ત્વનો હોય છે, પરંતુ પૂનમની વાત કરીએ તો એ કોઈ સામાન્ય દિવસ કરતા વધારે મહત્ત્વનો હોય છે. એમાં પણ જો કાર્તિક પૂનમની વાત હોય તો તેનું વર્ણન કરવું શક્ય જ નથી. કાર્તિક પૂનમ ભારતીય ઉપમહાદ્વીપમાં જન્મ
લેનારા તમામ ધર્મ હિન્દુ, બૌદ્ધ, જૈન અને શીખ માટે આસ્થા, શ્રદ્ધા અને સન્માનનો દિવસ છે.
હિંદુઓ માટે આ દિવસ એટલા માટે મહત્ત્વનો છે કે આ દિવસે ભગવાન શિવે એક અનોખા રથ પર સવાર થઈને અસૂર ત્રિપુરનો વધ કર્યો હતો. આથી ભગવાન શિવનું એક નામ ત્રિપુરારી પણ છે. આથી કાર્તિક પૂનમને ત્રિપુરારી પૂનમ પણ કહેવામાં આવે છે.
જો કાર્તિક પૂનમના મહત્ત્વને શીખ ધર્મના અરિસાથી જોવામાં આવે તો શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનક દેવજીનો જન્મ આ દિવસે જ થયો હતો. આથી હિન્દુઓની જેમ શીખો માટે પણ કાર્તિક પૂનમ ખૂબ જ મહત્ત્વનો દિવસ માનવામાં આવે છે.
આથી શીખ સમુદાયના લોકો કાર્તિક પૂનમના દિવસે લંગર લગાવે છે અને નાનક દેવજીની વાણીનું પઠન કરે છે. પાકિસ્તાન સ્થિત નનકાના સાહિબની યાત્રા માટે આ જ દિવસે દુનિયાભરમાંથી હજારો શીખ આવે છે. કાર્તિક પૂનમના દિવસને પ્રકાશપર્વ તરીકે પણ મનાવવામાં આવે છે.
ગુરુ નાનક દેવે દરેક વ્યક્તિને સાથે રહેવા, સાથે ખાવા અને સાથે મળીને ખુશી મનાવવાનો સંદેશ આપ્યો હતો. આથી તેમના જન્મદિવસના ઉપલક્ષમાં વિશાળ ભંડારા અને કીર્તનનું આયોજન થાય છે.
બૌદ્ધ ધર્મમાં પણ કાર્તિક પૂનમનું મહત્ત્વ છે. આ દિવસે જ શરદ પૂનમથી શરૂ થયેલા ઉપાસના કાળનો અંત આવે છે. આ દિવસે ચીવર (ભિક્ષુકો દ્વારા પહેરાતું એક પ્રકારનું વસ્ત્ર) અને દૈનિક ઉપયોગની સામગ્રીઓનું દાન કરવામાં આવે છે.
જ્યારે જૈન ધર્મમાં કાર્તિક પૂનમ એટલા માટે ખાસ છે કારણ કે પ્રસિદ્ધ જૈન તીર્થસ્થળ ગિરિરાજની યાત્રા આ દિવસથી શરૂ થાય છે. આ જ નહીં, આ જ દિવસે જૈન સાધુ અને સાધ્વીઓ પોતાના વિહાર યાત્રા શરૂ કરે છે.
આ દિવસ જૈન ધર્મમાં મહાન સંત શ્રીમદ્ વિજય હેમચંદ્રાચારી ભગવંતનો જન્મોત્સવ મનાવવામાં આવે છે. આથી કાર્તિક પૂનમ એક એવો પવિત્ર દિવસ છે જે ભારતમાં જન્મેલા તમામ ધર્મો માટે મહત્ત્વપૂર્ણ છે. હિન્દુ કેલેન્ડર અનુસાર દિવાળીના ઠીક ૧૫માં દિવસ બાદ આવનારી કાર્તિક પૂનમના દિવસે જ વારાણસીમાં દેવદિવાળી મનાવવામાં આવે છે. જોકે આનો મુખ્ય સમારોહ બનારસમાં થાય છે, પરંતુ દેવદિવાળી માત્ર બનારસમાં જ નહીં આખા દેશમાં મનાવવામાં આવે છે.
એમ પણ કહેવામાં આવે છે કે કાર્તિક મહિનાના ઠીક પહેલા ચાર મહિના પહેલા ભગવાન વિષ્ણુ નિદ્રા કાળમાં ચાલ્યા જાય છે, પરંતુ તેમના અર્ધાંગિની લક્ષ્મીજી દિવાળીના દિવસે જાગી જાય છે. આથી તેમની પૂજા તે દિવસે જ થાય છે જ્યારે ભગવાન વિષ્ણુ કાર્તિક પૂનમના ચાર દિવસ પહેલા દેવ ઉઠણી એકાદશીના દિવસે જાગે છે અને તેમના આ જાગવાની ખુશીમાં દેવતા લોકો શિવની નગરી કાશીમાં દીપ પ્રગટાવી કાર્તિક પૂનમના દિવસે આનંદ મનાવે છે. આથી આ દેવ દિવાળી કહેવાય છે. આ રીતે જોઈએ તો કાર્તિક પૂનમ માત્ર એક ધર્મ માટે નહીં, પરંતુ ભારતમાં જન્મેલા તમામ ધર્મ માટે એકસરખું મહત્ત્વ ધરાવે છે.