કવર સ્ટોરી -વિજય વ્યાસ
કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે ભાજપના ધારાસભ્ય કે. મદાલ વિરુપક્ષપ્પાને ત્યાંથી ૮ કરોડ રૂપિયા રોકડા મળ્યા તેના કારણે રાજકીય ગરમીનો માહોલ છે. આ આઠ કરોડના રૂપિયા સાથે મદાલ વિરુપક્ષપ્પાને સીધો સંબંધ છે કે નહીં એ કહેવું મુશ્કેલ છે પણ રોકડ તેમના ઘરેથી મળી છે તેથી મદાલ વિરુપક્ષપ્પાનું જ પાપ કહેવાય.
ચેન્નાગીરી બેઠકના ભાજપના ધારાસભ્ય મદાલ વિરુપક્ષપ્પાના કાંડની શરૂઆત તેમનો દીકરો પ્રશાંત મદાલ ૪૦ લાખ રૂપિયાની લાંચ લેતાં પકડાયો તેમાંથી થઈ. પ્રશાંત બેંગલુરુ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (બીડબ્લ્યુએસએસબી)માં ચીફ એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હતો. પ્રશાંત જે હોદ્દા પર છે તેનો ગેરલાભ ઉઠાવીને નોટો છાપતો જ હશે પણ આ ૪૦ લાખ રૂપિયા તેણે પિતાશ્રી જેના ચેરમેન હતા એ કર્ણાટક સોપ્સ એન્ડ ડીટરજન્ટ લિમિટેડના કામ માટે માગી હતી.
કોર્પોરેશનનું કામ અપાવવા માટે એક કોન્ટ્રાક્ટર સાથે ૮૧ લાખમાં સોદો થયેલો ને એ પેટે અડધી રકમ એટલે કે ૪૦ લાખ રૂપિયા પહેલાં આપવાના હતા. કોન્ટ્રાક્ટરે લાંચ આપવાના બદલે લોકપાલમાં ફરિયાદ કરી દીધી. ફરિયાદમાં મદાલ વિરુપક્ષપ્પાએ કર્ણાટક સોપ એન્ડ ડીટરજન્ટ કોર્પોરેશનના કામ માટે લાંચ માગેલી એવો સ્પષ્ટ ઉલ્લેખ છે. આ કારણે જ લોકપાલે આ કેસમાં વિરુપક્ષપ્પાને આરોપી નંબર વન બનાવ્યા છે.
લોકપાલની એન્ટી-કરપ્શન બ્રાંચે ટ્રેપ ગોઠવીને પ્રશાંતને લાંચ લેતાં રંગે હાથ ઝડપ્યો પછી ઓફિસમાં તપાસ કરી. પ્રશાંતની ઓફિસમાંથી બીજા ૧.૨૦ કરોડ રૂપિયા મળી આવ્યા. લોકપાલના અધિકારી પણ આ જોઈને દંગ થઈ ગયા. એ પછી આખો વરઘોડો બેંગલુરુમાં પ્રશાંત મદાલના ઘરે પહોંચ્યો. પ્રશાંતના ઘરમાંથી બીજા ૮ કરોડ રૂપિયા રોકડ મળી આવ્યા. વિરુપક્ષપ્પાએ દીકરાને ત્યાંથી આટલો મોટો દલ્લો મળ્યો એ મુદ્દે હાથ અધ્ધર કરી દીધેલા પણ લોકપાલે તેમને આરોપી નંબર વન બનાવ્યા તેમાં એ છૂ થઈ ગયા. અજ્ઞાત વાસમાંથી જ તેમણે હાઈ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલી ને તેમાં જામીન મળી ગયા તેથી અત્યારે એ છૂટ્ટા છે પણ આ કાંડે દેશના રાજકારણના નૈતિક અધ:પતનને ફરી ખુલ્લું કરી દીધું.
આ કાંડને પગલે વિરુપક્ષપ્પાએ કર્ણાટક સોપ્સ એન્ડ ડીટરજન્ટ લિમિટેડના ચેરમેનપદેથી રાજીનામું આપી દીધું પણ ભાજપે તેમને કશું કર્યું નથી. ઉલટાનો મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈએ તો બચાવ કર્યો. વિરુપક્ષપ્પાએ તો બેશરમીની તમામ હદ વટાવીને એવું કહી દીધું કે, મારા મતવિસ્તારમાં સામાન્ય માણસના ઘરમાંથી પણ બે-ચાર કરોડ રૂપિયા તો મળી આવે છે. ભારતમાં આટલો સમૃદ્ધ વિસ્તાર છે તેની આપણને ખબર જ નહોતી.
વિરુપક્ષપ્પાના કેસમાં બીજી એક વાત પણ નોંધવા જેવી છે. સરકારી એજન્સીઓ ભાજપના ધારાસભ્યને ત્યાં દરોડા પાડે એવું ભાગ્યે જ બને છે. વિરુપક્ષપ્પાને ત્યાં પડેલા દરોડા આવી જ ભાગ્યે બનતી ઘટના છે. તેની પાછળનાં કારણો શું છે એ આપણને ખબર નથી પણ વિરુપક્ષપ્પાના કેસમાં બીજી વાર એવું બન્યું છે. ૨૦૧૮માં કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસ અને જેડીએસના નેતાઓને ત્યાં ઉપરાછાપરી દરોડા પડવા માંડેલા.
ભાજપ શાસનમાં વિપક્ષી નેતાઓને નિશાન બનાવાય તેમાં કશું નવું નથી તેથી કોઈને એ વાતની નવાઈ નહોતી પણ ત્યાં અચાનક વિરુપક્ષપ્પાને ત્યાં ચૂંટણીના પંદર દિવસ પહેલાં જ ઈન્કમટેક્સની રેડ પડી ગઈ હતી. વિરુપક્ષપ્પા ભાજપના ઉમેદવાર હોવા છતાં તેમને ત્યાં કેમ દરોડા પડ્યા એ સવાલનો જવાબ હજુ મળ્યો નથી. અત્યારે પણ કર્ણાટકમાં ભાજપની સરકાર હોવા છતાં લોકપાલે તેમને કેમ લપેટી લીધા એ સવાલ પુછાઈ રહ્યો છે પણ આ જવાબ મળવાની શક્યતા અત્યારે તો લાગતી નથી.
વિરુપક્ષપ્પાને ત્યાં ૨૦૧૮માં પડેલી ઈન્કમટેક્સની રેડમાં શું મળ્યું ને એ પછી વિરુપક્ષપ્પા સામે શું કાર્યવાહી થઈ એ સવાલનો જવાબ પણ નહોતો મળ્યો. આ વખતે પણ કેસ ભલે નોંધાયો પણ પાછળથી બધું રફેદફે થઈ જાય એવી પૂરી શક્યતા છે.
વિરુપક્ષપ્પા પહેલા એવા રાજકારણી નથી કે જેમને ત્યાંથી આ રીતે કરોડો રૂપિયાની રોકડ મળી આવી હોય. આ પહેલાં ઘણા રાજકારણીઓ સરકારી એજન્સીઓની અડફેટે ચડી ચૂક્યા છે. હજુ ગયા મહિને જ ઈડીએ બંગાળના એક ટોચના રાજકારણીને ત્યાંથી ૧.૪ કરોડ રૂપિયાની રોકડ પકડી હતી. એ પછી પડાયેલા દરોડામાં ૯ કરોડ રૂપિયા મળ્યા હતા. આ કેસમાં નાણાં હરામની કમાણીનાં જ છે એ સાબિત થયું નથી તેથી ઈડીએ નામ જાહેર કર્યું નથી. આ રાજકારણી ઉદ્યોગપતિ પણ હોવાથી તેમને પોતાનાં નાણાંના સ્રોત સાબિત કરવા સમય અપાયો છે.
ગયા વરસે પશ્ર્ચિમ બંગાળની મમતા બેનરજી સરકારના મંત્રી પાર્થ ચેટરજીને ત્યાં પડેલા દરોડામાં ૫૦ કરોડ રૂપિયાથી વધુની રોકડ મળી હતી. પાર્થ ચેટરજી જાહેર સાહસોને લગતા મંત્રાલયના મંત્રી હતા. બંગાળના શિક્ષણ વિભાગમાં થયેલા ભરતી કૌભાંડમાં સંડોવણીને પગલે પાર્થ ચેટરજી અને તેમની ફ્રેન્ડ’ અર્પિતા મુખરજીનાં બે ઘરો પર પડેલી રેડમાં ૫૦ કરોડ રૂપિયા રોકડા મળી આવતાં ખળભળાટ મચ્યો હતો. અર્પિતા મુખરજી પાર્થની સાથે પત્નીની જેમ જ રહેતી હતી. એક્ટ્રેસ તરીકે કામ કરી ચૂકેલી અર્પિતા અને પાર્થ અત્યારે જેલમાં છે.
ઈડીએ દાવો કરેલો કે, પાર્થ ચેટરજી માટે ૫૦ કરોડ રૂપિયા બહુ મામૂલી રકમ છે. પાર્થ ચેટરજી પાસે પશ્ર્ચિમ બંગાળમાં સળંગ ૪૫ કરોડની જમીનનો પટ્ટો છે. પાર્થ ચેટરજીએ પત્નીના નામે બનાવેલી સ્કૂલના બિલ્ડિંગની જ કિંમત ૫૦ કરોડ રૂપિયા છે. કોલકાતામાં હૉસ્પિટલ બનાવવા માટે તેમણે ૫૦૦ કરોડની જમીન ખરીદી છે. એ રીતે પાર્થ કરોડોમાં આળોટતા હતા.
ગયા વરસે ઉત્તર પ્રદેશના કનૌજમાં એક પરફ્યુમ નિર્માતા પીયૂષ જૈનને ત્યાં પડેલા દરોડામાં તો ૨૫૦ કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. ઉદ્યોગપતિઓ અને બિઝનેસમેનને ત્યાં પડેલા દરોડામાં જૈનને ત્યાંથી મળેલી રકમથી પણ વધારે રકમ મળી છે પણ જૈનને ત્યાંથી મળેલાં નાણાં કોઈ રાજકારણીનાં હતાં. પહેલાં એવી વાત બહાર આવેલી કે, પીયૂષ જૈન સમાજવાદી પાર્ટીના નેતા છે અને અખિલેશ યાદવના ખાસ છે. તેમણે સપાના નામે પરફ્યુમ પણ બહાર પાડેલું.
જો કે એ પીયૂષ જૈન બીજા હોવાનું બહાર આવ્યું હતું. એ પછી આ નાણાં ભાજપના કોઈ નેતાનાં હોવાનું બહાર આવેલું. ભાજપના નેતાનાં નામ હોવાની ખબર પડી પછી આખી વાતનો વીંટો વળી ગયેલો. આ કેસમાં આગળ શું થયું એ પછી એજન્સીઓએ કહ્યું નથી. રાત ગઈ, બાત ગઈ માનીને એજન્સીએ વાત ભૂલાવી દીધી અને લોકોએ પણ વાત ભૂલાવી દીધી.
ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે ૨૦૧૯માં મધ્ય પ્રદેશમાંથી ૧૪.૬૦ કરોડ રૂપિયાની રોકડ પકડી હતી. આ રોકડ કૉંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી કમલનાથની હોવાનો દાવો કરાયો હતો. આ સંદર્ભમાં કમલનાથના નજીકનાં બીજાં લોકોને ત્યાં પણ દરોડા પડ્યા હતા. એ વખતે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે દાવો કરેલો કે, ૨૦ કરોડ રૂપિયાની રોકડ રકમ દિલ્હી એક મોટી રાજકીય પાર્ટીના હેડક્વાર્ટર પર મોકલાઈ હતી.
આ તો થોડાંક ઉદાહરણ આપ્યાં પણ આવાં અનેક ઉદાહરણ મળી આવશે. વિરુપક્ષપ્પા કે પાર્થ ચેટરજી તો છીંડે ચડેલા ચોર છે, બાકી ભારતમાં મોટા ભાગના રાજકારણીઓ આ રીતે કરોડોમાં આળોટે છે ને તેમના ઘરે પાંચ-દસ કરોડ રૂપિયા રોકડા મળી આવે તેની નવાઈ જ નથી. સ્વાભાવિક રીતે જ આ કરોડો રૂપિયા ખેતરમાં કે મનરેગામાં કામ
કરીને તો નહીં જ કમાયા હોય. આ બધી હરામની કમાણી છે. પોતાના હોદ્દા અને સત્તાનો દુરપયોગ કરીને એકઠી કરેલી કમાણી છે.
કમનસીબે રાજકીય પક્ષોને કે લોકોને તેનાથી કોઈ ફરક પડતો નથી. વિરુપક્ષપ્પાને ત્યાંથી કરોડો મળ્યા હોવા છતાં એ હજુ ભાજપમાં જ છે. ભાજપ તેમની સામે પગલાં લે એવી તો અપેક્ષા જ નથી પણ તેમનો જવાબ સુધ્ધાં માગ્યો નથી. ઊલટાનુ કર્ણાટક વિધાનસભાની બે મહિના પછી યોજાનારી ચૂંટણીમાં ભાજપ વિરુપક્ષપ્પાને ટિકિટ પણ આપશે જ. પાર્થ ચેટરજીના કેસમાં પણ એવું જ થયેલું. મમતા બેનરજી પણ પાર્થ ચેટરજી સામે પગલાં ભરવા તૈયાર જ નહોતાં. પાર્થ ચેટરજી જેલમાં ગયા એ પછી પણ તેમને તૃણમૂલ કૉંગ્રેસમાંથી દૂર નહોતા કરાયા. બહુ હોહા થઈ ને તૃણમૂલમાં પાર્થના વિરોધીઓએ દેકારો કર્યો પછી મમતાએ પરાણે પાર્થ ચેટરજીને સસ્પેન્ડ કરવા પડેલા.
રાજકારણીઓ આ રીતે વર્તે તેની નવાઈ નથી કેમ કે તેમને સત્તા સિવાય કશામાં રસ નથી. સત્તા અપાવવામાં મદદરૂપ થાય એવા માણસનાં બધાં પાપ માફ હોય છે તેથી એ લોકો તો બળાત્કારીઓ અને ખૂનીઓને પણ પોષે છે. એ રીતે તેમની પાસેથી અપેક્ષા ના રખાય પણ વધારે આઘાતજનક વાત એ છે કે, લોકોને પણ આ પ્રકારના ભ્રષ્ટાચારીઓનો કોઈ છોછ નથી. વિરુપક્ષપ્પા આ કેસમાં આગોતરા જામીન લઈને બહાર આવ્યા પછી તેમને પોંખવા લોકોની ભીડ જામી હતી એ જોઈને જ લાગે કે, લોકોને કોઈ ફરક પડતો નથી. નેતાના ઘરેથી આઠ કરોડ પકડાય કે એંસી કરોડ પકડાય, લોકો તેને હીરો માનતા હોય તો આ નાણાં ક્યાંથી આવ્યાં એ સવાલ કરે એવી તો અપેક્ષા જ ના રખાય.
લોકોની આ માનસિકતા લોકશાહી માટે સારી નથી. લોકશાહીનાં મૂલ્યોનું આમ પણ પતન થયેલું જ છે ને આ જ માનસિકતા રહી તો ભ્રષ્ટ લોકો જ રાજકારણમાં હોય એવી હાલત થઈ જશે.