ગુજરાતમાં વારંવાર બનતી પેપર લીકની ઘટનાને કારણે સરકારની છબી ખરડાઈ રહી છે. તાજેતરમાં જ પેપરલીક થઇ જતા છેલ્લી ઘડીએ જુનિયર કલર્કની પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી. જેને કારણે મહિનાઓથી મેહનત કરતા હજારો યુવાનોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. ત્યારે સરકારે પંચાયત સેવા પસંદગી મંડળના નવા ઇન્ચાર્જ અધ્યક્ષ તરીકે IPS હસમુખ પટેલને જવાબદારી સોંપી છે.
IPS હસમુખ પટેલે જણાવ્યુ હતું કે, હવે પેપરલીક જેવી ઘટના ભવિષ્યમાં ન બને તે માટેની તમામ તૈયારીઓ અમે કરી રહ્યા છે. બંને પ્રકારની કાળજી રાખવામાં આવી રહી છે, પેપર લીક ન થાય અને પરીક્ષા કેન્દ્રો પર ગડબડી ન થાય. બોર્ડની પરીક્ષા બાદ એપ્રિલ મહિનામાં જુનિયર કલાર્કની પરીક્ષા લેવાની તૈયારી છે. હજી આ ચોક્કસ તારીખ નક્કી થઇ નથી.
આઇપીએસ હસમુખ પટેલ અનેક બોર્ડના ચેરમેન છે. તાજેતરની LRDની પરીક્ષા તેમના નેતૃત્વમાં લેવામાં આવી હતી. તેમણે જે ફોર્મેટ તૈયાર કર્યુ જેને કારણે પરીક્ષા સરળતાથી પૂર્ણ થઇ હતી.
ભારે વિરોધનો સામનો કરી રહેલી ગુજરાતમાં સરકારે પરીક્ષાર્થીઓને વાયદો કર્યો હતો કે 100 દિવસમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવશે. પેપર લીકની ઘટનાઓ રોકવા આગામી સમયમાં કાયદો પણ બનવાનો છે. બજેટ સત્રમાં આ કાયદા અંગે કોઇ નિર્ણય લેવાય તેવી શક્યતા છે. ભાજપ સરકારે આ મામલે 2 રાજ્યોના નિયમોનો અભ્યાસ પણ કર્યો છે.