અભિમન્યુ મોદી
કનૈયાલાલ માણેકલાલ મુનશી, મુંબઈમાં લટાર મારવા નીકળો અને ભવન્સ પાસે પહોંચીને આ નામ વાંચવા મળે ત્યારે છાતી છપ્પનથી થઈ જાય. નાટક નિહાળવા આસાન છે અને ભજવવા મુશ્કેલ, પરંતુ જ્યાં મુનશીજીના પગ પડે ત્યાં તો સાહિત્ય અને કલાને ખીલવાની પૂરતી તક મળે. ક.મા. મુનશીએ સાહિત્ય, કલા અને સર્વાંગી શિક્ષણ માટે ભારતીય વિદ્યાભવન (ભવન્સ, મુંબઈ)ની સ્થાપના કરી એનો પરિણામગામી વિસ્તાર કર્યો તેના ફળ આજના મુંબઈકરો અને નાટ્યકરો ચાખી રહ્યા છે. મુનશી એમના જમાનાના પ્રખર કાનૂનવિદ્દ અને પ્રથમ હરોળમાં પણ ટોચના ગણાતા ધારાશાસ્ત્રી હતા. એક રાજપુરુષ તરીકે તેઓ સ્વાતંત્ર્યપૂર્વે તથા સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી પ્રધાન-મંડળોમાં તથા રાજ્યપાલ પદે રહી ચૂક્યા હતા. સાહિત્યકાર તરીકે એમની આગવી પ્રતિભા અને પ્રતિષ્ઠા હતી. એમની નવલકથાઓ, ખાસ કરીને સિદ્ધરાજ જયસિંહના સમયગાળાની ઐતિહાસિક પાર્શ્ર્વભૂ પર લખાયેલી નવલકથાઓ ગુજરાતી સાહિત્યમાં અદકેરું સ્થાન ધરાવે છે.
ગુજરાતી સાહિત્યમાં શુદ્ધ સર્જનાત્મક દૃષ્ટિબિંદુની શરૂઆત કનૈયાલાલ મુનશીએ જ કરી હતી. એમના સાહિત્યમાં રસિકતા, વિલાસિતા અને જીવનના ઉલ્લાસનાં ચિત્રો જોવા મળે છે. એમણે ભાવનાને વાસ્તવના સંઘર્ષમાં મૂકીને સર્જન કર્યુ છે, એટલા માટે જ એમનાં પાત્રો હૃદયસ્પર્શી હોય છે. મુનશીની આત્મકથા ‘અડધે રસ્તે’માં વાંચવા મળે છે કે તેઓ બાલ્યવસ્થામાં આખો દિવસ અરેબિયન નાઇટ્સ વાંચ્યા કરતા અને બોલતી માછલી, પર્વતમાં પડેલા હીરા અને ઉડતા ઘોડાઓનો જ વિચાર કર્યા કરતા. મુનશીની વાર્તાઓ અને નવલકથાઓની સાથે સાથે તેમની આત્મકથાના ટુકડા વાંચવામાં આવે તો જણાશે કે તેમણે આપવડાઇ કરવાને બદલે પોતાના કુળમાં ચાલતાં મિથ્યાચાર, અહંવાદ અને આત્મસ્થાપન માટેનાં ફાંફાં આદિની, લક્ષ્મણરેખા જાળવીને, થઇ શકે એટલી ટીખળ પણ કરી છે. તેમાં પોતાને પણ છોડ્યા નથી. મુનશીએ પોતાની અસ્મિતા માટે સંકલ્પ, સંઘર્ષ અને સમન્વય-આ ત્રણેય સ્ટેજ પાર કર્યા હતા.
ક.મા. મુનશી વિશે ટૂંકમાં લખવું અસંભવ છે. મુનશી એટલે અનેક સંસ્થાઓના સ્થાપક. ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’ નીકળેલો અને સંઘર્ષો કરીને સફળ થયેલો રંગદર્શી જીવનયોદ્ધો અને ગુજરાતી સાહિત્યનો દિગ્ગજ સર્જક! ગુજરાતી-અંગ્રેજી-હિન્દી ત્રણે ભાષામાં મુનશીએ મહત્ત્વના ગ્રંથોનું સર્જન-લેખન કર્યું છે, પણ એમની સર્જકતા ગુજરાતી નવલકથા-નાટક-વાર્તા ક્ષેત્રે નીખરી, મ્હોરી અને એની ઊંચાઈએ જઈને અટકી. એમના અભ્યાસનાં અને વિદ્વતાનાં ક્ષેત્રોમાં કાયદો, સંસ્કૃતિ, રાજનીતિ, તત્ત્વજ્ઞાન તથા ઈતિહાસનો સમાવેશ કરવો જ પડે.
વીસમી સદીના પૂર્વાર્ધમાં ગાંધીજી, સરદાર અને જવાહરલાલ જેવી પ્રતિભાઓ સાથે પોતાનાં કાર્યો અને તેજસ્વી બુદ્ધિપ્રતિભાથી એ પોતાની જગ્યા બનાવી શકેલા. આવા પ્રખર વિદ્વાન અને વિરલ પ્રતિભાશાળી મુનશીનું પોતાનું અંગત જીવન નોખું ને અચરજકર હતું. કુદરત માણસને જેટલા રચનાત્મક બનાવે સંઘર્ષો માનવીને તેટલા જ બરકટ બનાવે છે. ‘પૃથ્વીવલ્લભ’ નવલકથા પ્રકાશિત થઈ ત્યારે મુનશી અને ગાંધીજી વચ્ચે પત્રદ્વારા વાર્તાલાપ થયેલો.
‘પૃથ્વીવલ્લભ’ એ મુનશીની નાટ્યાત્મકને રંગદર્શી લઘુનવલ છે. મૂળ ટૂંકા ઐતિહાસિક વસ્તુને મુનશીએ પોતાની કલ્પનાના અવનવા રંગો પૂરી તેમાં પોતાની આગવી કલાભાવનાનો પૂટ આપીને એક ઉત્તમ કૃતિનું સર્જન કર્યું છે. ‘પૃથ્વીવલ્લભ’ની વિષયવસ્તુ ગુજરાતમાં ૯મી કે ૧૦મી સદીમાં અપભ્રંશ લખાયેલાં કાવ્યોના આધારે અને ૧૫મી સદીમાં એક જૈન સાધુએ લખેલા પ્રબંધમાંથી લેવામાં આવી છે.
મુનશીએ પોતાની આત્મકથામાં લખ્યું છે કે એ સમયે એટલે કે ૧૯૧૪-૧૫માં યોગ ક્ષેત્રે કલ્પેલા વૈરાગ્યપ્રધાન સુપરમેન અને જર્મન તત્ત્વજ્ઞાની નિત્શેએ કલ્પેલા વૃત્તિવિલાસમાં અપૂર્વ એવા ‘બ્લોન્ડ બેસ્ટ’ની ભાવનાઓ વચ્ચે હું ઝૂલતો હતો. આમ ઝૂલતાં ઝૂલતાં મુંજ અને મૃણાલનાં વ્યક્તિત્વ જન્મ્યાં હતાં. પણ મારે તો મારી સર્જકતાના ધોરણે બદલાવું જ જોઈએ ને?એ બાદ મુનશીની લેખનશૈલી આગવી મૌલિકતા તરફ વળે છે અને ‘જય સોમનાથ’ પછીની એમની નવલક્થાઓમાં મુનશીની આગવી મૌલિકતા ધ્યાનાકર્ષક છે. અલબત્ત આજથી ૧૦૩ વર્ષ પૂર્વે ૧૯૨૧ની સાલમાં ‘પૃથ્વીવલ્લભ’ પ્રગટ થઈ હતી, ત્યારે તેને વિદ્વાનોની આકરી આલોચનાઓના ભોગ થવું પડ્યું હતું. તેમાં નિરૂપાયેલી નીતિભાવનાએ સમાજમાં સારી એવી ચર્ચા જગાડેલી અને જેને શમતાં ખાસ્સો સમય લાગ્યો હતો.
એટલું જ નહીં, ગાંધીજીની કડક આલોચનામાંથી પણ તે બચી શકી નહોતી. નવલકથા વાંચ્યા પછી ગાંધીજીએ મુનશીને પત્ર લખી પોતાની નારાજગી આ શબ્દોમાં બતાવી હતી: ‘પૃથ્વીવલ્લભ’ રસપૂર્વક વાંચી ગયો છું. તેમાંનું એક્કે ય પાત્ર મને ગમ્યું નહીં. મુંજ જેવા થવાની ઇચ્છા પણ ન થઈ. એમ કેમ? પાત્રોને હોય એવાં તમે ચીતર્યાં છે એમ કહો તો એ બરાબર બંધ નહીં બેસે. આ પચરંગી દુનિયામાં કોઇક તો સારા હશે, દંભ વિનાના હશે. મૃણાલના તમે ચૂરા કર્યા. વિલાસ બિચારી રસનિધિ આગળ મીણ થઈ ગઈ. પુરુષો એવા ધૂર્ત ને ચાલીસ વર્ષની કદરૂપી સ્ત્રી પણ પુરુષની મોહક વાતમાં અને તેના ગળામાં પોતાના હાથ હેઠા નાખી દે. કાલિદાસે એવું ન લખ્યું, શેક્સપિયરની છાપ મારી ઉપર એવી ના પડી. તેઓ પાસેથી કાંઈક શિખ્યો. તમારી પાસેથી કેમ નહિ? તમારી જે સારામાં સારી કૃતિ ‘પૃથ્વીવલ્લભ’ ગણાય છે ને? તેમાં હું કેમ તમારું દર્શન ન કરી શક્યો? હવે થોડો વિનોદ કરી લઉં. તમારું છેલ્લું વાક્ય કાંઈક આમ છે: મુંજનું શબ હાથીના પગ તળે છુંદાઈ રોટલો બની ગયું. રોટલો શબ્દ તો સારો લાગ્યો, પણ શરીરનો રોટલો બની જ ના શકે એ વિચાર્યું છે? છુંદો થઈ રહ્યું તો ચાલે. શરીરનો મુરબ્બો થાય, ચૂર્ણ થાય, રોટલો બનવો અશક્ય છે.
જો કે, “ગાંધીજીની આ આલોચનાનો મુનશીજીએ આ શબ્દોમાં ખુલાસો કર્યો હતો: કાલિદાસ કે શેક્સપિયર જેવું હું લખી શકું તો પછી હું ગાંગો તેલી શા માટે રહું? બીજું ‘પૃથ્વીવલ્લભ’ લિટરેચર ઓફ ઇન્સ્પિરેશનનો નમૂનો નથી; લિટરેચર ઓફ એસ્કેપનો છે; શીખવવાનો કે પ્રેરવાનો હેતુ એમાં નથી. કલ્પનાવિલાસી લેખકના મનમાં ઉદ્દભવતાં ચિત્રોને શબ્દદેહ આપવાનો છે. મુંજ કંઈક અંશે અવાસ્તવિક છે; તો તે જ પ્રમાણે કૈવલ્યપદ પામેલો યોગી પણ અવાસ્તવિક લાગી જાય છે. જો બન્ને રીતે દુ:ખનો આત્યાંતિક-પરમ આનંદ-મળી શકે તો એ બે પ્રયોગો સરખા થઈ રહે. એટલે મારો મુંજ, જેમાં રાગ છે પણ ભય ને ક્રોધ નથી એ તો સસલાંનું શૃંગ જ બની ગયો. આ સર્જકતાને મેં સ્વધર્મ માન્યો છે. કલ્પના જ સરસ વસ્તુ સર્જે. તેને સાહિત્યમાં સ્થાન પામવાનો સંપૂર્ણ અધિકાર છે. સાહિત્યપ્રવૃત્તિમાં હું કલ્પનાવિલાસી છું. મને ધૂન થાય, વિચાર આવે કે આદર્શ આકર્ષે તે વસ્તુ અને પાત્ર બની બહાર પડે છે. અને પછી તેમને લખી નાખું છું. એટલે મેં સારાંનરસાં માણસો ને પ્રસંગો આલેખ્યાં છે. શીખવવાના કે પ્રેરવાના હેતુથી નહીં પણ સર્જકતાની ધૂનમાં અને આત્મકથનની અણદબાતી વૃત્તિથી. આટલી ચોખવટ પછી પત્રની નીચે તા.ક. ટાંકતા મુનશી લખે છે: ‘શરીરનો દબાઈને રોટલો કેમ ના થાય-ચપ્પટ બની જાય તો? એ ભરુચી ઇડિયમ છે’. આનંદ લેવા જેવી બાબત એ છે કે મુનશીએ કરેલા ખુલાસા પછી એ વિવાદ આગળ વધ્યો નહોતો પરંતુ આજે પણ ભક્તો આ પ્રસંગને વર્ણવીને એવી ડંફાસ મારે છે કે મુનશી એ બાપુને રોકડું પરખાવી દીધું. આ ફેક ન્યૂઝ ફેલાવવા કેટલી હદે યોગ્ય છે?
ઝવેરચંદ મેઘાણીએ પણ મુંજના પાત્ર વિશે લખ્યું હતું કે: “મને તો મુંજ અને મૃણાલનું વર્તન મેળ વિનાનું લાગે છે. આ બધું નાટકિયું છે. પ્રસિદ્ધ સાહિત્યકારના આવા મતદર્શન પછી ‘પૃથ્વીવલ્લભ’ વતી દલીલ કરવી એ કઠણ કામ. ટિપ્પ્ણી કરવી હોય તો કરી શકાય, પણ એમાં કલાકારને અન્યાય કરવા જેવું છે. આમાં કશું અવાસ્તવિક નથી, કલાદ્રષ્ટિએ વિઘાતક પણ નથી. અને સાહિત્યકાર રતિલાલ સાં. નાયક અને સોમાભાઈ વી. પટેલ ‘જીવન અને સાહિત્ય’ નામના પુસ્તકમાં ‘પૃથ્વીવલ્લભ’ નવલકથા વિષયક ઉક્ત ચર્ચાના સંદર્ભમાં નોંધે પણ છે: “મેઘાણીભાઈ, પૃથ્વીવલ્લભ’ની સમસ્યા એ રસશાસ્ત્રીય સમસ્યા છે, એ બહુ સૂક્ષ્મ મીમાંસા માગી લે છે. ‘પૃથ્વીવલ્લભ’ના નીતિસંદેશની ચર્ચાસ્પદ બાજુને એક બાજુએ મૂકીએ તો કોઈ પણ તટસ્થ વિચારકને ‘પૃથ્વીવલ્લભ’ ઉચ્ચ કોટિનું સર્જન જણાશે.
બીજી તરફ ‘પૃથ્વીવલ્લભ’ જેટલી વખોડાઈ હતી એટલી વખણાઈ પણ હતી. ચર્ચાના મહાનળમાં તપ્યા પછી ય તેની લોકચાહના ઘટી નથી. ‘પૃથ્વીવલ્લભ’ની ૧૧ આવૃત્તિઓ ગુજરાતીમાં તેમ એકાધિક આવૃત્તિઓ હિન્દી, મરાઠી, બંગાળી, તમિળ, કન્નડ, સંસ્કૃત અને અંગ્રેજીમાં પણ થઈ અને તેનાં ગુજરાતી અને સંસ્કૃતમાં નાટ્યાંતરો પણ થયાં, જે તખ્તાક્ષમ બની રહી ગ્રંથસ્વરૂપે પ્રગટ થયાં; એ બાબત જ ‘પૃથ્વીવલ્લભ’ની લોકપ્રિયતા સિદ્ધ કરી આપે છે. મુનશી પાસે પાત્રાલેખનની અદ્દ્ભુત કળા હતી. એટલે જ આટલા વર્ષે પણ મુનશી અને તેમનું લેખન યાદ આવે છે. પ્રેમ અને સાહિત્યને જીવનની જણસ માનનારા ક.મા. મુનશી સદાબહાર સર્જક રહ્યા છે, હતા અને રહેશે, પરંતુ એક પ્રશ્ર્ન થાય કે મુનશી જેવી સૌમ્ય કલમ ગુજરાતી સાહિત્યમાં ક્યારે અવતરશે!