ગુજરાતના ઉનાની અદાલતે હિન્દુત્વવાદી નેતા કાજલ હિન્દુસ્તાનીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધી છે. કાજલ હિન્દુસ્તાની પર ઉનામાં રામ નવમી દરમિયાન ઉશ્કેરણીજનક ભાષણ આપી રમખાણો ભડકાવવાનો આરોપ છે. કાજલ હિન્દુસ્તાનીએ રવિવારે જ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. જે બાદ કાજલ હિન્દુસ્તાનીને ઉનાની કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.
ઉના પોલીસ ઇન્સ્પેક્ટરના જણાવ્યા પ્રમાણે કોર્ટે કાજલ હિન્દુસ્તાનીની જામીન અરજી ફગાવી દીધી હતી અને તેને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.
આરોપ છે કે કાજલ હિન્દુસ્તાનીએ 30 માર્ચે રામ નવમીના અવસર પર મુસ્લિમ મહિલાઓ અંગે આપત્તિજનક ભાષણ આપ્યું હતું. જેના કારણે 1લી એપ્રિલની રાત્રે ઉનામાં રમખાણો ફાટી નીકળ્યા હતા. પોલીસે આ મામલે 2જી એપ્રિલના રોજ એફઆઈઆર નોંધી અને કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ આઈપીસીની કલમ 153, 295A હેઠળ કેસ નોંધ્યો હતો.
ઉના બે દિવસ સુધી કોમી તણાવથી ભરેલું રહ્યું. આ દરમિયાન બંને સમુદાયો વચ્ચે હિંસક અથડામણ અને પથ્થરમારાની ઘટનાઓ બની હતી. ઉના હિંસા કેસમાં પોલીસે 76 લોકો વિરુદ્ધ FIR નોંધી છે. ઉપરાંત, આઈપીસીની કલમ 323, 337, 143, 147 અને 148 હેઠળ 200 અજાણ્યા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો છે. ઉના હિંસા કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 96 લોકોની ધરપકડ કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ટ્વિટર કાજલ હિન્દુસ્તાનીને ફોલો કરે છે:
કાજલ હિન્દુસ્તાની ટ્વિટર બાયોમાં પોતાને એક ઉદ્યોગસાહસિક, સંશોધન વિશ્લેષક, સામાજિક કાર્યકર અને રાષ્ટ્રવાદી તરીકે વર્ણવે છે. કાજલ હિન્દુસ્તાનીના ટ્વિટર પર 94.3 હજાર ફોલોઅર્સ છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ સમાવેશ થાય છે. કાજલ હિન્દુસ્તાની વિશ્વ હિન્દુ પરિષદના કાર્યક્રમોમાં હાજર રહે છે. પોતાના ઉશ્કેરણીજનક નિવેદનોને કારણે તે અવારનવાર સમાચારોમાં રહે છે.