હાલમાં ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે અને ભક્તો માતાજીના વિવિધ મંદિરોમાં દર્શન અને ભક્તિ કરીને માતાજીની કૃપા મેળવવાનો પ્રયાસ કરે છે. આજે આપણે અહીં એક એવા અનોખા મંદિર વિશે વાત કરીશું કે જ્યાં ખુદ જંગલના રાજા માતાજીના દર્શન કરવા આવે છે… આ મંદિર વિશે જાણવા આપણે પહોચી જવું પડશે ગર્વિલા ગુજરાત ખાતે. ગુજરાતમાં આમ તો અનેક અનોખા મંદિર આવેલા છે, જ્યાં ચૈત્રી નવરાત્રિએ બારેમાસ ભીડ રહેતી હોય છે. પણ આપણે જે મંદિરની વાત કરીશું એ છે ગીર જંગલની વચ્ચોવચ આવેલું કનકાઈ માતાનું મંદિર. આ મંદિર શક્તિની આરાધનાનું કેન્દ્ર છે, શક્તિપૂજાનું અનોખું સ્થળ છે. જ્યાં ચારેબાજુ હરિયાળી છવાયેલી છે. આ મંદિર કદાચ ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં પરમિશન લઈને ભક્તોને દર્શન કરવા જવા મળે છે. જામવાળા ચેકપોષ્ટ, અમરેલીથી આવતા સાપનેસ ચેકપોષ્ટ અને વિસાવદરથી આવતા મેલડીઆઈ ચેકપોષ્ટ પરથી વન વિભાગની પરમીટ મેળવી જંગલનો રસ્તો કાપી આવી શકાય છે. જોકે, આ મંદિરની અન્ય ખાસિયત એ પણ છે કે અહીં બારેમાસ સિંહો આવતા હોય છે, તેથી જો તમને અહી દર્શને આવતા સિંહો દેખાઈ જાય તો નવાઈ નહિ.
કનકાઈ માતાનું મંદિર જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં ગીર જંગલની વચ્ચોવચ આવેલું છે. આ મંદિર જંગલની વચ્ચોવચ આવેલું હોવાથી અહી તમને હિંસક પ્રાણીઓ આરામથી ફરવા જોવા મળી શકે છે. આ મંદિરનો ઈતિહાસ ખૂબ જ સમૃદ્ધ અને જાજરમાન છે. એવું કહેવાય છે કે આ આખું નગર સોનાની હતી. ઈસુની આઠમી સદીમાં થયેલા વનરાજ ચાવડાનાં પરિવારમાં કનક ચાવડા નામના એક રાજા થઇ ગયા. તેમણે ક્નકાઈ (કનકાવટી) નગરીની સ્થાપના કરી હતી અને મા કનકાઈને આ નગરીનાં અધિષ્ઠાત્રી દેવી તરીકે સ્થાપ્યા હતાં. અહીં એટલુ બધું સોનું હતું કે તેનો ઈતિહાસમા ઉલ્લેખ કરાયેલો છે. આ નગરીમાં ક્યારેય દુકાળ નથી પડ્યો.
નવરાત્રિના દિવસોમાં આ મંદિરનું અનેરું મહત્વ હોય છે. કનકાઈ મંદીરનો સૌપ્રથમ જીર્ણોધાર સંવત 1864માં કરવામાં આવ્યો હતો. આ જીર્ણોધાર કોણે કરાવ્યો તેની ખાસ કોઈ માહિતી ઉપલબ્ધ નથી.
કેવી રીતે પહોંચશો?
આ મંદિર તુલસીશ્યામથી 22 કિમી દૂર જંગલમાં આવેલું છે. કનકાઈ સાસણથી 24, વિસાવદરથી 32,જામવાળાથી 27, ઉનાથી 72 અને અમરેલીથી 75 કિલોમીટર દુર મધ્ય ગીરમાં આવેલુ છે. નજીકનું રેલવે સ્ટેશન સોમનાથ અને એરપોર્ટ દિવનું છે. વરસાદની ઋતુમાં અહીં વાહન વ્યવહાર ઓલમોસ્ટ બંધ હોય છે. તેમજ આ સ્થળે જવા માટે દિવસ દરમિયાન જવુ પડે છે. કારણ કે જંગલ ખાતાની ચેક પોસ્ટથી સાંજનાં 5 વાગ્યા પછી અવર જવરની મનાઈ હોય છે ગીરનું આ જંગલ એશિયાટિક સિંહોનું રહેઠાણ છે.