ગુજરાતનો જલિયાંવાલા કાંડ -પ્રફુલ શાહ
(૨૫)
મોતીલાલ તેજાવતના જીવન અને એકી આંદોલનમાં નિર્ણાયક વળાંક લાવનારા, આદિવાસી-ભીલોના જીવનને આંચકો આપનારા તથા રાજસ્થાન, ગુજરાત અને ભારતના ઇતિહાસમાં એક કલંકરૂપ ઘટનામાં નિમિત્તરૂપ બન્યું મેવાડ ભીલ કોર્પસ.
આ કારણોસર મેવાડ કોર્પસની રચનાના મૂળમાં જરાક ડોકિયું કરી લઇએ. ખાનદેશમાં બ્રિટિશરોને કડવો બોધપાઠ મળ્યો કે ગમે તેટલી ઇચ્છા કે પ્રયાસો છતાં જંગલ, પર્વત અને ખીણોમાં વસનારા ભીલો પર બ્રિટિશ લશ્કરના જોરે અંકુશ મેળવવાનું શક્ય નથી. આ કારણોસર માહીકાંઠાના પોલિટિક્લ એજન્ટ કર્નલ જેમ્સ ઓટ્રમે ઇ.સ. ૧૮૩૭માં મેવાડ ભીલ કોર્પસ સ્થાપનાનો પ્રસ્તાવ મૂક્યો. અગાઉ ખાનદેશ ભીલ કોર્પસ માટે મંજૂરી મેળવવામાં તેઓ સફળ રહ્યાં હતા. આ વખતે ય ઉચ્ચસ્તરેથી લીલી ઝંડી બતાવાતા ઇ. સ. ૧૮૪૧માં મેવાડ ભીલ કોર્પસની રચના થઇ.
આની પાછળના કારણો અને ઇરાદા સમજવા જેવા છે. એક, ભીલોને કહી શકાય કે જુઓ અમને તમારી દરકાર છે એટલે અમે તમને નોકરી આપી. બે, કોર્પસમાં સ્થાનિક ભીલો હોય એટલે એમના સમાજ સામેના સંપર્કનો ખબરી તરીકે ઉપયોગ કરી શકાય. ત્રણ, સ્થાનિકો ભીલ પ્રદેશની ભૂગોળ, પરંપરા, આગેવાનો અને સમસ્યાઓથી પરિચિત હોય. ચાર, ભીલોને પોતાના આશ્રિત બનાવીને એડી હેઠળ રાખવા. પાંચ, જરૂર પડે તો ભીલ જ ભીલ સામે લડે. જે મરે
એ ફાયદો બ્રિટિશરોનો જ. આ ભૂંડો ખેલ જલિયાંવાલાબાગ નરસંહારમાં રમાયો હતો ને! બ્રિટિશર અફસરે આદેશ આપ્યા બાદ ગોળીઓ તો ભારતીયોએ જ વરસાવી હતી.
ભીલ આગેવાનોને મુખ્ય પ્રવાહમાં ભેળવી અર્થાત્ સરકાર તરફી બનાવવાની પણ આ એક કુટિલ ચાલ હતી. બ્રિટિશરોના ખાંધિયા બની ચુકયા હોવાથી કોઇ રજવાડા આના પ્રસ્તાવનો વિરોધ કરવાના નહોતા. મેવાડના શાસકે તો આ કોર્પસની રચનાનો પ્રસ્તાવ માની લીધો અને આનો જરૂરી ખર્ચ ઉપાડવાનો ય ઉમળકો બતાવ્યો. નક્કી એવું થયું કે દર વર્ષે પ્રતાપગઢ, બાંસવાડા અને ડુંગરપુર ૭૦-૭૦ હજાર રૂપિયા આપશે, તો ઉદયપુર રાજય રૂ. ૫૦ હજારનો ભાર વહન કરશે. અલબત્ત, રાજયો આ બધો ખર્ચ પ્રજાનું શોષણ કરીને જ ચુકવવાના હતા એ કહેવાની જરૂર નથી.
મેવાડ ભીલ કોર્પસ (એમ.બી.સી.) ની વડી કચેરી ઉદયપુર રાજ્યના ખૈરવાડામાં રખાઇ. પહેલા કેપ્ટન તરીકે ડબલ્યુ. હંટરને મુકાયા. આરંભે દશ બટાલિયન બનાવાઇ, જેમાંથી ત્રણને કોટ્રામાં રખાઇ હતી. સમયાંતરે કોર્પસની ક્ષમતા અને જરૂરિયાતો ઊભી થશે એવા સવાલો જાગવા માંડ્યા આથી ૧૮૬૧માં બટાલિયનની સંખ્યા દશમાંથી ઘટાડીને આઠ કરી નખાઇ. બધી સત્તા બ્રિટિશર ઑફિસર પાસે રહે પણ શાંતિ-વ્યવસ્થા જાળવવાની જવાબદારી ભીલ આગેવાનોને સોંપાઇ.
અહીં બ્રિટિશરોએ ભારત પર શક્ય એટલી સરળતાથી શાસન ચલાવવા માટે કરેલી વ્યવસ્થા પણ જાણવા જેવી છે. બ્રિટિશરોએ રાજપૂત રજવાડાઓના જૂથના વ્યવસ્થાપન માટે ‘રાજપૂતાના’ નામક વહીવટી એકમ બનાવ્યું હતું. રાજપૂતાના એજન્સી હેઠળ જેસલમેર, જોધપુર (મારવાડ), જયપુર, ભરતપુર, બિકાનેર, શેખાવતી, અલવર, પ્રતાપગઢ, ઝાલાવાડ, કોટા, બુંદી, કરૌલી, ધૌલપુર, ઉદયપુર (મેવાડ), સિરોહી, બાંસવાડા અને ડુંગરપુર બ્રિટિશરોએ રચેલા અજમેરા મારવાડ, કિશનગઢ અને ટોંક જેવા જિલ્લાનો તો સમાવેશ હતો જ, પરંતુ હાલના રાજસ્થાન ઉપરાંત ગુજરાત અને મધ્ય પ્રદેશના વિસ્તારોને પણ આવરી લેવાયા હતા.
આ રાજપૂતાનાના સિરોહી, ઉદયપુર, જોધપુર, બાંસવાડા, કોટા, ડુંગરપુર અને પ્રતાપગઢની ગણના ભીલ વિસ્તાર તરીકે થતી હતી. ઇતિહાસને થોડો વધુ ફંફોલીએ તો ખબર પડે કે નાંગલગઢને માંડ્યા ભીલ, ડુંગરપુરને રાજા ડુંગરિયા ભીલ, કોટાને કોટયા ભીલ અને બાંસવાડાને રાજા બાંસિયા ભીલે વસાવ્યા હતા, પરંતુ સમયાંતરે ભીલોના હાથમાંથી સત્તા આંચકીને તેમને દાસત્વની બેડીમાં જકડી લેવાયા હતા.
રાજપૂતો અને ભીલો વચ્ચે સંઘર્ષનો ઇતિહાસ પણ સમજવા જેવો છે. રાજપૂતાનામાં સમાવાયેેલા રજવાડીઓમાં રાજપૂતોના આગમન અગાઉ રાજસ્થાનમાં ઘણાં મોટા વિસ્તાર પર ભીલોનું શાસન હતું, પરંતુ સાતમીથી ચૌદમી સદી વચ્ચે રાજપૂતો રાજસ્થાને આવવાની શરૂઆત થઇ. અગિયારમી અને બારમી સદીમાં વધુ રાજપૂતો રાજસ્થાન આવવા માંડ્યા. કારણ કે મુસલમાનોએ સિંધમાં તેમનું જીવવાનું દુષ્કર બનાવી દીધું હતું. રાજપૂતો તોે ઘોડા પર આવ્યા અને સપાટ મેદાની પ્રદેશો પર કબજો જમાવીને ભીલોને તગેડવા માંડ્યા. જીવ બચાવવા માટે ભીલોએ જંગલો અને પર્વતોને વ્હાલા કર્યાં. કહેવાય તો ત્યાં સુધી છે કે ભીલો તો આર્યો અને દ્રાવિડો પહેલા રાજસ્થાનમાં આવ્યા હતા, પરંતુ સત્તા-સંઘર્ષમાં રાજપૂત હોય કે મોગલ, એમનો ભોગ લેવાતો જ રહ્યો. ભીલો પ્રત્યેની બર્બરતાના કિસ્સાઓથી ઇતિહાસ ગંધાય છે, પણ ઊંડાણમાં ઉતરવાનું અહીં ઉચિત નથી.
રાજપૂતાના ઉપરાંત માહીકાંઠા અને રેવાકાંઠા એજન્સીમાં ય ભીલોની સંખ્યા ઘણી મોટી હતી. પૂર્વ ગુજરાતની પોલિટિક્લ એજન્સી રેવાકાંઠા. રેવા (એટલે કે નર્મદા) નદીને કિનારે હોવાથી આ ક્ષેત્રને રેવાકાંઠા જેવું નામ મળ્યું પણ એનો વિસ્તાર મહી નદીના કાંઠા સુધી હતો. રેવાકાંઠા એજન્સીની સ્થાપના ઇ. સ. ૧૮૧૧માં થઇ હતી.
એ સમયે રેવાકાંઠા ૭.૩૩ લાખ લોકો વસતા હતા.
એની અંદર છ મોટા અને ૬૬ નાના રજવાડાઓનો સમાવેશ કરાયો હતો. આમાં સૌથી મોટું રજવાડું રાજપીપળાનું. નાના રજવાડાઓમાં નોંધપાત્ર નામમાં બાલાસિનોર, લુણાવાડા, બાટિયા, નાના ઉદયપુર, સુંથ, જમ્બુઘોડા, કદાના, સંજેલી, ભાદરવા, મેરવાસ, માંડવા વગેરે હતા.
હકીકતમાં રેવાકાંઠામાં અને માહીકાંઠાના વિસ્તારોમાં અગાઉ ભીલો અને કોળીઓનું રાજ હતું. સત્તા-સંઘર્ષનો ઇતિહાસ લોહિયાળ જ હોય એવું અહીં પણ થયું હતું. રેવાકાંઠાની રચના બાદ ઇ. સ. ૧૮૨૬ની છઠ્ઠી ફેબ્રુઆરીએ પ્રથમ પોલિટિક્લ એજન્ટ તરીકે મિસ્ટર વિલ્લબીની નિમણૂક થઇ હતી.
મહીકાંઠા અને રેવાકાંઠામાં રાજપૂતો, મોગલો અને મરાઠા બાદ દેશી રજવાડાઓની બ્રિટિશરો સાથેની મિલી-ભગતથી સતત થતા શોષણ, અત્યાચાર અને ગુલામી સામે લાંબા સમય બાદ જાગેલો બુલંદ અવાજ એટલે એકી આંદોલન અને એના પ્રણેતા એટલે મોતીલાલ તેજાવત. આ આંદોલનના પુરસ્કર્તા અને વિરોધીઓ વચ્ચેના સંઘર્ષનું પરિણામ એટલે માનવ-ઇતિહાસનું એક ઘૃણાસ્પદ કલંકિત પ્રકરણ.
(ક્રમશ:)