પ્રમુખ ચિંતન – સાધુ આદર્શજીવનદાસ
પ્રિય વાચકો! રોજેરોજ તારીખિયાંનાં પાનાં ફરતાં જાય છે, પણ આ રોજિંદી ઘટમાળમાં કો’ક તારીખ આવતાં, કો’ક દિવસ ઊગતાં આપણું મન નાચી ઊઠે છે, કારણ કે તે તારીખ સાથે કોઈ એવી પ્રેરક અને રોચક તવારીખ સંકળાયેલી હોય છે. ઇતિહાસના પાને લખાયેલી એ સુવર્ણાક્ષરી ઘટના જે તે તારીખને જોતાં જ આપણા મનનો કબજો લઈ લે છે.
આજે ઊગેલી તા. ૭/૧૧ પણ એવી જ એક સ્મરણીય અને અવિસ્મરણીય તવારીખ સાથે સંકળાઈને અમરપટ્ટો મેળવી ચૂકી છે. હા, આજથી ૮૩ વર્ષ પૂર્વે તા. ૭/૧૧ની સવારે વડોદરાની નૈઋત્ય દિશામાં બારેક કિ.મી.ના અંતરે આવેલા ગામ ચાણસદની એક શાળા પાસે કેટલાક કિશોરો એકત્રિત થયેલા. તેઓની વિચારણામાં મુખ્ય મુદ્દો હતો – ક્રિકેટનાં સાધનોની ખરીદી. તે માટે સૌએ ઉઘરાવેલા ફાળામાંથી સામગ્રી ખરીદવા માટે વડોદરા જવાની જવાબદારી મુકાઈ – શાંતિલાલ પર. અઢાર વર્ષીય આ કિશોર તેનાં વાણી, વર્તણૂક અને વલણથી ગામ આખાનો આત્મીય જ નહીં, પરંતુ વિશ્ર્વસનીય પણ બની ચૂકેલો. તેથી સૌ દોસ્તોએ તેને જ વડોદરા મોકલવાનું નક્કી કર્યું.
તે માટે શાંતિલાલ અન્ય એક ભાઈબંધ શંકર સાથે નીકળવાની તૈયારીમાં જ હતા ત્યાં ચાણસદના નિકટવર્તી ભાયલી ગામના નિવાસી રાવજીભાઈ સાઇકલ પર સવાર થઈને આવી પહોંચ્યા. તેઓએ આ મિત્રમંડળી આગળ સાઇકલ થોભાવી પોતાના ખિસ્સામાંથી એક પત્ર કાઢ્યો. તે બી.એ.પી.એસ.ના સ્થાપક શાસ્ત્રીજી મહારાજે શાંતિલાલને ઉદ્દેશી લખેલો. આ સંતને શાંતિલાલે પોતાના ગુરુ તરીકે સ્વીકારેલા. તેથી તેઓનો પત્ર જોઈ આ કિશોર આનંદિત થઈ ઊઠ્યો. તે લાગણી સાથે જ તેણે પૂરેપૂરો પત્ર વાંચી મિત્રોને કહ્યું : ‘શાસ્ત્રીજી મહારાજનો પત્ર આવ્યો છે અને તેમાં તેઓએ મને સાધુ થવા આવી જવાનું જણાવ્યું છે. એટલે હું નીકળું છું. માટે તમે સાધન લેવા જવાની વ્યવસ્થા ગોઠવજો.’
આમ, માત્ર એક પત્રના આધારે શાંતિલાલે જીવનની દિશા બદલવાની તૈયારી કરી દીધી. તે જોઈ મિત્રો તો અસહ્ય આઘાત અનુભવી રહ્યા. સૌનાં મોં વિલાઈ ગયા. ઉત્સાહ મરી પરવાર્યો. ઘડીભર તો સૂનમૂન થઈ સૌ બેસી જ રહ્યા.
થોડીવારે કળ વળતાં સૌ શાંતિલાલને વીનવવા લાગ્યા કે ‘કાગળ આવ્યો છે પણ સાધનો લઈ આવીએ. થોડા દા’ડા અમારી સાથે રમીને તું જાય તો સારું.’ એકે તો ડૂસકું મૂકતાં કાકલૂદી કરી કે ‘આપણે કાંઈ સાધનો લાવવા નથી પણ તું તો રોકાઈ જ જા.’ કો’કે સૂચન ધર્યું કે તારા બાપુજીને વાત કરીએ અને તે શાસ્ત્રીજી મહારાજને લખી જણાવે કે શાંતિ પછી આવશે.’
આમ, એક પછી એક વિનંતીના સૂર આંસુનાં પૂરની સાથે વહેવા લાગ્યા, પણ શાંતિલાલે લાગણીઓના આ વહેણને ખાળતાં શાંતિથી કહ્યું : ‘ગુરુની આજ્ઞા આવી છે એટલે મારે તો જવું જ પડે.’
સૌને થયું કે શાંતિલાલનો નિર્ણય અફર છે. તેથી સૌ સજળ નયને તેઓને તાકી રહ્યા. ‘સુખ તણા હતા દિન તે ગયા…’ નો ભાવ ચોમેર છવાઈ રહ્યો. તેની વચ્ચે દિવાળીના તહેવારને આડે માત્ર ચાર જ દિવસ બાકી હતા ત્યારે શાંતિલાલે કરેલું એ મહાભિનિષ્ક્રમણ વિરલ બની રહ્યું છે, કારણ કે વેપાર-વણજ, અભ્યાસ કે કોઈપણ કારણસર બહારગામ ગયેલી વ્યક્તિ દિવાળી
ટાણે ઘરના દીવા જોવાનો મનોરથ સેવે. પરંતુ જ્યારે સૌના પગ ઘર ભણી વળે ત્યારે શાંતિલાલ ઘરની બહાર જવા માટે કદમ ઉપાડે છે!
આ ઘટનાના સંદર્ભમાં તેઓને પૂછવામાં આવેલું કે ‘આપને એવું ન થયું કે દિવાળી ઘેર કરીને પછી જઈએ?’
તે વખતે તેઓએ હસતાં-હસતાં કહેલું : ‘આપણે બધા દિન દિન દિવાળી’ કહીએ છીએ ને! ગુરુની આજ્ઞા થઈ એમાં દિવાળી આવી ગઈ ને!’
તેઓના આ ઉત્તર પરથી ગૃહત્યાગના સમયે તેઓની મનોભૂમિકા કેવી હતી તેનો ખ્યાલ આવે છે. વિશ્ર્વમાં કેટલા મહાપુરુષોએ આટલા ઉમંગભેર ઘરનો ઉંબરો છોડ્યો હશે? નહીં કોઈ મનોમંથન! નહીં કોઈ આત્મચિંતન! નહીં કોઈ લાગણીઓનો સંઘર્ષ! ગજરાજ કાચા સૂતરના તાંતણાને તોડે તે કરતાંય વધુ સરળતા શાંતિલાલના આ પ્રયાણમાં હતી. જાણે નિશાળે જવા નીકળ્યા હોય કે ખેતરમાં આંટો મારવા નીકળ્યા હોય કે મિત્રો સાથે રમવા નીકળ્યા હોય એટલી સ્વસ્થતા અને સાહજિકતાથી શાંતિલાલ રાવજીભાઈની સાઇકલ પર બેસીને ચાણસદની ક્ષિતિજ પરથી અદૃશ્ય થઈ ગયા!
ગુરુના માત્ર એક પત્રના આધારે જીવનની દિશા બદલી ચાલી નીકળેલા આ શાંતિલાલ એ જ આજે વિશ્ર્વવિખ્યાત બનેલા પ્રમુખસ્વામી મહારાજ. તેઓના ગૃહત્યાગની ઘટના તેઓના જીવન જેવી જ ગૌરવશાળી છે ને!