કર્ણાટકમાં 224 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે. ચૂંટણીમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ છે. મતગણતરી 13મી મેના રોજ થશે.
બહુમત સાથે BJPની સરકાર બનશે: CMનો હુંકાર
કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈએ મતદાન કર્યા બાદ પ્રસાર માધ્યમો સાથે વાત કરતા કહ્યું કે, મેં મતદાન કર્યું છે અને લોકશાહી પ્રત્યેની મારી ફરજ બજાવી છે. મારા મતવિસ્તારમાં મતદાન કરવું એ મારા માટે ખરેખર સૌભાગ્યની વાત છે. હું રેકોર્ડ માર્જિનથી જીતીશ. કર્ણાટકના લોકો સકારાત્મક વિકાસ માટે મત આપશે અને ભાજપને આરામદાયક બહુમતી મળશે
જ્યારે કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડીકે શિવકુમારે મંદિરમાં પૂજા કર્યા બાદ મીડિયા સાથે વાતચીત કરી હતી અને એ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ગયા વખતે પીએમ મોદીજીએ તમામ મતદારોને કહ્યું હતું કે મતદાન કરતા પહેલા તમે તમારો ગેસ સિલિન્ડર જુઓ, નમસ્કાર બોલો અને પછી જાઓ. આ વખતે હું એમ પણ કહીશ કે આપણા વડાપ્રધાનની વિનંતી અને સલાહ મુજબ ગેસ સિલિન્ડરની કિંમત જોઈને જ મત આપો. અત્રે ઉલ્લેખનીય છે કે ડીકે શિવકુમાર મતદાન કરતા પહેલા મંદિર પહોંચ્યા હતા.
કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ અને કનકપુરાથી પાર્ટીના ઉમેદવાર, ડીકે શિવકુમારે પોતાનો મત આપતા પહેલા કનકપુરા, રામનગરમાં શ્રી કેંકરમ્મા મંદિરમાં પ્રાર્થના કરી હતી. આ દરમિયાન તેમના ભાઈ અને પાર્ટીના સાંસદ ડીકે સુરેશ પણ તેમની સાથે હતા.
આ સિવાય કર્ણાટકના મંત્રી અને બીજેપી નેતા નારાયણ ગૌડાએ તેમના પરિવાર સાથે માંડ્યામાં મતદાન મથક પર મતદાન કર્યું. આ દરમિયાન તેમના કેટલાક સમર્થકો પણ જોવા મળ્યા હતા.
કર્ણાટક બીજેપીના અધ્યક્ષ નલિન કુમાર કાતિલ મેંગલુરુના એક મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપવા પહોંચ્યા હતા. જ્યાં તેણે પોતાના બાકીના સાથીઓ સાથે લાઈનમાં ઉભા રહીને પોતાનો મત આપ્યો હતો.