કર્ણાટકના હસન ખાતે ઓનલાઈન વેબસાઈટ પરથી ઓર્ડર કરેલા આઈફોનના પૈસા નહીં ચૂકવી શકતાં યુવકે ડિલીવરી બોયની હત્યા કરી નાખી હતી. યુવકે મૃતદેહથી છુટકારો મેળવવા તેને બાળવા પહેલાં એક દિવસ સુધી તેને ઘરમાં સાચવી રાખ્યો હોવાની માહિતી પોલીસે આપી હતી.
કર્ણાટકના હસનના અરાસિકેરે ખાતે 7મી ફેબ્રુઆરીના આ ઘટના બની હતી અને આરોપીની ઓળખ હેમંથ દત્ત (20) તરીકે કરવામાં આવી હતી. હેમંથે ઓનલાઈન વેબસાઈટ પરથી આઈફોન ઓર્ડર કર્યો હતો અને તેની ડિલીવરી કરવા આવેલા ડિલીવરી બોય સાથે તેણે પહેલાં ઓળખાણ કરી હતી. આરોપીએ પીડિતને ઘરમાં બોલાવીને તેના પર ધારદાર છરીથી અનેક વખત હુમલો કર્યો હતો, જેને કારણે ડિલીવરી બોયનું મૃત્યુ થઈ ગયું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે ડિલીવરી બોય દત્તના ઘરે તેણે ઓર્ડર કરેલા સેકન્ડ હેન્ડ ફોનની ડિલીવરી કરવા આવ્યો હતો ત્યારે દત્તે તેને ઘરમાં બોલાવીને બેસાડ્યો હતો અને તે પૈસા લઈને આવી રહ્યો છે એવું જણાવ્યુ હતું. થોડીવાર રહીને દત્ત પૈસાને બદલે ધારદાર ચાકુ સાથે આવ્યો હતો અને તેણે ડિલીવરી બોય પર હુમલો કર્યો હતો.
આરોપીએ ડેડબોડીને બાળતા પહેલાં ત્રણ દિવસ સુધી સાચવી રાખી હતી. તેણે મૃતદેહને દૂર કોઈ જગ્યાએ બાળવાનું નક્કી કર્યું હતું અને એ માટે તેણે સ્કુટર પર મૃતદેહ ટુ-વ્હીલર પર લઈ આવ્યો હતો અને પેટ્રોલ છાંટીને બાળી નાખ્યો હતો. સીસીટીવીમાં દત્ત મૃતદેહ અને પેટ્રોલ સાથે જોવા મળ્યો હતો. હસન પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.