કેન્દ્ર સરકારે રવિવારે જસ્ટિસ સંજય વિજયકુમાર ગંગાપુરવાલાની બોમ્બે હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરતું જાહેરનામું બહાર પાડ્યું હતું. કેન્દ્ર સરકારે બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દીપાંકર દત્તાને સુપ્રીમ કોર્ટના જજ તરીકેના પદ પર નિમણૂક કરતું જાહેરનામું બહાર પાડ્યા પછી આ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. છેલ્લા અઢી વર્ષથી બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રહેલા જસ્ટિસ દત્તાએ સોમવારે સવારે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ડીવાય ચંદ્રચુડએ તેમને શપથ લેવડાવ્યા હતા.
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રવિવારે, બંધારણના અનુચ્છેદ 223 દ્વારા આપવામાં આવેલી સત્તાઓ અનુસાર, બોમ્બે હાઈકોર્ટના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ ગંગાપુરવાલાને ન્યાયમૂર્તિ દત્તાએ પદ છોડ્યા પછી કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા હતા.
24 મે, 1962ના રોજ જન્મેલા, જસ્ટિસ ગંગાપુરવાલાએ એલએલબી પૂર્ણ કર્યા પછી, 1985માં વકીલ તરીકે તેમની પ્રેક્ટિસ શરૂ કરી હતી અને એડવોકેટ એસએન લોયાની ચેમ્બરમાં જોડાયા હતા. તેમણે ટ્રાયલ કોર્ટ, હાઈકોર્ટ અને ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલમાં પ્રેક્ટિસ કરી હતી. તેઓ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, બોમ્બે મર્કેન્ટાઈલ કોઓપરેટિવ બેંક, જલગાંવ જનતા સહકારી બેંક અને અન્ય કોર્પોરેટ સંસ્થાઓ તેમજ ડૉ બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટી જેવી નાણાકીય સંસ્થાઓના વકીલ હતા. જસ્ટિસ ગંગાપુરવાલાએ 1999માં મહારાષ્ટ્રમાં થયેલા રમખાણો અંગે જસ્ટિસ માને કમિશન સમક્ષ સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે ન્યાયમૂર્તિ દત્તાની બઢતી બાદ બોમ્બે હાઈકોર્ટ હાલમાં 65 ન્યાયાધીશો સાથે કાર્યરત છે, જેમાં 39 કાયમી ન્યાયાધીશ અને બાકીના વધારાના ન્યાયાધીશનો સમાવેશ થાય છે. અલાહાબાદ હાઈકોર્ટ પછી દેશમાં બીજા નંબરની સૌથી મોટી મંબઇ હાઇકોર્ટમાં જજોની મંજૂર સંખ્યા 94 છે.