ફિલ્મનો વિરોધ કરનારાઓને કહ્યા ‘આતંકવાદી’
સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત અદા શર્મા સ્ટારર ‘The Kerala Story’ વિવાદોમાં હોવા છતાં દર્શકોની વાહ વાહ લૂટી રહી છે. ફિલ્મને દર્શકોનો જબરદસ્ત સપોર્ટ મળી રહ્યો છે. આ દરમિયાન બોલિવૂડની સ્પષ્ટવક્તા અભિનેત્રી કંગના રનૌત પણ ફિલ્મના સમર્થનમાં સામે આવી છે. કંગના રનૌતે એક ઈવેન્ટ દરમિયાન ‘ધ કેરળ સ્ટોરી’ના વિવાદ વિશે કહ્યું હતું કે, ‘મેં આ ફિલ્મ જોઈ નથી, પરંતુ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાના ઘણા પ્રયાસો કરવામાં આવ્યા છે. હાઈકોર્ટે કહ્યું છે કે ફિલ્મ પર પ્રતિબંધ મૂકી શકાય નહીં. મને લાગે છે કે આ મૂવીમાં ISIS સિવાય કોઈને ખરાબ પ્રકાશમાં બતાવવામાં આવ્યા નથી. ISISએક આતંકવાદી સંગઠન છે. એવું નથી કે હું તેમને આતંકવાદી કહું છું. આપણા દેશ, ગૃહ મંત્રાલય અને અન્ય દેશોએ તેમને આતંકવાદી કહ્યા છે.
કંગનાએ આગળ કહ્યું હતું કે, ‘જો તમને લાગે છે કે તે આતંકવાદી સંગઠન નથી, તો સ્વાભાવિક છે કે તમે પણ આતંકવાદી છો. હું એવા લોકો વિશે વાત કરી રહી છું જેઓ વિચારે છે કે આ ફિલ્મમાં ISIS પર નહીં, તેમના પર હુમલો કરવામાં આવ્યો છે. જો તમને લાગે છે કે ફિલ્મમાં તમારા પર હુમલો કરવામાં આવ્યો છે, તો તમે આતંકવાદી છો.
The Kerala Story પર વિવાદઃ
The Kerala Storyનું ટીઝર અને ટ્રેલર રિલીઝ થયા બાદ વિવાદ શરૂ થયો છે, જેમાં દર્શાવવામાં આવ્યું છે કે કેરળમાંથી 32,000 મહિલાઓ ગુમ થઈ ગઈ અને પછી ISISમાં જોડાઈ ગઇ. ટીઝર અને ટ્રેલર રિલીઝ થયા બાદ ફિલ્મની રિલીઝને રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જોકે, કોર્ટે અરજીઓ ફગાવી દીધી હતી. આ ફિલ્મ લવ જેહાદનું આંતરરાષ્ટ્રીય અને ખતરનાક કટ્ટરપંથી મોડ્યુલ દર્શાવે છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે કેટલાક કટ્ટરપંથી લોકો બિન-મુસ્લિમ છોકરીઓનું બ્રેઈનવોશ કરે છે, તેમનું ધર્માંતરણ કરે છે, તેમને પ્રેમમાં ફસાવે છે અને સેક્સ્લેવ બનાવી આતંકવાદી કેમ્પમાં મોકલે છે.
કેરળની ઘણી છોકરીઓની આ કથની છે. મેકર્સનો દાવો છે કે ફિલ્મમાં ત્રણ છોકરીઓની સાચી વાર્તા પણ બતાવવામાં આવી છે. જોકે, ફિલ્મનો વિરોધ કરી રહેલા લોકો નિર્માતાઓના દાવા અને ફિલ્મમાં રજૂ કરાયેલા ડેટાને નકારી રહ્યા છે અને એને પ્રોપેગેન્ડા કહી રહ્યા છે. ભારે વિરોધ છતાં આ ફિલ્મ પાંચમી મેના રોજ રિલીઝ થઈ હતી. ફિલ્મે બે દિવસમાં જબરદસ્ત કમાણી કરી છે. રિપોર્ટ્સ અનુસાર ફિલ્મે કુલ 20.53 કરોડની કમાણી કરી છે. વીકેન્ડમાં ફિલ્મના કલેક્શનમાં ઉછાળો જોવા મળી શકે છે.