ગીર સોમનાથ: ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાની એક અદાલતે આજે મંગળવારે જમણેરી કર્મશીલ કાજલ હિન્દુસ્તાનીના જામીન અંગેની અરજી અનામત રાખી છે. રામનવમી નિમિત્તે ઊના શહેરમાં તેમના કથિત ભડકાઉ ભાષણ આપવાના કારણે કોમી અથડામણ સર્જાવાના કેસમાં તેમણે જામીન માટે અરજી કરી હતી, જેને વિશેષ સેશન્સ જજ આર. એમ. આસોદિયાએ તા. ૧૩મી એપ્રિલ માટે અનામત રાખી છે, એમ વિશેષ સરકારી વકીલ મોહમ ગોહેલે જણાવ્યું હતું.
ગોહેલે જણાવ્યું હતું કે, કર્મશીલે તા. ૩૦મી માર્ચના રોજ રામનવમી નિમિત્તે કરેલા ભડકાઉ ભાષણથી મુસ્લિમ સમુદાયની લાગણી દુભાઈ હતી અને તેનાથી તા. ૧ એપ્રિલના રોજ કોમી અથડામણ સર્જાઈ હતી તેમ કહીને રાજ્ય સરકારે આ જામીન અરજીનો વિરોધ કર્યો હતો. તા. ૯મી એપ્રિલે તેણે આત્મસમર્પણ કર્યું તે પછી વિશેષ મુખ્ય જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા તેની જામીન અરજીને રદ કરીને ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો તે પછી તેણે ગઈ કાલે સોમવારે સેશન્સ કોર્ટમાં રજૂઆત કરી હતી.તા. ૧ એપ્રિલે કોમી બે સમુદાયો વચ્ચે સંઘર્ષ અને પથ્થરમારાની ઘટનાઓ સર્જાયા બાદ પોલીસે હિન્દુસ્તાની વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની કલમો ૧૫૩ (હુલ્લડ કરાવવાના ઇરાદાથી ઉશ્કેરણી કરવી) તથા ૨૯૫-એ (ધાર્મિક લાગણી ભડકાવવાના ઇરાદાથી જાણી જોઈને દૂષિત કૃત્ય) અનુસાર ફરિયાદ નોંધી હતી. ઉલ્લેખનીય છે કે, હિન્દુસ્તાની પોતાના ટ્વિટર બાયોમાં પોતાની જાતને ઉદ્યોગ-સાહસિક, સંશોધન એનાલિસ્ટ, ડિબેટર, સોશિયલ એક્ટિવિસ્ટ તથા રાષ્ટ્રવાદી તરીકે અને ગૌરવવંતા ભારતીય તરીકે ઓળખાવે છે. જાણીતા મહાનુભાવો સહિત તેમના ૯૨,૦૦૦ ફોલોઅર્સ છે. પોલીસે ૯૬ લોકોની અટક કરી છે અને ૭૬ લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે તથા ૨૦૦ લોકોના ટોળા વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી છે.