(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં જી-૨૦ પ્રેસિડન્સી સમિટ માટે તાકીદના ધોરણે વીઆઈપી રસ્તાઓનું સમારકામ કરવામાં આવ્યું હતું. તે પાછળ ખર્ચવામાં આવેલા ૧૦ કરોડ રૂપિયાનો ખર્ચો હવે મંજૂરી માટે મોકલવામાં આવ્યો છે. આ દરમિયાન મુંબઈ મહાનગરપાલિકાએ હવે જોગેશ્વરી-અંધેરીના રસ્તાઓના સમારકામ માટે ૧૨ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.
મુંબઈમાં ૧૨થી ૧૫ ડિસેમ્બર દરમિયાન જી-૨૦ સમિટ યોજાઈ હતી. આ દરમિયાન જી-૨૦ ડેલિગેશને મુંબઈની મુલાકાત લીધી હતી. તે માટે પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે અંધેરી (પૂર્વ)માં મુંબઈ ઈન્ટરનેશનલ ઍરપોર્ટથી કોલાબામાં ગેટવે ઓફ ઈન્ડિયા સુધીના રસ્તાને ખાડામુક્ત કરીને તેને આંતરરાષ્ટ્રીય સ્તરના બનાવ્યા હતા.
છત્રપતિ શિવાજી મહારાજ ઍરપોર્ટના ગેટ નંબર ૮થી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે સુધીના રસ્તાના સમારકામની સાથે મિલિટ્રી કેમ્પ રોડ અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રોડનું પણ સમારકામ કરવામાં આવ્યું હતું. આ પાંચ રસ્તાઓના રિસર્ફેસિંગ પાછળ ૧૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
આગામી સમયમાં જી-૨૦ સમિટની વધુ મિટીંગો થવાની છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકાએ હવે રસ્તાના રિસર્ફેસિંગ પર ધ્યાન આપી રહી છે, જે રસ્તાઓનું હજી કૉંક્રીટાઈઝેશન થયું નથી. લગભગ ૨૦૦ કિલોમીટરના રસ્તાઓનું રિસર્ફેસિંગ થવાનું છે, તેમાંથી ૧૧ રસ્તા અંધેરી અને જોગેશ્વરીના છે.
આ રસ્તાઓમાં લોખંડવાલા ક્રોસ લેન ચાર, ભગતસિંહ રોડ, નરશી મોનજી રોડ, સેંટ ઝેવિયર રોડ, ઉપાસના લેન, વૈશાલી નગર રોડ, વર્સોવા મ્યુનિસિપલ સ્કૂલથી પોશા નાખવા ગાર્ડન, વર્સોવા પોલીસ સ્ટેશન રોડ, દાદાભાઈ ક્રોસ રોડ નંબર ૨, મ્હાતરપાડા રોડ, દાઉદ બાગ રોડનો સમાવેશ થાય છે. આ તમામ રસ્તાઓ પાછળ લગભગ ૧૨ કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે.
આગામી ત્રણ મહિનામાં પહેલા તબક્કામાં મુંબઈના ૨૦૦ કિલોમીટરના રસ્તાના રિસર્ફેસિંગનું કામ કરવામાં આવશે, જેમાં રસ્તા પર ફક્ત ઉપલા થરનું રિસર્ફેસિંગ કરવામાં આવશે. નોંધનીય છે કે મુંબઈમાં ૨,૦૫૦ કિલોમીટરના રસ્તા છે, જેમાંથી ૧,૦૦૦ કિલોમીટરના રસ્તાનું કૉંક્રીટાઈઝેશન કરવામાં આવ્યું છે અને બાકીના રસ્તાનું તબક્કાવાર કૉંક્રીટાઈઝેશનની પ્રક્રિયામાં છે.