કર્ણાટકમાં 10 મેના રોજ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે એ પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જગદીશ શેટ્ટરે રવિવારે માટે ભારતીય જનતા પાર્ટી (BJP) માંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમને ટિકિટ ન મળવાને કારણે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. શેટ્ટરે કહ્યું કે તેઓ પાર્ટી અને વિધાનસભામાંથી રાજીનામું આપી દેશે. રાજ્યમાં કોંગ્રેસ જ્યારે સત્તામાં હતી ત્યારે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા રહેલા શેટ્ટરે એમ પણ કહ્યું હતું કે તેઓ ચોક્કસપણે આગામી વિધાનસભાની ચૂંટણી લડશે.
પાર્ટીમાં તેમના યોગદાન અને રાજ્યમાં મુખ્ય હોદ્દા પરની તેમની જવાબદારીઓને યાદ કરતાં શેટ્ટરે કહ્યું, “મારું જે રીતે અપમાન થયું તેનાથી હું પરેશાન છું. મેં ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. હું સિરસી જઈશ અને સ્પીકરને વિધાનસભામાંથી મારું રાજીનામું સુપરત કરીશ. આખરે એ પાર્ટીમાંથી હું રાજીનામું આપીશ જેને મેં રાજ્યમાં ઉભી કરેલી.”
તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેમની સામે સુનિયોજિત કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ પહેલા શનિવારે રાત્રે જ કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજ બોમાઈ, કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશી અને ધર્મેન્દ્ર પ્રધાન શેટ્ટરને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. ભારતીય જનતા પાર્ટી (BJP) એ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શેટ્ટર ને યુવાનો જગ્યા આપવા આગામી વિધાનસભાની ચૂંટણી ન લડવા માટે કહ્યું છે.
બેઠક પહેલા શેટ્ટરે મીડિયાને જણાવ્યું હતું કે તેમને તેમના પરિવારના કોઈપણ સભ્યને ચૂંટણી લડવાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે કહ્યું હતું કે તેઓ આ માટે સંમત નથી.