કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં તમામ પક્ષોએ ગુનાહિત રેકોર્ડ ધરાવનારા ઉમેદવારો ઊભા કર્યા છે. એક વિધાનસભ્ય પર તો બળાત્કારનો ગુનો દાખલ છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ના અહેવાલ મુજબ કોંગ્રેસના 31 ટકા, ભાજપના 30 ટકા અને જેડીએસના 25 ટકા ઉમેદવારો પર ગંભીર ગુના દાખલ થયા છે. ચૂંટણી આયોગ સામે રજૂ કરવામાં આવેલ પ્રતિજ્ઞાપત્રમાં આ માહીતી આપવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર 404 ઉમેદવારો પર પાંચ વર્ષ કે તેથી વધુની સજા થાય તેવા ગંભીર ગુનાના કેસ ચાલી રહ્યાં છે. 254 ઉમેદવારો પર 2018ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ગંભીર ગુના દાખલ હતાં. ત્યાર બાદ 2023 સુધી આમાં 6 ટકા જેટલો વધારો થયો છે.
404 ઉમેદવારોમાંથી 49 ઉમેદવારોએ મહિલાઓને સંલગ્ન ગુનાઓ ઘોષિત કર્યા છે. જેમાંથી એક ગુનો બળાત્કારથી સંબંધિત છે. 8 ઉમેદવારો પર હત્યાથી સંબંધિત ગુના નોંધાયેલા છે. 35 ઉમેદવારો પર હત્યાના પ્રયાસનો ગુનો દાખલ છે.
ગંભીર ગુના માટે કોના પર કેટલાં કેસ?
– કોંગ્રેસના 221 ઉમેદવારોમાંથી 61 ઉમેદવારો પર ગંભીર ગુનો
– ભાજપના 224 ઉમેદવારોમાંથી 66 ઉમેદવારો પર ગંભીર ગુનો
– જેડીએસના 208 ઉમેદવારોમાંથી 52 ઉમેદવારો પર ગંભીર ગુનો
– આમ આદમી પાર્ટીના 211 ઉમેદવારોમાંથી 30 ઉમેદવારો પર ગંભીર ગુનો.