દેશને હચમચાવી દેનારી દિલ્હીના સુલતાનપુરીના કંઝાવલામાં બેનેલી ઘટનામાં જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ તેમ રોજેરોજ કોઈને કોઈ નવા ખુલાસા થઈ રહ્યા છે. તપાસમાં વધુ એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે, ઘટનાના દિવસથી લઈને ગઈકાલ 5 જાન્યુઆરી સુધી પોલીસ કહેતી હતી કે કારમાં પાંચ લોકો હતા, ત્યારે હવે તપાસ દરમિયાન કારમાં માત્ર ચાર જ લોકો હોવાનું સામે આવ્યું છે. કાય ચાલક અમિત પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ ન હોવાથી આરોપી દિપક ગાડી ચલાવી રહ્યો હોવાનું જુઠાણું ચલાવી રહ્યા હતા.
કેસની પ્રાથમિક તપાસમાં જે પાંચ લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા તેઓ પોલીસને અલગ અલગ નિવેદન આપી રહ્યા હતા. જેને કારણે પોલીસને શંકા પડી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે ઘટનાની રાત્રે કારમાં માત્ર ચાર લોકો જ હતા. તાજેતરમાં મળેલા CCTV ફૂટેજ પરથી પણ આ વાત સ્પષ્ટ થઈ ગઈ છે. દિપક જે ગાડી ચલાવી રહ્યો હોવાનું કહેવામાં આવતું હતું એ ઘટનાની રાતે તેના ઘરે હતો, તેને પછીથી બોલાવવામાં આવ્યો હતો.
પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા કહ્યું કે, ઘટનાની રાત્રે દીપક નહીં પણ અમિત કાર ચલાવતો હતો. અમિત પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન હતું. અમિતે જ્યારે આખી ઘટના તેના ભાઈ અંકુશને જણાવી ત્યારે તેણે દીપકને ફોન કરી ઘરેથી બોલાવ્યો હતો. અને દિપક ગાડી ચલાવતો હોવાનું કહેવાનું નક્કી થયું હતું.
કારના માલિક આશુતોષે પણ પોલીસને પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું કે દીપકે તેની પાસેથી કાર લીધી હતી, જ્યારે સત્ય એ છે કે અમિત તેની પાસેથી કાર લઇ ગયો હતો. પોલીસને ગુમરાહ કરવા બદલ કારના માલિક આશુતોષને છઠ્ઠો આરોપી બનાવવામાં આવ્યો છે. દરમિયાનમાં મળતી માહિતી મુજબ પોલીસે આશુતોષની પણ ધરપકડ કરી છે.