Homeઉત્સવકમલા હેરિસની માતા શ્યામલા ગોપાલન: દીકરીને અમેરિકાનાં ઉપપ્રમુખપદ સુધી પહોંચાડવામાં ફાળો...

કમલા હેરિસની માતા શ્યામલા ગોપાલન: દીકરીને અમેરિકાનાં ઉપપ્રમુખપદ સુધી પહોંચાડવામાં ફાળો આપનાર માતા

– આશુ પટેલ

‘મુંબઈ સમાચાર’ના માતા વિશેના વિશેષાંકમાં અમેરિકાનાં ઉપપ્રમુખ કમલા હેરિસનાં માતા શ્યામલા ગોપાલન વિષે લખવાનું અસસાઈન્મેન્ટ મને અપાયું ત્યારે મને આનંદ થયો. કેમ કે મોટે ભાગે સફળ વ્યક્તિઓનાં જ ગુણગાન ગવાતાં હોય છે, પણ મોટા ભાગના કિસ્સાઓમાં કોઈ વ્યક્તિ આગળ વધે ત્યારે તેની સફળતા પાછળ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેની માતાનો સિંહફાળો હોય છે. એ જ રીતે કમલા હેરિસ અમેરિકાના ઉપપ્રમુખ બન્યાં, પણ તેમને ત્યાં સુધી પહોંચાડવા પાછળ તેમની માતા ડૉક્ટર ગોપાલન શ્યામલાનો બહુ મોટો ફાળો રહ્યો છે (તેઓ જી. શ્યામલા તથા શ્યામલા ગોપાલન હેરિસ તરીકે પણ ઓળખાતાં હતાં). તેમના અનોખા જીવન વિશે જાણવા જેવું છે.
શ્યામલા એપ્રિલ ૭, ૧૯૩૮ના દિવસે તામિલનાડુના (બ્રિટિશ શાસન હેઠળના હિન્દુસ્તાનના મદ્રાસ પ્રોવિન્સમાં) ચેન્નાઈમાં રાજમ અને પી.વી. ગોપાલનને ત્યાં જન્મ્યાં હતાં. શ્યામલાએ દિલ્હી યુનિવર્સિટીની લેડી ઈર્વિન કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. એ પછી ૧૯ વર્ષની ઉંમરે તેઓ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા જતાં રહ્યાં હતાં.
અમેરિકા ગયા પછી તેમણે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા બર્કલીમાં ન્યુટ્રિશન અને એન્ડોક્રિનોનોલોજીમાં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી હતી. ૨૫ વર્ષની ઉંમરે ડૉક્ટરેટની ડિગ્રી મેળવ્યા પછી શ્યામલા યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલીના ડિપાર્ટમેન્ટ ઓફ ઝૂલોજી અને કેન્સર રિસર્ચ લેબમાં સંશોધક તરીકે જોડાયાં હતાં. એ પછી તેમણે યુનિવર્સિટી ઓફ ઈલિનોઈ અને યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિનમાં બ્રેસ્ટ રિસર્ચર તરીકે કામ કર્યું હતું. ત્યારબાદ તેમણે ૧૬ વર્ષ સુધી લેડી ડેવિસ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ રિસર્ચ અને મેકગિલ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ મેડિસનમાં કામ કર્યું હતું. તેમણે પ્રેસિડેન્ટસ સ્પેશિયલ કમિશન ઓન બ્રેસ્ટ કેન્સર માટે પણ સેવા આપી હતી. તેમના સંશોધનના છેલ્લા દાયકા દરમિયાન શ્યામલાએ લોરેન્સ બર્કલી નેશનલ લેબોરેટરી સાથે કામ કર્યું હતું.
શ્યામલાએ બ્રેસ્ટ કેન્સરની સારવારમાં ઉપયોગી થાય એવું ઘણું સંશોધન કર્યું હતું. શ્યામલા જમૈકાના વતની અને અમેરિકામાં વસેલા, સ્ટેનફર્ડ યુનિવર્સિટીના ઇકોનોમિક્સના પ્રોફેસર, ડોનાલ્ડ હેરિસના પ્રેમમાં પડ્યાં હતાં. શ્યામલા સિવિલ રાઇટ્સ મૂવમેન્ટમાં સક્રિય હતાં એને કારણે તેમની મુલાકાત ડોનાલ્ડ હેરિસ સાથે થઈ હતી. તે બંને એકબીજાંથી ખૂબ પ્રભાવિત થયાં હતાં. તે બંને પ્રેમમાં પડ્યાં અને પછી પરણી ગયાં હતાં.
શ્યામલાએ જમૈકન મૂળના પ્રોફેસર સાથે લગ્ન કરી લીધાં એથી તેમનાં માતાને દુ:ખ પહોંચ્યું હતું, પરંતુ શ્યામલાના પિતા પી.વી. ગોપાલને દીકરીના આંતરરાષ્ટ્રીય લગ્નનો સ્વીકાર કરી લીધો હતો. શ્યામલા અને ડોનાલ્ડ હેરિસના લગ્નજીવન દરમિયાન શ્યામલાએ બે દીકરીઓને જન્મ આપ્યો હતો.
શ્યામલાના પતિ ડોનાલ્ડ હેરિસ દીકરીઓના નામ જમૈકન રાખવા માગતા હતા, પરંતુ શ્યામલાએ એ મુદ્દે પતિનો વિરોધ કર્યો હતો. તેઓ એ મુદ્દે સ્પષ્ટ હતાં કે હું દીકરીઓનાં નામ તો ભારતીય જ રાખીશ. તેઓ પોતાની બંને દીકરીઓને હિન્દુ માયથોલોજી પરથી નામ આપવા માગતાં હતાં. એટલે તેમણે તેમની દીકરીઓનાં નામ કમલા અને માયા પાડ્યાં હતાં.
લગ્નના થોડા સમય પછી જ શ્યામલા અને ડોનાલ્ડ વચ્ચે વિખવાદ શરૂ થઈ ગયો હતો. અને લગ્નના ૭ વર્ષ બાદ શ્યામલાના ડોનાલ્ડ હેરિસ સાથે છૂટાછેડા થઇ ગયા હતા.
પતિ છોડીને જતા રહ્યો એ પછી શ્યામલા ગોપાલને પોતાની બંને દીકરીઓને શ્રેષ્ઠ અભ્યાસ મળે એની કાળજી લીધી હતી. તેમણે સિંગલ મધર તરીકે કમલાને હાર્વર્ડ યુનિવર્સિટીમાં અને માયાને સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં ભણાવી હતી.
શ્યામલા અશ્ર્વેત લોકોના હક માટેની પ્રવૃત્તિઓમાં ખૂબ સક્રિય હતાં એટલે કમલા હેરિસ મોટાં થયાં એ પછી તેમને પણ માતાને કારણે કોલેજ અને યુનિવર્સિટીની પ્રવૃત્તિઓમાં અને રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની પ્રેરણા મળી હતી. શ્યામલાના પ્રોત્સાહનને કારણે કમલાએ હાર્વર્ડમાંથી પોલિટિકલ સાયન્સ અને ઇકોનોમિક્સની ડિગ્રી મેળવી હતી. અને એ પછી કેલિફોર્નિયામાં લૉનો અભ્યાસ કરીને લૉની ડિગ્રી મેળવી હતી. ત્યાર બાદ કમલાએ કેલિફોર્નિયામાં ડિસ્ટ્રિક્ટ એટર્ની ઓફિસમાં નોકરી મેળવી હતી. એ પછી કમલા આગળ વધતાં ગયાં અને તેઓ કેલિફોર્નિયા સ્ટેટના એટર્ની જનરલ બન્યાં અને પછી સેનેટર બન્યાં. જોકે તેઓ સેનેટર બન્યાં એ જોવા માટે શ્યામલા હયાત નહોતાં. શ્યામલા ફેબ્રુઆરી ૧૧,૨૦૦૯ના દિવસે ૭૦ વર્ષની ઉંમરે આંતરડાનાં કેન્સરને કારણે મૃત્યુ પામ્યાં હતાં.
કમલા હેરિસ અમેરિકાનાં ઉપપ્રમુખ બન્યાં એ માટે તેમની માતા શ્યામલા ગોપાલને તેમનો જે રીતે ઉછેર કર્યો અને તેમને આગળ વધવા માટે પ્રેરણા આપી એ માટે તેમને શ્રેય આપવું જોઈએ. તેમને એ માટે પણ સલામ કરવી જોઈએ કે તેમણે ગઈ સદીમાં, આઝાદી અગાઉ, માત્ર ૧૯ વર્ષની ઉંમરે અમેરિકા અભ્યાસ કરવા જવાની હિંમત કરી. અને પછી એક જમૈકન યુવાનને પરણવાનું પગલું ભર્યું (બાય ધ વે, શ્યામલા દીકરીઓનાં નામ ભારતીય રાખવા માટે મક્કમ હતાં, પણ કમલા હેરિસ ભારતીય મૂળના અમેરિકન નાગરિક તરીકે નહીં, જમૈકન મૂળના અમેરિકન નાગરિક તરીકે ઉપપ્રમુખ બન્યાં છે!)
સંતાનોનો ઉછેર કઈ રીતે થાય છે એના પર પણ સંતાનની સફળતા આધાર રાખતી હોય છે એ વાતનો પુરાવો શ્યામલા હેરિસ આપી ગયાં છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -