કર્ણાટકના પોલીસ મહાનિર્દેશક પ્રવીણ સૂદ સીબીઆઈ (સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન)ના આગામી ડિરેક્ટર બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ અને લોકસભામાં વિપક્ષ (કોંગ્રેસ)ના નેતા અધીર રંજન ચૌધરીની બનેલી ત્રણ સભ્યોની પેનલ દ્વારા શનિવારે તેમનું નામ ફાઈનલ કરવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશના DGP સુધીર સક્સેના પણ આ પદ માટેની રેસમાં હતા. જોકે, હવે પ્રવીણ સૂદનું નામ ફાઇનલ કરવામાં આવ્યું છે.
સૂદ કર્ણાટક કેડરના 1986-બેચના IPS અધિકારી છે. તેઓ ત્રણ વર્ષ પહેલા રાજ્યના ડીજીપી તરીકે નિયુક્ત થયા હતા. તેઓ હિમાચલ પ્રદેશના છે અને IIT-દિલ્હીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેઓ મે 2024માં નિવૃત્ત થવાના હતા, પરંતુ હવે તેમને બે વર્ષનો નિશ્ચિત કાર્યકાળ મળશે અને તેઓ ઓછામાં ઓછા મે 2025 સુધી પદ પર રહેશે. મહારાષ્ટ્ર કેડરના 1985-બેચના IPS અધિકારી અને હાલના સીબીઆઇ ડિરેક્ટરનો પદભાર સંભાળી રહેલા સુબોધ કુમાર જયસ્વાલનો બે વર્ષનો નિશ્ચિત કાર્યકાળ 25 મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.
રસપ્રદ વાત એ છે કે, આ બેઠક એવા દિવસે થઈ હતી જ્યારે કોંગ્રેસ પાર્ટીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જંગી જીત મેળવી હતી.માર્ચની શરૂઆતમાં, કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડીકે શિવકુમારે શ્રી સૂદ પર અસમર્થ હોવા માટે પ્રહારો કર્યા હતા અને તેમના પર કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સરકારના એજન્ટ હોવાનો આરોપ મૂક્યો હતો.