કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ સતીશ જરકીહોલીએ ‘હિંદુ’ શબ્દને લઈને આપેલા નિવેદન પર વિવાદ ઉભો થયો છે. સતીશ જરકીહોલીએ 6 નવેમ્બરના રોજ એક કાર્યક્રમ દરમિયાન દાવો કર્યો હતો કે ‘હિન્દુ’ શબ્દ ફારસી શબ્દ છે. પાર્ટીએ તેમના નિવેદનથી અંતર જાળવ્યું હતું તો ભાજપે કોંગ્રેસને ઘેરી હતી.
દરમિયાન સતીશ જરકીહોલી હજુ પણ પોતાના નિવેદન પર અડગ છે. તેણે આજે કહ્યું કે બધાને સાબિત કરવા દો કે હું ખોટો છું. જો હું ખોટો હોઉં તો હું વિધાનસભ્ય પદેથી રાજીનામું આપી દઈશ. મારા નિવેદન બદલ માફી નહીં માંગું.
સતીશ જરકીહોલીના નિવેદન અંગે કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈએ કહ્યું હતું કે તેઓ અધૂરા જ્ઞાન વડે એક સમુદાયના મતદારોને ખુશ કરવા માટે નિવેદનો આપે છે અને લઘુમતી વોટ મેળવવાના સપના જુએ છે. આ દેશ વિરોધી છે અને દરેકે તેની નિંદા કરવી જોઈએ. શું રાહુલ ગાંધી અને સિદ્ધારમૈયાનું મૌન સતીશના નિવેદનોને સમર્થન આપે છે?
કોંગ્રેસના કર્ણાટક યુનિટે સતીશ જરકીહોલીના નિવેદનથી અંતર જાળવ્યું છે. કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડીકે શિવકુમારે કહ્યું કે સતીશ જરકીહોલીનું નિવેદન તેમનો અંગત અભિપ્રાય છે કોંગ્રેસ પાર્ટીનો અભિપ્રાય નથી, અમે આ અંગે તેમની પાસેથી સ્પષ્ટતા માંગીશું. કોંગ્રેસ પાર્ટી તમામ ધર્મોનું સમર્થન કરે છે અને તેમના નિવેદન સાથે સહમત નથી.
સતીશ જરકીહોલીએ નિપ્પની વિસ્તારમાં ‘માનવ બંધુત્વ વેદિકે’ દ્વારા આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે અહીંના લોકો પર એક શબ્દ અને એક ધર્મ થોપવામાં આવી રહ્યો છે અને આ અંગે યોગ્ય ચર્ચા થવી જોઈએ. ‘હિન્દુ’ શબ્દ ક્યાંથી આવ્યો? શું આ આપણો શબ્દ છે? આ ફારસી છે. ઈરાન, ઈરાક, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાનમાંથી આવેલો છે. ભારતને આની સાથે શું લેવાદેવા છે? તો પછી હિન્દુ તમારો કેવી રીતે થયો? આ અંગે ચર્ચા થવી જોઈએ.