હિમાલયની ગોદમાં વસેલું જોશીમઠ હાલમાં મોટી કુદરતી આફતનો સામનો કરી રહ્યું છે. ઉત્તરાખંડના જોશીમઠમાં હજુ પણ જમીન ડૂબતી જોવા મળે છે. જમીન, મકાનો, ઈમારતો તોડવાનું કામ ચાલુ છે. જોશીમઠમાં અત્યાર સુધીમાં 800થી વધુ ઈમારતોમાં તિરાડ પડી ગઇ છે. દિવસેને દિવસે અહીંની સ્થિતિ વધુ વણસી રહી છે. અહેવાલ મુજબ જોશીમઠમાં સોમવાર સુધીમાં 849 ઈમારતોમાં તિરાડ પડી છે. ઘણી જગ્યાએ જમીનમાં તિરાડો પણ પડી ગઈ છે. જેને કારણે અહીંના નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઇસરો દ્વારા થોડા દિવસો પહેલા જાહેર કરવામાં આવેલી જોશીમઠની સેટેલાઇટ તસવીરોમાં સ્પષ્ટ થાય છે કે જોશીમઠ દિવસેને દિવસે કેવી રીતે બગડી રહ્યું છે. આ તસવીરો Cartosat-2S સેટેલાઇટ દ્વારા લેવામાં આવી છે. એક રિપોર્ટ અનુસાર જોશીમઠમાં અત્યાર સુધીમાં 849 ઈમારતોમાં તિરાડ જોવા મળી છે. તેમાંથી 165 બિલ્ડીંગો ડેન્જર ઝોનમાં છે. તેમજ અત્યાર સુધીમાં 237 પરિવારોના 800 જેટલા નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
જોશીમઠ ઉત્તરાખંડના ચમૌલી જિલ્લામાં 6150 ફૂટની ઉંચાઈ પર આવેલું છે. જોશીમઠ એ હિન્દુઓ માટે સૌથી પવિત્ર ચારધામોમાંના એક બદ્રીનાથનું પ્રવેશદ્વાર છે. આ ગામમાં 20 હજારની વસ્તી છે.
સત્તાવાર માહિતી મુજબ ઉત્તરાખંડ સરકાર દ્વારા 190 અસરગ્રસ્ત પરિવારોને સહાય તરીકે 2.85 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 237 પરિવારોના 800 સભ્યોને અસ્થાયી રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઇમારતો પર ક્રેક મીટર લગાવવામાં આવ્યા છે અને થયેલા નુકસાનનું આકલન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 400 મકાનોના નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.