નવી દિલ્હીઃ કંજાવાલા કેસમાં અત્યાર સુધી પોલીસ તપાસ સતત સવાલોના ઘેરામાં રહી છે. એક તરફ જ્યાં આ ઘટનામાં પોલીસ પર શરુઆતથી જ લાપરવાહી દેખાડવામાં આવી હોવાનો આક્ષેપ મૂકવામાં આવી રહ્યો છે ત્યાં ઘટના વિશેની થિયોરી પર પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. ઘટનાના 100 કલાક બાદ પણ આ કેસની ગૂંચવણ ઉકેલાવવાને બદલે વધુને વધુ ગુંચવાઈ રહી છે. પોલીસ આ કેસમાં અલગ અલગ એંગલથી તપાસ કરી રહી છે અને આ કેસમાં રોજ નવા નવા ફણગા ફૂટી રહ્યા છે. આ નવા નવા ફણગા જ કેસને વધુ ગુંચવી રહ્યા છે.
આવો જોઈએ શું છે આખો ઘટનાક્રમઃ
પહેલી જાન્યુઆરીઃ પોલીસને અંજલિનો મૃતદેહ મળ્યો અને પોલીસે એક્સિડન્સનો ગુનો નોંધીને પાંચ આરોપીની ધરપકડ કરી હતી.
બીજી જાન્યુઆરીઃ એક્સિડન્ટની થિયોરી પર ઉઠ્યા સવાલો, પોલીસે ઈરાદા વગર કરાયેલી હત્યાની ધારા હેઠળ નોંધ્યો ગુનો.
ત્રીજી જાન્યુઆરીઃ એક્સિડન્ટના કેસમાં નવા વ્યક્તિની એન્ટ્રી અને આ વ્યક્તિ અંજલિની બહેનપણી નીધિ હતી. જે ઘટના સમયે તેની સાથે જ હતી. નીધિએ અંજલિ નશામાં હોવાની વાતનો ખુલાસો કર્યો.
ચોથી જાન્યુઆરીઃ પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં ક્યાંય આલ્કોહોલનો ઉલ્લેખ નથી. નીધિના ઘરે પહોંચવાના સમય પર ઉઠાવ્યા સવાલો. અંજલિના પરિવારે નીધિના દાવાઓને ગણાવ્યા ખોટા અને પાયાવિહોણા. અંજલિની મમ્મીએ કહ્યું કે તેમની દીકરી ક્યારેય દારુ નહોતી પીતી અને અમે લોકોએ ક્યારેય આ નીધિને જોઈ નથી.