આજે સવારે સાત વાગ્યાથી કર્ણાટકમાં મતદાન શરૂ થઈ ગયું છે ત્યારે કર્ણાટકની ટોચની 10 સીટ વિશે પર બધાની નજર છે. જેમાંની એક છે શિગ્ગાંવ. કર્ણાટક વિધાસભાની ચૂંટણીની આ સૌથી હાઈ પ્રોફાઈલ સીટ હોવાનું માનવામાં આવે છે, કારણ કે અહીંથી મુખ્ય પ્રધાન બોમ્મઈ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે અને તેમની સામે કોંગ્રેસના યાસિર અહેમદ પઠાણને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે જેડીએસએ શશિધર ચન્નબસપ્પા યલીગરને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
બોમ્મઈ 2008થી અહીં અજેય છે. સતત 3 વાર તેઓ અહીંથી વિધાયક તરીકે ચૂંટાઈ આવ્યા છે.
આગળ વધીએ અને બીજી સીટ કનકપુરાની વાત કરીએ. અહીં હજુ સુધી ભાજપનું ખાતું ખુલ્યું નથી. કર્ણાટકના અધ્યક્ષ ડી કે શિવકુમાર અહીંથી મેદાનમાં ઉતર્યા છે અને ભાજપ તરફથી આર અશોક ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ત્રીજી સીટ ચન્નાપટ્ટન છે. જ્યાંથી જેડીએસના ચીફ એચડી કુમારસ્વામી પોતે ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે ભાજપના સીપી યોગેશ્વર અને કોંગ્રેસના ગંગાધર એસને અહીં ટિકિટ આપવામાં આવી છે. ચોથી સીટ છે વરૂણા. જ્યાંથી કોંગ્રેસના નેતા અને પૂર્વ સીએમ સિદ્ધારમૈયા ચૂંટણી લડી રહ્યા છે અને તેમને ટકકર આપી રહ્યા છે ભાજપના વી સોમન્ના.
પાંચમી બેઠકની વાત કરીએ તો એ છે હોલેનરસીપુર જે દેવગૌડા પરિવારનો ગઢ છે. અહીંથી જેડીએસના પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડાના મોટા પુત્ર એચડી રવન્ના ચૂંટણી લડી રહ્યા છે. ગયા વર્ષે પણ તેઓ આ બેઠક પરથી ચૂંટણી લડતા હતા અને જીત્યા હતા. તેમના સામે ભાજપના દેવરાજે ગૌડા અને કોંગ્રેસના શ્રેયસ એમ પટેલ ચૂંટણી લડી રહ્યા છે. છઠ્ઠી બેઠક સિરસી છે. જ્યાંથી ભાજપના નેતા અને કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ વિશ્વેશ્વર હેગડે કાગેરી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે અને તેમની સામે વિરુદ્ધ કોંગ્રેસના ભીમન્ના નાઈક લડી રહ્યા છે. કાગેરી અહીંથી હેટ્રિક લગાવી ચૂક્યા છે.
સાતમી સીટ હુબલી-ધારવાડ સેન્ટ્રલ છે, જ્યાંથી લિંગાયત નેતા જગદીશ શેટ્ટાર ભાજપ છોડીને કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. તેઓ અહીંથી છ વખત વિધાયક તરીકે ચૂંટાઈ આવ્યા છે. ભાજપે મહેશ તેંગિનાકોઈને ટિકિટ આપી છે. આઠમી સીટ શિકારપુર છે જ્યાંથી ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ સીએમ યેદિયુરપ્પાના પુત્ર બીવાય વિજયેન્દ્ર ભાજપના ઉમેદવાર છે. 1983થી આ બેઠક યેદિયુરપ્પાનો ગઢ માનવામાં આવે છે.
નવમી સીટ ચિત્તપુર છે. જ્યાંથી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના પુત્ર પ્રિયાંક ખડગે ચૂંટણી લડી રહ્યા છે. તેમના વિરુદ્ધ ભાજના મણિકાંતા રાઠોડ છે. આ સીટ 2018માં પ્રિયાંક ખડગેએ જીતી હતી. દસમી સીટ અથણી છે. જ્યાંથી પૂર્વ ડેપ્યુટી સીએમ લક્ષ્મણ સાવદી કોંગ્રેસના ઉમેદવાર છે. અત્રે જણાવવાનું કે લક્ષ્મણ સાવદી હાલમાં જ ભાજપ છોડીને કોંગ્રેસમાં સામેલ થયા હતા.તેમના વિરુદ્ધ ભાજપે મહેશ કુમાથલ્લી અને જેડીએસએ શશિકાંત પદસાલગીને સીટ આપી છે.