કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 135 બેઠકો જીતીને બહુમતી મેળવી છે, છતાં હજુ સુધી મુખ્યપ્રધાનના નામ પર મહોર લાગી શકી નથી. કોંગ્રેસ હાઈકમાન્ડ હાલમાં કર્ણાટક આગામી સીએમ કોણ હશે તે અંગે મંથન કરી રહ્યું છે.
કોંગ્રેસ માટે ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા વચ્ચે પસંદગી કરવી મુશ્કેલ બની રહી છે. સૂત્રોના જણવ્યા પ્રમાણે ડીકે શિવકુમાર પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળ્યા હતા. આ દરમિયાન, તેમણે આગામી સીએમ બનવાની ઇચ્છા વ્યક્ત કરતા કહ્યું કે તેમણે 2019 માં સરકારના પતન પછી રાજ્યમાં પાર્ટીને ફરીથી ઉભી કરવામાં મદદ કરી હતી.
સુત્રોના જણવ્યા પ્રમાણે શિવકુમારે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સાથેની મુલાકાત દરમિયાન કહ્યું કે સિદ્ધારમૈયાને પહેલા મુખ્યપ્રધાન બનવાની તક આપવામાં આવી છે અને હવે મને તક મળવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે જો તેમને સીએમના પદ માટે નકારી દેવામાં આવે તો તેઓ પાર્ટીમાં માત્ર વિધાનસભ્ય તરીકે કામ કરવાનું પસંદ કરશે.
શિવકુમારે એમ પણ કહ્યું કે સિદ્ધારમૈયાનો સીએમ તરીકેનો કાર્યકાળ “કુશાસન” હતું અને કર્ણાટકમાં એક મુખ્ય સમુદાય લિંગાયતો તેમની વિરુદ્ધ હતા.
પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે ગુપ્ત મતદાનના પરિણામની ચર્ચા કર્યા પછી કર્ણાટકના મુખ્ય પ્રધાન અંગે નિર્ણય લેશે. સોનિયા ગાંધી હાલ શિમલામાં છે.