૧૭ વર્ષની કારકિર્દીમાં અફલાતૂન અભિનયનાં અજવાળાં પાથરનાર ‘ક્વીન’ની રાની બેફામ અને બાલિશ નિવેદન કરવા માટે જાણીતી છે. જોકે, તાજેતરમાં તેણે જાવેદ અખ્તરની પ્રશંસા કરતાં અનેક આંખો પહોળી થઈ છે
કવર સ્ટોરી -હેન્રી શાસ્ત્રી
ચાર નેશનલ ઍવોર્ડ, પાંચ ફિલ્મફેર ઍવોર્ડ, ભારત સરકાર દ્વારા પદ્મશ્રીનું સન્માન ૧૭ વર્ષની નાનકડી કારકિર્દીમાં મેળવનાર કંગના રનૌટ અફલાતૂન અભિનેત્રી છે એ વિશે એના દુશ્મનોના મનમાં પણ શંકા નહીં હોય. થ્રિલર હોય, બાયોપિક હોય, કોમેડી હોય કે બીજો કોઈ પણ પ્રકાર હોય, કંગનાનો અભિનય જોઈ દર્શકો તાળી પાડ્યા સિવાય નથી રહી શકતા એ હકીકત છે. ઈન્ડસ્ટ્રીમાં કોઈ કનેક્શન ન હોવા છતાં માત્ર અને માત્ર ટેલન્ટના જોરે અલાયદું આસન બનાવવામાં સફળ રહેલી કંગના બેફામ-બાલિશ લાગે એવી વાતો કરવા માટે પણ ‘નામચીન’ છે. એની તોપ કરણ જોહરથી માંડી અમિતાભ બચ્ચન સામે તાકવામાં આવે છે, ક્યારે કોની સામે ગોળો છૂટશે એ સમજવું મુશ્કેલ જ નહીં નામુમકીન છે. જોકે, તાજેતરમાં કંગનાએ ‘દુશ્મન’ જાવેદ અખ્તરની પ્રશંસા કરતા અનેક આંખોને પહોળી થવા માટે જગ્યા ઓછી પડી છે અને ‘યે ક્યા હો રહા હૈ?’ જેવી પ્રતિક્રિયા પણ કાનોકાન સાંભળવા મળી હોય તો નવાઈ નહીં. જોકે, વાત વિગતે જાણી એનો સંદર્ભ તપાસ્યા પછી આશ્ર્ચર્યની ભરતીનું ઓટમાં રૂપાંતર થઈ જાય છે.
કંગના સોશિયલ મીડિયા પર જાતજાતની વાતો – પ્રતિક્રિયા ઠાલવતી રહેતી હોય છે. ક્યારેક એવું લાગે કે ફિલ્મોમાં અભિનય સિવાય આ અભિનેત્રીની એકમાત્ર પ્રવૃત્તિ નવા નવા મુદ્દા શોધી સોશિયલ મીડિયા પર પ્રવૃત્ત રહેવાની હોવી જોઈએ. વાતમાં અતિશયોક્તિ છે, પણ આવી કલ્પના થવા માટે કંગના જ જવાબદાર છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર જાવેદ અખ્તર પર પ્રશંસાના પુલ બાંધતા અને ફૂલ વરસાવતા કંગનાએ લખ્યું હતું કે ‘જ્યારે હું જાવેદ સા’બની શાયરી સાંભળતી ત્યારે મને વિચાર આવી જતો કે મા સરસ્વતીજીની એમના પર આટલી કૃપા કેમ છે? પણ જુઓ, ઈન્સાનમાં થોડી સચ્ચાઈ પણ હોય ત્યારે જ ઈશ્ર્વરની એમના પર આટલી કૃપા હોય. જય હિન્દ.’
જાવેદ અખ્તર અને કંગના રનૌટ વચ્ચેના સંબંધોમાં કેવી અને કેટલી કડવાશ છે એ જગજાહેર છે. ગયા વર્ષે માર્ચ મહિનામાં એક ટીવી ઈન્ટરવ્યૂમાં કંગનાએ જાવેદ સા’બની બદનામી કરતા નિવેદનો કર્યા જેને પગલે ભડકી ગયેલા જાવેદ અખ્તરે અદાલતમાં કંગના વિરુદ્ધ બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો. એક વર્ષમાં બન્ને પક્ષ લડી લેવા મક્કમ દેખાયા છે અને મચક આપવા તૈયાર નથી. તો પછી મોટેભાગે ધતુરાના બી લઈને ફરતી કંગનાએ અચાનક કેમ ગુલાબનું ફૂલ દેખાડ્યું એ સવાલ મૂંઝવી દેનારો છે, પણ સમગ્ર વિગત જાણ્યા પછી એનું કોઈ આશ્ર્ચર્ય નથી થતું. બન્યું છે એવું કે કવિ-ગીતકાર અને હિન્દી ફિલ્મોના પ્રખ્યાત કથા-પટકથા-સંવાદ લેખક જાવેદ અખ્તર ઉર્દૂ ભાષાના બેહતરીન કવિ ફૈઝ અહમદ ફૈઝની સ્મૃતિમાં આયોજિત એક કાર્યક્રમમાં સહભાગી થવા પાકિસ્તાન ગયા હતા. એ કાર્યક્રમમાં જાવેદ સા’બે જે વાતો કરી એમાં એક મુદ્દો આતંકવાદીઓના સંદર્ભમાં પણ હતો. તેમણે કહ્યું હતું કે ‘૨૬/૧૧ના મુંબઈ આતંકવાદી હુમલાના ગુનેગાર નોર્વે કે ઇજિપ્તથી નહોતા આવ્યા. આજે પણ એ ગુનેગારો પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે.’ વાત કોઈ નવી નથી, પણ જાવેદ અખ્તરે પાકિસ્તાનમાં જઈ એમના લોકો વચ્ચે આ વાત જાહેર મંચ પરથી કરી એ જાણી કંગના રાજી રાજી થઈ ગઈ અને ‘જાવેદ સા’બને ઘર મેં ઘુસકર મારા હૈ’ એવી પ્રતિક્રિયા પણ આપી. વાત જ એવી જોરદાર છે કે તોપ તાકવા માટે જાણીતી કંગનાએ ફૂલ વેર્યા છે. જોકે, જાવેદ અખ્તર કંગનાની પ્રશંસાથી રાજીના રેડ નથી થયા અને એમને ઓળખનારને આ વાત સમજાવવી ન પડે. કંગનાએ કરેલી તારીફ વિશે જાવેદ અખ્તરની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ થયો ત્યારે તેઓ એને ઝાઝું મહત્ત્વ નહીં આપે એવી માન્યતા હતી અને થયું પણ એવું જ. જાવેદ સા’બે પહેલા તો એ સવાલની જ અવગણના કરી પણ ઇન્ટરવ્યૂ લેનારે પ્રતિક્રિયા જાણવાનો આગ્રહ રાખતા તેમણે એટલું જ કહ્યું કે ‘હું કંગનાને મહત્ત્વ નથી આપતો એટલે એની પ્રતિક્રિયા મહત્ત્વની હોવાનો સવાલ જ ઊભો નથી થતો. એની વાત ભૂલી જાઓ, આગળ વધો.’ કંગના આ પ્રતિક્રિયાને તડકે મૂકી દે છે કે તીખી વાત કરી વિવાદ છંછેડે છે એ આગામી દિવસોમાં સ્પષ્ટ થઈ જશે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીની મસાલેદાર વાતો ચાલ્યા કરવાની, પણ કંગના મનોવિજ્ઞાનિક માટે અભ્યાસનું એક ઉત્તમ મોડલ સાબિત થઈ શકે છે એટલું તો જરૂર કહી શકાય. અભિનયના એવરેસ્ટ પર બિરાજતી અભિનેત્રી બેફામ નિવેદનો વારંવાર કેમ કરે છે એ મનોવૈજ્ઞાનિક સંશોધનનો વિષય જરૂર છે.
જાવેદ અખ્તર સિવાય કંગનાની તોપમાંથી અગનગોળા આલિયા ભટ્ટ-રણબીર કપૂરથી માંડી અમિતાભ બચ્ચન સામે પણ તાજેતરમાં છોડવામાં આવ્યા છે. ૨૦૨૩ના દાદાસાહેબ ફાળકે ઍવોર્ડ માટે આલિયા ભટ્ટ (ગંગુબાઈ કાઠિયાવાડી) અને રણબીર કપૂર (બ્રહ્માસ્ત્ર)ની પસંદગી થઈ એનાથી અકળાયેલી કંગનાએ ૨૦૨૨માં ચમકેલા બોલિવૂડ
સિતારાઓની યાદી બહાર પાડી આલિયા અને રણબીર કરતા એ લોકો ઍવોર્ડ માટે વધુ હકદાર હોવાનું જણાવ્યું હતું. એની યાદીમાં અનુપમ ખેર, તબુ, એસ. એસ. રાજામૌલી, રિષભ શેટ્ટી, મૃણાલ ઠાકુર વગેરેના નામ છે.
અમિતાભ બચ્ચન અને ટાઇગર શ્રોફ કેમ કંગનાની રડારમાં આવી ગયા એની વિમાસણ અનેક લોકોને થઈ હશે. વાત એમ છે કે કંગનાએ દિગ્દર્શિત કરેલી અને લીડ રોલવાળી ‘ઈમરજન્સી’ ૨૦ ઓક્ટોબરે રિલીઝ કરવાનું નક્કી કર્યું છે. જોકે, ટી-સિરીઝના ભૂષણ કુમારે એ જ દિવસે ‘યારિયાં-૨’ તથા અમિતાભ બચ્ચન અને ટાઈગર શ્રોફની ‘ગણપત’ રિલીઝ થવાની જાહેરાત થઈ એટલે કંગનાને અકળામણ થઈ છે. તેણે જણાવ્યું કે ‘મારી ફિલ્મ ‘ઈમરજન્સી’ રિલીઝ કરવા માટે હું કેલેન્ડર તપાસી રહી હતી ત્યારે મારા ધ્યાનમાં આવ્યું કે ઓક્ટોબર મહિનો ખાલી છે અને એટલે મેં ૨૦ ઓક્ટોબરે મારી ફિલ્મ રિલીઝ કરવાની જાહેરાત કરી. જોકે, આજે (૨૨ ફેબ્રુઆરીએ) અમિતાભ બચ્ચન અને ટાઇગર શ્રોફે તેમનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ વીસ ઓક્ટોબરે જ રિલીઝ કરવાની ઘોષણા કરી છે. ‘હા હા લગતા હૈ પેનિક મીટિંગ હો રહી હૈ બોલિવૂડ માફિયા ગેંગ મેં.’ ફિલ્મ રિલીઝ કરવાની તારીખ નિર્માતા નક્કી કરતા હોય છે. અમિતાભ કે ટાઇગરને એની સાથે કોઈ લેવાદેવા ન હોય એ શું કંગના નહીં જાણતી હોય? વળી ભૂતકાળમાં બે મોટા પ્રોજેક્ટની ટક્કર એક જ દિવસે થઈ હોય એવા અનેક દાખલા છે. એ સમયે કોઈએ કંગના જેવો તર્ક નથી વાપર્યો. સપ્ટેમ્બર, નવેમ્બર અને ડિસેમ્બર ખાલી હોવા છતાં નિર્માતાએ ઓક્ટોબર કેમ પસંદ કર્યો એવી કંગનાની દલીલ પણ દમ વગરની છે. આ સિવાય ભૂતકાળમાં કરણ જોહર સહિત અન્ય સેલિબ્રિટીઓએ પણ કંગનાના અગનગોળાઓનો સામનો કર્યો છે.