‘સેન્ડલવૂડ’ ફેમ એક્ટર અને ડિરેક્ટર ટપોરી સત્યાએ 45 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કિડની ફેલ થઈ જતાં તેઓ સારવાર લઈ રહ્યા હતા. ટપોરી સત્યાના નિધનથી તેમના પરિવાર અને મિત્રોને ઘેરો આઘાત લાગ્યો છે. અભિનેતા-દિગ્દર્શકના પરિવરમાં તેમની પત્ની, માતા અને ત્રણ પુત્રીઓનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કન્નડ એક્ટર ટપોરી સત્યાએ અત્યાર સુધીમાં 30થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. નંદા લવ નંદિતામાં તે એક એન્ટાગોનિસ્ટના રોલમાં રજૂ કરવામાં આવ્યો હતો. 2008માં રિલીઝ થયેલી આ ફિલ્મ સુપર હિટ સાબિત થઈ હતી અને આ ફિલ્મમાં નંદિતા અને યોગેશે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તે તેની મોટાભાગની ફિલ્મોમાં સહાયક ભૂમિકામાં જોવા મળ્યો હતો અને તેના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
સત્યાએ એક્ટિંગ સિવાય દિગ્દર્શનમાં પણ હાથ અજમાવ્યો હતો તેણે ‘મેલા’ નામની ફિલ્મ પણ ડિરેક્ટ કરી હતી. તે બીજી ફિલ્મનું દિગ્દર્શન કરવાની તૈયારી કરી રહ્યો હતો અને ઓડિશનની પણ તૈયારી કરવા લાગ્યો હતો. પરંતુ કમનસીબે તેમનું મૃત્યુ થયું હતું. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે તેમના નિવાસ સ્થાને બંસનમાં રાખવામાં આવશે.
તેના પરિવારમાં એકમાત્ર કમાવનાર વ્યક્તિ હતી. એક ટીવી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા દિવંગત એક્ટર સત્યાની માતા રૂકમ્માએ કહ્યું, ‘સત્યા છેલ્લાં એક અઠવાડિયાથી હોસ્પિટલમાં ICUમાં હતો અને તે હંમેશા ફિલ્મોને સમર્પિત હતો. સત્યાએ વચન આપ્યું હતું કે તે મારી અને પરિવારની સંભાળ રાખશે, તેના નિધનથી અમને આઘાત લાગ્યો છે. લોકો માની જ નથી શકતાં કે જે એક્ટર હંમેશા હસતો અને હસાવતો હતો તે હવે આ દુનિયામાં રહ્યો નથી. એટલું જ નહીં પણ ચાહકો અને તમામ સેલેબ્સ પણ સત્યાના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે.